વલસાડ જિલ્લાનું ઝરોલી ગામ સમગ્ર ગુજરાત-દેશમાં માં એક નવી ઓળખ મેળવવા જઈ રહ્યું છે. અહીંના એક પર્વતમાંથી બુલેટ ટ્રેન આરપાર પસાર થવાની છે. નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લીમીટેડ દ્વારા હાથ ધરાયેલા બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ અહીં ૩૫૦ મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના વાપી નજીક ઉમરગામ તાલુકાના ઝરોલી ગામ ખાતે પહાડમાં ટનલ બનાવવામાં આવી રહી છે. અંદાજિત ૩૫૦ મીટર લંબાઈની આ ટનલ માટે અત્યાર સુધીમાં ૬૭ મીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઝરોલી ગામ નજીક ટ્રેન વાયાડકટ પુલ પર આવ્યા બાદ આ બોગદામાંથી પસાર થશે. ૩૫૦ મીટર લાંબી ટનલ બનાવવા અદ્યતન શારડી ધરાવતા વાહનો દ્વારા પહાડની અંદર માટી-પથ્થર તોડવામાં આવી રહ્યા છે. પહાડમાંથી પસાર થતી હોય તેવી ગુજરાતની આ પ્રથમ ટ્રેન હશે. એ જ રીતે ઝરોલી ગામ પણ એવું પ્રથમ ગામ બન્યું છે. જયાના પહાડમાં બનાવેલ બોગદામાંથી ટ્રેન આરપાર પસાર થશે. પ્રોજેકટ પૂર્ણ થયા બાદ આ નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની આ પ્રથમ ટ્રેન મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો કુલ ૫૦૮ કિલોમીટર લાંબો રૂટ છે. આ રૂટ પર ટ્રેન તેજગતિથી દોડી શકે તે માટે પીલ્લર ઉભા કરવામાં આવ્યા છે. તો, રૂટ પર આવતી નદીઓ પર બ્રિજ બનાવવામાં આવ્યા છે.