રાહુલની ઝાટકણી કાઢી, ઉદ્ધવની હાંસી ઉડાવી, મોદીનો જયજયકાર કર્યો
(અમય ખરાડે)
થાણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે થાણામાં ‘સાવરકર ગૌરવ યાત્રા’નું નેતૃત્વ કર્યું હતું. હિંદુત્વના સમર્થક સ્વર્ગીય વીર સાવરકરને સન્માન આપવા મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં હાજર રહ્યા હતા. દેશ માટે સાવરકરે આપેલા યોગદાનનું સન્માન કરવા અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની કરેલી ટીકાનો સણસણતો જવાબ આપવા મહારાષ્ટ્રના પ્રત્યેક જિલ્લામાં સાવરકર ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવશે, એવી જાહેરાત ગયા મહિને ભારતીય જનતા પક્ષ અને શિંદેના નેતૃત્વ હેઠળની શિવ સેના દ્વારા કરવામાં આવી હતી.
રવિવારે યાત્રામાં સહભાગી થયેલા લોકોએ ભગવા રંગની ટોપીઓ પહેરી હતી જેની
પર ‘હું સાવરકર’ તેમ જ અન્ય સંદેશા લખેલા નજરે પડી રહ્યા હતા. થાણાના ગણેશ ગડકરી રંગાયતન ઓડિટોરિયમથી યાત્રાનો પ્રારંભ થયો હતો અને એ સ્થળે જ સાવરકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. યાત્રા પૂરી થયા પછી હાજર રહેલા લોકોને સંબોધન કરતા શિંદેએ વારંવાર સાવરકરની ટીકા કરનાર કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે સ્વાતંત્ર્ય લડવૈયાનું અપમાન કરવું એ દેશનું અપમાન કરવા બરાબર છે. કેટલાક પરિબળો સાવરકરની ટીકા કરી હિંદુત્વની નાલેશી કરવાની કોશિશ કરી રહ્યા છે. નામ લીધા વિના તેમણે ઉદ્ધવ ઠાકરે પર પણ પ્રહાર કર્યા હતા.
યાત્રામાં સાવરકર વિશે માહિતી પણ રાખવામાં આવી હતી. શિંદે તેમજ શાસક પક્ષના અન્ય કેટલાક નેતાઓ પણ કામચલાઉ રથમાં આયોજિત યાત્રામાં સહભાગી થયા હતા જેમાં સાવરકરની મોટી તસવીર રાખવામાં આવી હતી. મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેએ ગયા મહિને જણાવ્યું હતું કે ૩૦ માર્ચથી ૬ એપ્રિલ દરમિયાન રાજ્યના બધા ૨૮૮ વિધાનસભા મતવિસ્તારમાં ‘સાવરકર ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવશે. (પીટીઆઈ)