બે દિવસ પહેલા જ મુંબઈ પર થયેલા અત્યંત વિકરાળ એવા આતંકી હુમલાની યાદ આવી ગઈ. 26/ 11 ના ગોઝારા દિવસે પાકિસ્તાની આતંકવાદીઓએ હાથમાં બંદૂક લઈને આખા મુંબઈને લોહી લુહાણ કરી નાખ્યું હતું. આ ઘટનામાં ઘણા પોલીસકર્મીઓ અને સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતા. પણ એવા ઘણા લોકો હતા જેને કારણે અનેક લોકોના જીવ બચી પણ ગયા હતા. આમાંના એક હતા અંજલિ કુલ્થે.
અંજલી 50 વર્ષના નર્સ છે. 26/ 11 ની રાતનું ભયાનક દ્રશ્ય તેમની નજર સામે ભજવાઇ રહ્યું હતું. અજમલ કસાબ તેના એક સાથી સાથે કામા હોસ્પિટલમાં ઘૂસી ગયો હતો અને અંધાધૂધ ગોળીબાર કરી રહ્યો હતો. હોસ્પિટલના બંને સિક્યુરિટી ગાર્ડ તેની ગોળીથી ઠાર થઈ ગયા હતા. બાજુમાં એક નર્સ ઘાયલ થઈને પડી હતી. કસાબ અને તેના સાથી પહેલા માળ તરફ આવી રહ્યા હતા. અંજલી તે દિવસે નાઈટ શિફ્ટમાં હતી અને પ્રસુતિ કક્ષની તે ઇન્ચાર્જ હતી. તેના વોર્ડમાં 20 મહિલાઓ હતી જે સગર્ભા હતી. બંદૂક લઈને આવતા કસાબને જોઈ તે થોડા સમય માટે તો સ્તબ્ધ થઈ ગઈ, પણ પછી તેણે હિંમત કરીને પોતાના વોર્ડના દરવાજા બંધ કર્યા. જૂના જમાનાના આ ભારેખમ દરવાજા બંધ કરતાં પણ તેને સમય લાગ્યો અને જોર લગાવવું પડ્યું. સૌપ્રથમ તેણે 20 સગર્ભાને અને તેની સાથે આવેલા તેના સંબંધીઓને તે જ ફ્લોર પર આવેલી એક નાનકડી પેન્ટ્રીમાં શિફ્ટ કરી દીધા. આ ખૂબ જ જોખમી કામ હતું પરંતુ અંજલીને ત્યારે તે જ યોગ્ય લાગ્યું. ત્યાં સુધીમાં તો કસાબ ઉપરના માળે ચડી ગયો હતો અને ત્યાંથી ગોળીઓનો વરસાદ કરી રહ્યો હતો. કસાબ ઉપર છે તે ધ્યાનમાં આવતા અંજલીએ પોતાની ઘાયલ સાથી નર્સને પણ અંદર લીધી અને તેનો ઉપચાર શરૂ કર્યો. આટલામાં જ 20 મહિલા પૈકી એકને લેબર પેઇન શરૂ થયું. અંજલીએ તેને માંડ કરીને ભીતને આધારે છુપાઈ છુપાઈને ડિલિવરી રૂમ સુધી પહોંચાડી અને ત્યાં રહેલા ડોક્ટરે તેની ડિલિવરી કરી. પછી બધું શાંત થઈ ગયું પણ અંજલીને મહિનાઓ સુધી રાત્રે ઊંઘ ન આવી અને આ દ્રશ્યો તેની નજર સામે તરવરતા રહ્યા. લગભગ એકાદ મહિના પછી પોલીસે તેને કસાબની ઓળખ કરવા માટે બોલાવી હતી. તે સમયે અંજલીએ કોર્ટ રૂમમાં નર્સના પહેરવેશમાં જ સાક્ષી તરીકે આવવાની પરવાનગી માંગી હતી. આનું કારણ જણાવતાં તેણે કહ્યું કે મેં આ યુનિફોર્મ પહેર્યો હતો અને તેની જવાબદારીનું ભાન મને હતું એટલે જ એવા કપરાં કાળમાં હું 20 જણાના જીવ બચાવી શકી. ખરા અર્થમાં અંજલીએ માત્ર 20 સગર્ભા નહીં પરંતુ તેમના પેટમાં રહેલા અને હજી દુનિયા ન હતી જોઈ તેવા 20 બાળકોનો જીવ પણ બચાવ્યો હતો. જે માતાના ગર્ભમાં એ બાળક હતું એની પહેલી જન્મદાત્રી તો અંજલી જ કહી શકાય કેમ કે જો અંજલીએ આ હિંમત ના દાખવી હોત તો કદાચ…
આવા ઘણા લોકો છે જેમણે તેમની ફરજ હિંમત પૂર્વક બજાવી, પોતાના જીવની પરવા કર્યા વિના બીજાનો જીવ બચાવ્યો.
અંજલી જેવા આ સૈનિકોને પણ સલામ.