વિદેશમાં અને ખાસ કરીને અમેરિકામાં વસવાની ગુજરાતીઓની લાલસાનો કંઇ અંત આવતો જ નથી. આવી લાલસાને કારણે છાશવારે અનેક લોકો જીવ ગુમાવતા હોય છે, પણ લોકોનો અમેરિકામાં વસવાનો મોહ છૂટતો નથી. બે વર્ષ પહેલા ગુજરાતના ગાંધીનગરના એક પરિવારે અમેરિકાની બૉર્ડર ક્રોસ કરતી વખતે જીવ ગુમાવ્યો હતો, છતાં હજીય ગુજરાતીઓ ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરે જ છે અને જાન ગુમાવે છે.
આવો જ એક કિસ્સો તાજેતરમાં બન્યો છે, જેમાં ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાની લ્હાયમાં મહેસાણાના ચૌધરી પરિવારના ચાર વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. બુધવારની રાત્રે કેનેડાની કેનેડાની ક્યુબેક-ઓન્ટારિયો બોર્ડર નજીક એક્વાસાસ્ને પ્રદેશમાં સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી જતા આઠ વ્યક્તિના મોત થયા હતા. આ આઠ વ્યક્તિમાં કેનેડામાં રહેતા રોમાનિયાન પરિવારના ચાર જણ અને ભારતીય પરિવારની ચાર વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પહેલેથી જ એવી આશંકા જતાવી હતી કે મૃત્યુ પામનારા ભારતીય ગુજરાતી પરિવારના હોઇ શકે છે. પોલીસે ગુજરાતથી તપાસનો દોર આગળ વધાર્યો હતો અને તેમની ધારણા સાચી પડી હતી. મૃત્યુ પામેલા ચારે ભારતીય ગુજરાતના એક જ પરિવારના હતા. મૃતકોના નામ પ્રવીણભાઈ ચૌધરી (ઉં.50), દક્ષા પ્રવીણભાઇ ચૌધરી (ઉં 45) તેમનો પુત્ર મીત ચૌધરી (ઉં.20) અને પુત્રી વિધિ ચૌધરી (ઉં.24)નું હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુર ડાભલા ગામના વતની હતા.
ગુજરાત પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે અને કેતુલ પટેલ નામના એજન્ટની શોધ કરવામાં આવી રહી છે, જેણે મોટી રકમ લઇને આ ગુજરાતી પરિવારને પ્રથમ કેનેડામાં અને ત્યાર બાદ અમેરિકામાં સફળ રીતે ઘુસાડવાની ખાતરી આપી હતી. આમ અમેરિકા પહોંચવાની લાલચમાં આખો પરિવાર હોમાઇ ગયો છે.