(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા હાલ ફૂલગુલાબી ઠંડીને માણી રહ્યા છે. હિલસ્ટેશન જેવી ઠંડી હવાની સાથે જો કે શ્ર્વાસમાં ઝેર ભરી રહ્યા છે. બુધવારે મુંબઈની હવામાં પ્રદૂષણનું સ્તર દિલ્હી કરતા પણ વધુ રહ્યું હતું. મુંબઈનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦૦ જેટલો ઊંચો રહ્યો હતો. મુંબઈમાં બે-ત્રણ દિવસથી ભારે ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો ૧૪.૮ ડિગ્રી સુધી નીચે ઊતરી ગયો હતો. હિલસ્ટેશન માથેરાન અને મહાબળેશ્ર્વર જેવી ઠંડી હાલ મુંબઈમાં પડી રહી છે. બુધવારે પણ તાપમાનનો પારો ૧૫.૬ ડિગ્રી જેટલો રહ્યો હતો. બુધવારે મુંબઈમાં સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૫.૬ ડિગ્રી અને કોલાબામાં ૧૭.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સાંતાક્રુઝમાં મહત્ત તાપમાન ૨૬ અને કોલાબામાં ૨૫.૨ ડિગ્રી નોંધાયું હતું. બુધવારે દિલ્હીમાં સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૧૫ નોંધાયો હતો. તેની સામે મુંબઈમાં ૩૦૦ જેટલો ઊંચો એક્યુઆઈ રહ્યો હતો. મુંબઈમાં સૌથી વધુ પ્રદૂષણ બીકેસીમાં નોંધાયું હતું.