સંબંધોને પેલે પાર-જાનકી કળથિયા
શું તમે તમારી જાતથી ૧૦૦ ટકા ખુશ છો? તમારી પાસે જે કાંઈ છે એનાથી તમને સંપૂર્ણ સંતોષ છે કે પછી કંઈક ખૂટે છે એવું લાગ્યા કરે છે? બીજાને જોઈને જેલસી ફિલ થાય છે કે પછી તમારી પાસે જે છે એને એન્જોય કરી શકો છો? પોતાની નાનકડી દુનિયામાં મસ્ત છો કે પછી ન મેળવી શક્યાના અફસોસ સાથે જીવો છો?
સવાલ એવા છે એના જવાબ આપતી વખતે ખરેખર વિચારવું ન પડે. છતાંય જો આપણે વિચારવામાં સમય બગાડીએ છીએ મતલબ આપણી પાસે જે છે એની કદર આપણે નથી કરતા. અથવા તો અન્ય લોકો જેવા આપણે નથી એ વાત પીડ્યા કરે છે. આપણી ખામીઓ, મર્યાદાઓને શોધવા મથતા આપણે આપણી સારી ટેવોને સાઈડમાં રાખી દેતા હોઈએ છીએ. આ જ વસ્તુ બીજાઓ સાથે પણ કરીએ. સામેવાળા માણસમાં ઢગલો ગુણો હોવા છતાં એનામાં રહેલો એક અવગુણ ઊડીને આંખે વળગે છે. અરે બીજાના સ્પાઉસ જોઈને પોતાના સ્પાઉસમાં ભૂલો કાઢવાવાળા પણ પડ્યા છે. ઈવન સંતાનોની કંપેરિઝન પણ કરે છે. સંતાનો પણ મિત્રોના પેરેન્ટ્સ જોઈને પોતાના પેરેન્ટ્સના સો કોલ્ડ જુનવાણી બિહેવીયરથી શરમ અનુભવે છે. ઈનશોર્ટ સંબંધોથી લઈને પોતાના શ્ર્વાસની સ્પીડ સુધી આપણે આપણી પાસે જે નથી એના માનસિક ઉદ્વેગ સાથે જીવીએ છીએ. અને એમ કરતા આપણી પાસે જે ખરેખરમાં છે એની મજા લેવાનું ચુકાઈ જાય છે.
આપણા શરીરમાં રહેલી કોઈ ખામીને એટલી પ્રાયોરિટી આપીએ છીએ કે ઈશ્ર્વરે આપેલાં શરીરનો મોલ કલ્પી પણ શકતાં નથી. એક બહેન બધી વાતે સુંદર હતા. એને બ્યુટીપાર્લર જવાની આદત નહોતી ને જરૂર પણ નહોતી. એકવાર અચાનક એના મિત્રએ કહ્યું કે એની આંખો નીચે ડાર્ક સર્કલ્સ થયા હોય એવું લાગે છે. પેલા બહેન તો અકળાયા. બ્યુટીપાર્લર જઈને એને લગતી ટ્રિટમેન્ટ માટે વેઇટિંગ ઝોનમાં ઊભાં હતાં. અચાનક સામે રહેલ અરીસામાં એનું ધ્યાન ગયું. આંખો એટલી નિર્મળ હતી કે સમગ્ર દુનિયા માટે સ્નેહ છલકાતો હોય. ક્ષણવારનો પણ વિલંબ કર્યા વગર તેઓ ચાલતાં થયાં. પોતાને મળેલ અપાર આંતરિક સુંદરતા બદલ તેઓ સંતોષ અનુભવી રહ્યાં હતાં. આપણે બધા જ આપણને જે નથી મળ્યું એની પાછળ પાગલ બનીએ છીએ. પણ જે છે એને એન્જોય કરી શકતાં નથી. હકીકતમાં તો આપણને કોઈ વસ્તુ ગમી જાય અને એ ન મળે ત્યાં સુધી જ એની પાછળ પડીએ છીએ. એ વસ્તુ હાંસલ કરી લીધા પછી એની કિંમત અને મોહ ધીરેધીરે ઓછો થવા લાગે છે. આ જ સ્ટેજમાં આપણી નજીકની કોઈ વ્યક્તિ પાસે રહેલ વસ્તુ પામવા પ્રયાસ થાય છે. અને આપણી પાસે છે એની કદર રહેતી નથી. હ્યુમન બિહેવીયર અહીં ઘણું બધું કહી જાય છે.
આપણે પોતાની આસપાસની પરિસ્થિતિ પ્રત્યે આપણે શું વિચારીએ છીએ એ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે. મરચું ને રોટલો ખાવાવાળા પણ સુખી હોય અને ચાંદીનાં વાસણોમાં જમનારા ડિપ્રેશનની ગોળીઓ લેતા હોય એવું બની શકે. માટે આપણી પાસે શું છે એ નહિ પણ આપણી પાસે જે છે એ ઇનફ છે કે કેમ એ પ્રકારનો અભિગમ જ આપણા સુખદુ:ખનું કારણ બને છે. જો આ પ્રકારનો અભિગમ કેળવવામાં આવે તો પોતાની ૧૦૦ ટકા કદર કરી શકીએ. પોતાની જાતથી પ્રસન્ન રહી શકીએ અને સરવાળે અન્યોને પણ આનંદ આપી શકાય.
નવા નવા રિલેશનમાં જોડાયેલ પ્રેમી અને પ્રેમિકા લગ્ન માટે તૈયાર નહોતાં થતાં. મેં કારણ પૂછ્યું તો જણાવ્યું કે, ‘અત્યારે અમે લોકો જે રીતે રહીએ છીએ એમ કદાચ લગ્ન પછી નહિ રહી શકીએ. બે વ્યક્તિ લગ્ન પહેલા જે રીતે એકબીજા માટે ફીલિંગ્સ ધરાવતા હોય એ ફીલિંગ્સ લગ્ન બાદ ગાયબ થઈ જતી હોય છે માટે આમ જ રહીએ એ બેટર છે.’ આ માત્ર એ લોકોનો જવાબ નહોતો, પરંતુ માનવમન કેટલું ચંચળ અને ઘુમરી ખાતું હોય છે એનું એક્ઝામ્પલ હતું. જ્યાં સુધી બે પાત્રો એકબીજાને પામી નથી લેતાં ત્યાં સુધી એ પ્રાપ્ત કરવા અનેક તરકીબો લગાવવામાં આવે પણ એ પાત્ર મળી ગયા પછી અન્ય પાત્રો સાથે એની કંપેરિઝન થવા લાગે છે. મતલબ કે આપણી પાસે જે વસ્તુ નથી એ કોઈપણ ભોગે મેળવવી ગમે છે. પણ એ હાંસલ કરી લીધા પછી એનું મહત્ત્વ પેલા તુષ્ટિગુણની જેમ ઘટવા લાગે છે. બાળપણમાં કોઈની સાઈકલ જોઈને એ મેળવવા જીદ કરતા. આજે મિત્રો કે પડોશીઓની ગાડી જોઈને આપણી ગાડી નાની લાગે છે. ત્યારે એમ થાય કે જે સાઈકલ મળ્યાનો આનંદ હતો, એ જીદ પૂરી કર્યાનો આનંદ હતો એ તો ક્ષણિક હતો. અન્યોની રહેણીકરણી અને મોજશોખને જોઈને આપણે પણ એ મુજબ કરવા જાણ્યે અજાણ્યે પ્રેરાઈએ છીએ. બસ આ જ ભોગવાદી જીવનશૈલી આપણી ખુશીઓને હણવા માટેનું સાયલન્ટ શસ્ત્ર બની રહે છે.
ઈશ્ર્વરે સરસ મજાના, અમૂલ્ય એવા હાથ, પગ, આંખો, હૃદય, મગજ જેવા ઘણાંય અંગો થકીનું શરીર આપ્યું છે. પણ એ શરીરમાં રહેલો એક સામાન્ય દાગ પેલા અણમોલ શરીરની સામે હાવી થઈ પડે છે. માથાના સફેદ વાળ, બદલાઈ રહેલી ચાલ, પડી રહેલાં દાંત- આ બધું જીવનનું ટાળી ન શકાય એવું સત્ય છે. જેને સ્વીકારીને એનો આનંદ માણી શકાય અથવા તો એના પર રોદણાં રોઈ શકાય. જેની કિંમત અંકમાં ન માપી શકાય એવા અણમોલ શરીરની સામે એમાં આપી દીધેલ એકાદી ખોટ આપણા મનને સતત પીડે છે.
આ પીડામાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ ઉપાય છે ‘સ્વીકાર’. અને આપણી પાસે જે છે, આપણે જે મેળવ્યું છે એને માણવું જોઈએ. પેલી કહેવત છે ને કે, ‘કોઈના બંગલા જોઈને આપણાં ઝૂંપડાં ન બાળી દેવાય.’ જે નથી એ મેળવવાની લ્હાઈમાં જે છે એની ખુશી સાઈડમાં રહી જતી હોય છે. સરવાળે આપણું અંતિમ ધ્યેય તો ખુશી કે આનંદ જ પ્રાપ્ત કરવાનું હોય છે અને એના માટે તો આપણે લાઈફટાઈમ મથ્યા કરીએ છીએ. પણ એ મથામણમાં જો જરાક નેગેટિવ સાઈડ દેખાય તો આપણે નાસીપાસ થઈ જતા હોઈએ છીએ.
તો બસ જે નથી મળ્યું કે નથી મેળવી શક્યા એના અફસોસમાં જીવવા કરતાં જે મળ્યું છે અને જે મહેનત થકી પ્રાપ્ત કર્યું છે એનો આનંદ માણો. લગરીક ખામીની સામે અપાર કૌશલ્ય અને લાયકાત ઈશ્ર્વરે આપી છે એનો ધન્યવાદ માનો. એક ઈચ્છા પૂરી થશે તો બીજી જાગશે જ. માટે એવા લોકોને યાદ કરો જેની સામાન્ય જરૂરિયાતો પણ પૂરી થઈ શકતી નથી. આમ કરવાથી આપણી પાસે અઢળક હોવાનો અહેસાસ ચોક્કસ થશે. નાહકની કમ્પેરિઝન કરવાનું છોડીને પોતાના અસ્તિત્વના ઉન્માદમાં જીવવાનું શરૂ કરો અને પછી જુઓ જીવન જીવવાની મજા કેવી આવે છે…!
કલાઇમેકસ: તારું આવવું ને જવું એમ જ સ્વીકાર્યું છે જેમ કે મૃત્યુ. નથી રહી કોઈ પીડા, નથી કોઈ અફસોસ કે નથી કોઈ વસવસો…! કેમ કે નથી જ પાછો ફરવાનો તું એમ માનીને દઈ દીધો છે કુણા હૃદયને મેં દિલાસો…! ઉ