નવી દિલ્હી: સોમવારે દેશના ત્રણ રાજ્યોની ત્રણ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનું મતદાન શાંતિપૂર્વક પાર પડ્યું હતું. તામિલનાડુના ઇરોડે, ઝારખંડના રામગઢ અને પશ્ર્ચિમ બંગાળના સરદારદિઘી મતક્ષેત્રોની પેટાચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૬૩થી ૭૦ ટકા મતદાન નોંધાયું હતું. સરદારદિઘીમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ૬૩ ટકા, રામગઢમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૬૭.૯૬ ટકા અને ઇરોડેમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૭૦.૫૮ ટકા મતદાન નોંધાયું હતું.
ત્રણેય બેઠકોની પેટાચૂંટણીના મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી. પશ્ર્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લાના સરદારદિઘીમાં સીઆરપીએફના જવાનો મતદારોને ભાજપની તરફેણમાં લેવાના પ્રયાસો કરતા હોવાનો આરોપ તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોએ ઉચ્ચાર્યો હતો. તામિલનાડુના ઇરોડેમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશિન (ઇવીએમ)માં બગાડને કારણે થોડા વખત માટે મતદાનમાં ખલેલ પડ્યો હોવાનું ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું.
તૃણમૂલ કૉંગ્રેસના વિધાનસભ્ય અને રાજ્યના પ્રધાન સુબ્રતા સહાનું ગયા ડિસેમ્બરમાં અવસાન થતાં પશ્ર્ચિમ બંગાળના સરદારદિઘીમાં પેટાચૂંટણી યોજવાની જરૂર પડી હતી. ઝારખંડના રામગઢમાં કૉંગ્રેસનાં વિધાનસભ્ય મમતાદેવીને ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત સાબિત થતાં તેમને સજા થઈ હોવાથી ત્યાં પેટાચૂંટણી યોજવાની જરૂર પડી હતી. તામિલનાડુના ઇરોડેમાં ગયા જાન્યુઆરી મહિનામાં કૉંગ્રેસના વિધાનસભ્ય ઇ.થિરુમહન ઇવેરાના અવસાનને કારણે ઇરોડે મતક્ષેત્રમાં પેટાચૂંટણી યોજવાની જરૂર પડી હતી. ઇરોડેની બેઠક માટે ૭૭ ઉમેદવારા મેદાનમાં છે. રામગઢમાં ૧૮ ઉમેદવારા મેદાનમાં છે. (એજન્સી)