Homeઉત્સવપરિસરનું મુખ્ય મથક ધારાપુરી (એલિફન્ટા) હતું

પરિસરનું મુખ્ય મથક ધારાપુરી (એલિફન્ટા) હતું

એલિફન્ટાની ગુફા મૌર્ય સામ્રાજ્યના સમયગાળામાં સ્થાપવામાં આવી હતી

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

(ગતાંકથી ચાલુ)
મુંબઈ ઉપર મૌર્ય, શતવહન, ત્રકૈટક, ચૌલુક્ય, રાષ્ટ્રકૂટ, શીલહાર વગેરેનું સામ્રાજ્ય રહ્યું, પરંતુ એ સમયે આ પરિસરનું મુખ્ય મથક ધારાપુરી – એલિફન્ટા હતું. વર્તમાન મુંબઈ તો ઉજ્જડ ટાપુઓમાં ત્યારે વહેંચાયેલું હતું. એલિફન્ટાની ગુફા મૌર્ય સામ્રાજ્યના સમયગાળામાં સ્થાપવામાં આવી હતી અને અહીંની ત્રિમૂર્તિ એ ચૌલુક્ય શિલ્પકલા – શૈલી ધરાવે છે. ચૌલુક્ય સામ્રાજ્યનો અંત મુંબઈમાં ઈ.સ. ૭૫૭માં આવ્યો હતો. ચૌલુક્ય પછી રાષ્ટ્રકૂટ સત્તા સ્થાપવામાં સફળ નીવડ્યા. શીલહાર સામ્રાજ્યનો સમય ઈ.સ. ૮૦૦થી ૧૨૬૦નો છે. એ સમયગાળામાં ગુજરાતના ભીમદેવ સોલંકીએ માહિમના ઉજ્જડ જંગલમાં મહિકાવતી રાજધાની સ્થાપી હતી. શીલહારની રાજધાની ત્યારે એલિફન્ટા હતી. શીલહાર રાજાઓના સમયમાં મુંબઈ, સોપારા, વસઈ, થાણે, કલ્યાણ, ચૌલ પરિસરમાં હિન્દુ, મુસલમાન, પારસી, આરબ, યાહૂદી, ચીના વગેરે વ્યાપાર માટે આવી વસ્યા હતા. આ પરિસરમાં પારસીઓ અને આરબોની સંખ્યા ત્યારે ચૌલ ખાતે દસ હજાર જેટલી હતી. હિન્દુઓએ વાલકેશ્ર્વર અને અંબરનાથ ખાતે શીલહાર સમયમાં મંદિર બાંધ્યા હતા. શીલહારા સામ્રાજ્યમાં દરેક ગામનો કારોબાર સંભાળનાર અધિકારીને ‘પટ્ટકિલ’ તરીકે ઓળખવામાં આવતા હતા. આ ‘પટ્ટકિલ’ ઉપરથી પાટિલ – પટેલ શબ્દ આવ્યો છે. મુંબઈને થાણે સાથે જોડતો ધોરીમાર્ગ – હાઈવેને ‘રાજપથ’ તરીકે ઓળખવામાં આવતા હતા.
આવા ઐતિહાસિક મુંબઈમાં એક જગ્યા એવી છે કે જે ટીપુ સુલતાનના ઈતિહાસ સાથે સંકળાયેલી છે. એ છે સેમ્યુલ સ્ટ્રીટ અને ઈસાજી સ્ટ્રીટ. આ સ્ટ્રીટ એક યાહૂદી સેમ્યુઅલ ઈઝેકીલ દિવાકર ઉર્ફે સામાજી હાસાજી દિવેકરના નામની યાદ આપે છે. આ સેમ્યુઅલ બ્રિટિશ રાજની પલટણ ‘બોમ્બે આર્મી’માં નેટિવ કમાન્ડન્ટ એટલે કે સુબેદાર મેજર હતો. આ બોમ્બે આર્મી પલટણ મૈસુરના ટીપુ સુલતાન સામે લડવા ગઈ હતી અને ૧૭૮૩માં બદનૂર ખાતે ટીપુ સુલતાનની સેનાએ એ સહુને કેદી બનાવ્યા હતા. એ સહુને મોતની સજા ફરમાવવામાં આવી હતી; પરંતુ સેમ્યુઅલ અને અન્ય બેનઈઝરાયલીઓ – યાહૂદીઓએ એવી રજૂઆત કરી કે તેઓ બાઈબલ કરતાં કુરાનમાં અધિક શ્રદ્ધા ધરાવે છે. સારા નસીબે ટીપુ સુલતાનના માતાજીએ દરમિયાનગીરી કરી અને યાહૂદી કેદીઓને ઈ.સ. ૧૭૮૪માં છોડી મૂકવામાં આવ્યા. જ્યારે સેમ્યુઅલ કેદી હતો ત્યારે એવી માનતા હતી કે જો ટીપુ સલતાન છોડી મૂકશે તો લશ્કરમાંથી નિવૃત્ત થઈને મુંબઈમાં સીનાગોગ (યાહૂદી મંદિર) બંધાવશે. એ માનતા પ્રમાણે સેમ્યુઅલ સ્ટ્રીટ પરિસરમાં યાહૂદી મંદિર બંધાવ્યું હતું. જ્યારે બગદાદથી ગોરા યાહૂદી મુંબઈ આવ્યા ત્યારે આ સ્થાનિક બેનઈઝરાયલીઓ કાળા યાહૂદી તરીકે ઓળખાવા લાગ્યા. બગદાદથી પહેલા ગોરા યાહુદી તરીકે મુંબઈ આવનાર છે શેલમ બેન આરોન બે ઓબેદિયાહ હા-કોહેન છે. ૧૭૯૦ના સપ્ટેમ્બરમાં એ મુંબઈ આવ્યો હતો અને વેપાર માટે સુરત ગયો હતો. ત્યાર પછી સુરતમાં જ બગદાદી યાહૂદીઓ એકઠા થયા હતા અને ત્યાંથી મુંબઈ આવ્યા હતા. મુંબઈમાં યાહૂદીઓએ પોતાના વેપારનું સામ્રાજ્ય સ્થાપ્યું. ૧૮૩૨માં બગદાદી વેપારી ડેવિડ સાસુન મુંબઈ આવ્યા પછી આ ગોરા બગદાદી યાહૂદીઓ પહેલાં તો પ્રાર્થના માટે સેમ્યુઅલે બંધાવેલા સીનાગોગમાં જતા હતા. ડેવિડ સાસુને ભાયખલા ખાતે બગદાદી યાહૂદીઓ માટે સુંદર સીનાગોગ બંધાવ્યું હતું. આ બગદાદી યાહુદીઓ શરૂઆતમાં આરબ શૈલીના પોશાક પહેરતા હતા અને અરેબિક ભાષામાં વાત કરતા હતા. હીબ્રુ લિપિમાં મેગેઝિનો પ્રગટ કરતા હતા અને તેની ભાષા અરબી હતી.
મુંબઈમાં બગદાદી યાહૂદીઓની જાહોજલાલીની યાદ આજે પણ હોર્નિમન સર્કલનાં મકાનો આપે છે. એ મકાનોની બાંધણીમાં યાહુદી શૈલીનાં માથાંઓ આજે પણ જોવા મળે છે. આ સર્કલ પહેલાં એલ્ફીન્સ્ટન સર્કલના નામે ઓળખાતું હતું. આ સર્કલનું બાંધકામ થયું તે પહેલાં અહીં વેપારીઓના રૂનાં ગોદામ હતાં અને એ સ્થળ કોટનગ્રીન તરીકે ઓળખાતું હતું. આ સર્કલની ડિઝાઈન એલ્ફીન્સ્ટન લેન્ડ કંપનીના ચીફ એન્જિનિયર જેમ્સ સ્કોટે બનાવી હતી. વચ્ચે બગીચો રાખવાની કલ્પના પણ જેમ્સ સ્કોટની હતી. આ મકાનનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે જે ઉનાળાના સૂર્યના તડકાથી અને પશ્ર્ચિમથી આવતા વરસાદથી રક્ષણ આપે છે.
નરીમાન પોઈન્ટ રેકલેમેશન માટે જાણીતો વિસ્તાર છે, પરંતુ મુંબઈમાં સર્વ પ્રથમ રેકલેમેશન હોર્નબી વેલાર્ડ ખાતે ૧૭૭૦માં થયું હતું. ત્યાર પછી ૧૮૪૪માં ઓવલમેદાનની દક્ષિણે કુપરેજ ખાતે રેકલેમેશન થયું હતું. કોલાબા કોઝવેનું બાંધકામ ૧૮૩૮માં થયું હતું. ૧૮૬૦માં ફોરશોર રેકલેમેશન કોલાબા થયું. ટંકશાળથી મઝગાંવ પરિસરમાં પણ રેકલેમેશન થયું. ૧૮૬૯માં એપોલો રેકલેમેશન થયું અને ત્યાં તાજમહલ હોટલ આજે ઊભી છે. બેકબે રેકલેમેશન ૧૯૦૦-૧૯૨૦ વચ્ચે થયું છે. કોલાબા કફ પરેડ એ રેકલેમેશન છે. મરીન ડ્રાઈવ એ ૧૯૨૯નું બાંધકામ છે. આજે પણ રેકલેમેશનની માગણી વધતી જ રહી છે. આ રેકલેમેશનની જમીન સોના કરતાં પણ મોંઘી છે.
* * *
આજે વીસમી સદીમાં પણ લોકો માટે મુંબઇ નગર એ પરીકથાનું શહેર છે અને હજારો માણસો દરરોજ અહીં પોતાના સ્વપ્નાંનું ભાગ્ય પ્રાપ્ત કરે છે. જેમનું અહોભાગ્ય નથી તેઓ હતાશ થાય છે ખરા, પરંતુ મુંબઇ છોડીને જવાનું પસંદ કરતા નથી. મુંબઇ છોડીને દુનિયાને ખૂણે આંટો મારી આવનારા પણ પાછા અહીં મુંબઇમાં આવી જાય છે. આજથી ૩૦૦ વર્ષ પહેલાંં ગંદું ગોબરું અને મલેરિયાનું મથક એવું વેરાન વગડા જેવું ગામડું દુનિયામાં ‘મેગા સિટી બૉમ્બે’ નામથી પ્રખ્યાત છે. મુંબઇ જેવાં જ બીજાં મહાનગરો મદ્રાસ અને કોલકાતા છે અને છેક ઇ.સ. ૧૮૭૧માં મુંબઇ સાથે રેલવે દ્વારા આ બે મહાનગરોનું જોડાણ થઇ શક્યું હતું. ૧૮૮૧ની સાલમાં પ્રાઇવેટ ટેલિફોન સિસ્ટમ શરૂ થઇ હતી. મુંબઇના ૬૮.૭૧ ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં માણસો ઝૂંપડીઓ, ગગનચુંબી મકાનો અને કર્કશ અવાજ કરતાં વાહનો વચ્ચે માંકડની જેમ ખદબદી રહ્યાં છે. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -