કેન્દ્ર સરકાર દ્વારા સોના અને તેના દાગીનાના વેચાણ અને ખરીદી સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને આ નવા ફેરફાર મુજબ પહેલી એપ્રિલ 2023થી ગોલ્ડ અને તેના જ્વેલરી પર હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (HUID) ફરજિયાત હોવો જ જોઈએ. જો આ હોલમાર્ક નહીં હોય તો એવું સોનુ કે ઘરેણાં ઝવેરી બજારમાં બજારમાં વેચી શકાશે નહીં. 16મી જૂન 2021 સુધી હોલમાર્કનો ઉપયોગ કરવો કે નહીં એ સંપૂર્ણપણે વિક્રેતાની ઈચ્છા પર આધારિત હતું પણ તેને તબક્કાવાર હવે ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આ 288 જિલ્લાઓમાં ફરજિયાત બની ચૂક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં 4 અને 6 અંકોવાળા હોલમાર્કનો ઉપયોગ કરવામાં આવે છે.
પરંતુ હવે નવા નિયમ પ્રમાણે ફક્ત 6 અંકવાળા હોલમાર્કને જ માન્ય રાખવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ 4 અને 6 અંકો એટલે કે 2 અલગ અલગ હોલમાર્કથી લોકોને મૂંઝવણ થતી હતી. હોલમાર્કના લખવાની રીતમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા ડિજિટ હોલમાર્કિંગ થતું હતું જેને બદલીને હવે આલ્ફાન્યૂમેરિક (અંક અને અક્ષરથી મળીને) કરવામાં આવ્યું છે. હવે 4 ડિજિટવાળું હોલમાર્ક સંપૂર્ણ રીતે બંધ થઈ જશે.
આવો જાણીએ કે આખરે આ HUID છે શું?
HUIDએ દરેક દાગીનાની પોતાની વિશિષ્ટ ઓળખ હોય છે અને આ નંબરની મદદથી ગ્રાહકોને ગોલ્ડ અને તેના આભૂષણ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. તેનાથી છેતરપિંડીની ઘટનામાં ઘટાડો કરી શકાશે. જ્વેલર્સે તેની જાણકારી બીઆઈએસના પોર્ટલ ઉપર પણ નાખવાની રહેશે. દરેક જ્વેલરી પર મેન્યુઅલી યુનિક નંબર લગાવવામાં આવશે. અત્રે જણાવવાનું કે દુકાનદાર નવા હોલમાર્ક વગર સોનું કે દાગીના વેચી શકશે નહીં પરંતુ ગ્રાહકો 1 એપ્રિલ બાદ પણ પોતાના જૂના હોલમાર્કવાળા દાગીના જ્વેલરને વેચી શકે છે.