રાજસ્થાન: ના માનવામાં આવે એવી ઘટના આજે રાજસ્થાન વિધાન સભામાં બની હતી. રાજસ્થાન વિધાનસભામાં સરકારનું બજેટ રજૂ થાય તે પહેલાં પણ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર મુખ્ય પ્રધાન અશોક ગેહલોત આજે ત્રીજી વખત બજેટ રજૂ કરી રહ્યા હતા એ સમયે વિપક્ષે ધમાલ શરૂ કરી દીધી હતી. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે સરકારે બજેટ લીક કર્યું છે અને મુખ્યમંત્રીએ બજેટની જૂની લાઇનો વાંચી છે. આ ધમાલને પગલે લોકો સદનની વેલ પાસે પહોંચી ગયા હતા. આ બધા હોબાળાને પગલે સ્પીકર સી. પી. જોશીએ અડધા કલાક માટે સદનની કાર્યવાહી અડધા કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
એવું કહેવાઈ રહ્યું છે કે મુખ્યપ્રધાનના ભાષણ દરમિયાન ગૃહ સ્થગિત કરવામાં આવ્યું હોય રાજસ્થાનના વિધાનસભાના ઇતિહાસમાં પહેલી વખત જ થયું છે.
આપને જણાવી દઈએ કે બજેટ ભાષણ શરૂ થતાં જ મુખ્યમંત્રીએ કહ્યું કે જો કર્મમાં સત્ય હોય તો કર્મ સફળ થશે, દરેક સંકટનો સામનો કરી શકાય છે, જો આજે નહીં, તો આવતીકાલે થશે. ત્યાર બાદ મુખ્ય પ્રધાને બજેટની ઘોષણાઓ વાંચવાનું શરૂ કર્યું હતું.
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત બજેટ ભાષણ દરમિયાન અચાનક ગૃહમાં અટકી ગયા હતા. ગેહલોતે સવારે 11 વાગ્યે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું અને બજેટ વાંચવામાં અટકી ગયા હતા. બજેટમાં 125-દિવસની શહેરી રોજગાર ગેરંટી યોજનાનો ઉલ્લેખ આવતા જ ગેહલોતને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો
આ દરમિયાન પ્રધાન મહેશ જોશી સીએમ પાસે ગયા અને તેમને તેમની ભૂલનો અહેસાસ કરાવ્યો હતો. ભૂલ સમજાતાં જ સીએમએ માફી માગી અને કહ્યું કે ભૂલ થઈ ગઈ… દરમિયાન વિપક્ષ દ્વારા એવો સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો હતો કે આખરે જૂના બજેટ કાગળો અહીં કઈ રીતે આવ્યા? ભાજપના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે સીએમએ જૂના બજેટ ભાષણ વાંચ્યું છે.
ગેહલોતે પોતાના ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે હવે હું શહેરોમાં રોજગાર માટે ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજનાના અમલીકરણની જાહેરાત કરું છું અને આ યોજના દ્વારા આવતા વર્ષથી શહેરી વિસ્તારમાં વસતા પરિવારોને પણ દર વર્ષે 100 દિવસની રોજગારી મળી શકશે. આ માટે વાર્ષિક 800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે એ સમયે જ ભાજપે આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી જૂના બજેટ ભાષણ વાંચી રહ્યા છે….