ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ
(૨૨)
‘ભીલ ક્રાંતિ કે પ્રણેતા: મોતીલાલ તેજાવત’ નામક પ્રેમસિંહ કારિયાએ લખેલું અને રાજસ્થાન સાહિત્ય અકાદમીએ ઇ. સ. ૧૯૮૫માં પ્રકાશિત કરેલા પુસ્તક થકી આ સમાજ સુધારક ક્રાંતિકારી નેતા વિશે મહત્ત્વની બાબતો જાણવા મળે છે. ‘શ્રી તેજાવતનો દૃષ્ટિકોણ સદૈવ વ્યાપક રહ્યો. તેઓ સંકુચિત ઉદ્દેશયોને ક્યારેય મહત્ત્વ આપતા નહોતા. હૈદરાબાદમાં આર્યસમાજ દ્વારા શરૂ કરાયેલા આંદોલનમાં તેઓ એટલા માટે જોડાવા માંગતા હતા કે દેશમાં અન્યાય ક્યાંય પણ થાય, દરેક દેશ-ભક્તે એની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઇએ તથા આંદોલનમાં સહકાર આપવો જોઇએ.’
પ્રેમસિંહ કારિયા આગળ લખે છે: “દેશના સ્વાધીનતાના સંગ્રામમાં પણ તેઓ (મોતીલાલ તેજાવત) આગળ રહ્યાં. મેવાડ પ્રજામંડળ શરૂ કરેલા સત્યાગ્ર તથા ૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં તેમણે સક્રિય પણે ભાગ લીધો હતો. તેમણે જીવનનો અધિકાંશ સમય અજ્ઞાતવાસ, કારાવાસ કે નજરકેદ જેવી અમાનવીય પરિસ્થિતિઓમાં વિતાવ્યો. તેમણે લાંબા જેલ જીવનનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.
કમનસીબે આ પુસ્તક જૂનું અને રાજસ્થાનમાં પ્રકાશિત થયું હોવા છતાં એમાં મોતીલાલ તેજાવતના સૌથી મહત્ત્વપૂર્ણ આંદોલનની પર્યાપ્ત વિગતો ઉપલબ્ધ નથી. આનાથી ઘણી વિગતો પ્રફુલ્લાનંદ પુરુષોત્તમભાઇ નવાકરના મહાશોધ નિબંધ ‘સાંબરકાંઠા જિલ્લાના આદિવાસીઓમાં વિવિધ ક્ષેત્રે આવેલું પરિવર્તન: એક સંશોધનાત્મક અભ્યાસ (ઇ.સ.૧૯૦૧ થી ઇ.સ.૧૯૬૫)માં મળે છે.
આ મહાશોધ નિબંધ મુજબ તેજાવત જેવા મહિકાંડમાં પ્રવેશે કે તરત જ ધરપકડ કરવા માટે દેશી રજવાડાના માણસો ખડપગે ઊભા હતા, પરંતુ પોલિટિક્લ એજન્ટે આના વિરોધમાં દલીલ કરી કે મહીકાંડમાં તેજાવતને હાથકડી પહેરાવવાનું અત્યંત કપરું કામ છે. આ એજન્ટ ઇચ્છતા હતા કે મોતીલાલની ધરપકડ કરવા માટે મંજૂરી મેળવવા ઉદયપુર રાજ્યે અંગ્રેજ સરકારને અરજી કરવી જોઇએ.
પોતાના પ્રવાસ દરમિયાન પોલિટિક્લ એજન્ટે પ્રતાપગઢ, ડુંગરપુર અને બાંસવાડામાં ય વિલક્ધિસન સાથે આ બાબતે વ્યાપક ચર્ચા થઇ હતી. આનો નિચોડ એ આવ્યો કે ભીલોની કેટલીક રાવ વાજબી છે અને હવે તેમની મુશ્કેલી વધતી અટકાવવી જોઇએ એવા મત પર અંગ્રેજ અમલદારોના એક વર્ગ આવી રહ્યો હતો.
મહીકાંઠાના પોલિટિક્લ એજન્ટને ડર હતો કે ઝડપભેર મોતીલાલની ધરપકડ નહીં કરાય તો એમનું ‘એકી’ આંદોલન વધુ પ્રસરતું જશે. આ ભય તો બધાને હતો. બ્રિટિશરો અને દેશી રજવાડાઓ પણ હજી સુધી શાંત રહેલા વિસ્તાર રેવાકાંઠા તરફ મોતીલાલને આગળ વધવા દેવા માંગતા નહોતા, પરંતુ એમ કરવા માટે નિર્ણાયક પગલાં ભરવાનુંં જરૂરી લાગ્યું. આથી બ્રિટિશરોએ મહીકાંઠા અને રેવા કાંઠાના રજવાડાને આદેશ આપ્યો કે મોતીલાલ તેજાવતને રોકવામાં પોતાના પૂરેપૂરા પોલીસદળ સાથે સહકાર આપો.
કલ્પના કરી જુઓ કે ખુદ બ્રિટિશરો અન્ય રજવાડાની મદદ માંગે ત્યારે મોતીલાલનો પ્રભાવ કેટલો બધો પ્રચંડ હશે! પરંતુ આ બધા વચ્ચે એકી આંદોલન દાવાનળની જેમ પ્રસરી રહ્યું હતું. આ સરકારોની ધોર નિષ્ફળતા હતી. અધૂરામાં પૂરું, કોઇ રજવાડા ઇચ્છતા નહોતા કે પોતાના રાજ્યનાં સીમાડાની અંદર ભીલો સામે પગલાં ન ભરાય. આનાથી એમની ધરબાઇને પડેલો આક્રોશ ઉગ્ર સ્વરૂપે બહાર આવવાની ધાસ્તી સૌની ઊંઘ હરામ કરી રહી હતી.
બધા સત્તાધીશો હવે માથા પર હાથ મૂકીને પોતાની મૂર્ખામી પર પસ્તાતા હતા કે આંદોલનના આરંભે જ મોતીલાલને જેલ ભેગા કરી દેવાની જરૂરત હતી. એનાથી કદાચ એકી આંદોલનનું બાળ-મરણ થઇ ગયું હોત એવી ધારણામાં તેઓ રાચતા હતા, પરંતુ પછી તો ‘એકી’ આંદોલનને ભીલોના પ્રચંડ ટેકો મળતો ગયો. હવે તો તેજાવતની ગેરહાજરીમાં ય આંદોલન ચાલતું રહે એવા સંજોગો સામે દેખાતા હતા. આ એક નેતા તરીકે તેજાવતની નેત્રદીપક સફળતા ગણાય. તેમણે પોતાને સર્વેસર્વા, અનિવાર્ય બનાવવા જેવા સ્વાર્થી પગલાં ભરવાને બદલે આંદોલનને, ન્યાયને, સમાનતાને, માનવતાને, ભીલોેને અને ધ્યેયને કામય સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી.
આ બધા વચ્ચે મેવાડના હવાંતિયાં ચાલુ જ હતા. એક પછી એક લલચામણી ઓફર કરાતી રહે. સમર્પણ કરો તો જેલમાં રાજકીય કેદી માટેની સુવિધા મળશે અને પછી રાજયમાંથી બહાર જવા દઇશું, એવું પ્રલોભન પણ આપ્યું. હકીકતમાં તો તેજાવતની ધરપકડ એટલે આગ સાથે રમવાનું જોખમે, જેમાં બ્રિટિશરોને ય રસ નહોતો. એક તો મોતીલાલને પકડવા માટેની લશ્કરી વ્યવસ્થામાં ધરખમ ખર્ચો થાય. ભીલો વધુ ઉશ્કેરાય અને એમાં રક્તપાત પણ થઇ શકે.
આ બધું થાય તો દોષનો ટોપલો પોતાના પર આવે અને દેશ-વિદેશમાં બદનામી થાય એ પણ બ્રિટિશરો જાણતા હતા. આ કારણસર જ દિલ્હીથી રાજપૂતાનાના ગવર્નર જનરલને તાકીદ કરાઇ હતી કે લશ્કરી પગલાં ભરવાનું અનિવાર્ય હોય તો સંબંધિત રાજયની મંજૂરી અવશ્ય મેળવવી. બીજી સૂચના અપાઇ કે દેશી રજવાડાના વિસ્તારમાં બ્રિટિશ સૈનિકોનો ઉપયોગ ન સિવાય કે દેશી રજવાડાએ એ માટે ખાસ વિનંતી કરી
હોય.
બ્રિટિશરો ધરપકડ કરીને તેજાવતને મહાન બનાવવા નહોતા માંગતા સાથોસાથ ભીલોની મુશ્કેલીઓ પર ધ્યાન આપીને ઘટતું કરવાય માંગતા હતા. તેમના મનમાં ભીલો પ્રત્યે દયા નહોતી પણ ‘એકી’ આંદોલનની આગ ક્યાંક મુંબઇ સહિતના મોટા શહેરમાં પહોંચી જવાનો ડર હતો. એટલે તો બ્રિટિશરોના ઉચ્ચ સ્તરીય પત્રવ્યવહારમાં એક બાબત નીચે ઘાટ્ટી લાઇન દોરાયેલી હતી કે મોતીલાલ તેજાવત આત્મ-સમર્પણ કરે કે ધરપકડ થાય પણ કોઇ સંજોગોમાં એમને બૉમ્બે પ્રેસિડન્સી એરિયામાં ન રાખવા.
દેશી રજવાડાઓના ફાંફા અને બ્રિટિશરોના ફફડાટ સ્પષ્ટપણે દર્શાવતા હતા કે મોતીલાલ તેજાવત કેવું પ્રચંડ વ્યક્તિત્વ હતું અને તેમનું આંદોલન કેટલું પ્રભાવશાળી હતું, પરંતુ શોષકોના હવાતિયાં સફળ થવાના નહોતા અને કંઇક એકદમ અણધાર્યું થવાનું હતું એ કોઇ જાણતું નહોતું.
(ક્રમશ:)