નાશિક નજીક ૩.૧ ડિગ્રી નીચું તાપમાન નોંધાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉત્તર પ્રદેશમાં પડી રહેલી કાતીલ ઠંડીનો અનુભવ હાલ મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં થઈ રહ્યો છે. વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય પ્રદેશના વિસ્તારોમાં લોકો ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે. મંગળવારે નાશિક નજીકના એક ગામમાં લઘુતમ તાપમાન ૩.૧ ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું.
રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, તેને કારણે મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. મધ્ય મહારાષ્ટ્રના જળગાંવમાં ૫.૩ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું. તો નાશિક નજીકના ખેડગાંવમાં પારો ૩.૧ જેટલો નીચો નોંધાતા રાજ્યનો સૌથી ઠંડો વિસ્તાર રહ્યો હતો.
છેલ્લાં ત્રણ-ચાર દિવસથી મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભમાં ઉષ્ણતામાનનો પારો ખાસ્સો એવો નીચો ઉતરી ગયો છે. હવામાન ખાતાએ વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી પણ કરી હતી. તે મુજબ આ વિસ્તારોમાં ઠંડી પડી રહી છે. બુધવારે પણ વાતાવરણમાં ઠંડીનું જોર કાયમ હશે એવું હવામાન ખાતાએ કહ્યું છે.
હવામાન ખાતાના કહેવા મુજબ નાશિક નજીકના ખેડગાંવમાં ૩.૧ ડિગ્રી, ખડક-સુકેણે ૩.૪ ડિગ્રી, પિંપળગાવમાં ૩.૯ નિફાડમાં પાંચ ડિગ્રી નોંધાયું હતું. મધ્ય મહારાષ્ટ્રના જળગાંવાં ૫.૩ ડિગ્રી, પુણેમાં ૭.૪ ડિગ્રી, નાશિકમાં ૭.૬ ડિગ્રી,હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૧૨.૧ ડિગ્રી, સતારામાં ૧૦.૦ ડિગ્રી, સોલાપુરમાં ૧૩.૪ ડિગ્રી, કોલ્હાુરમં ૧૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મરાઠવાડાના ઔરંગાબાદમાં ૭.૭ ડિગ્રી, નાંદેડમાં ૧૦.૬ ડિગ્રી, પરભણીમાં ૧૦.૦ ડિગ્રી અને ઉદગીરમાં ૧૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે વિદર્ભના ગોંડિયાાં ૮.૬ ડિગ્રી, નાગપૂરમાં ૯.૨ ડિગ્રી, યવતમાળમાં ૯.૫ ડિગ્રી, અકોલામાં ૧૦.૫, ગઢચિરોલીમાં ૯.૨ જેટલુ નીચું તમાપન નોંધાયું હતું. જ્યારે મુંબઈમાં કોલાબામાં ૨૦.૦ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૧૭.૦ ડિગ્રી જેટલું નોંધાયું હતું.