હાથમાં અગિયાર આંગળી સાથે જન્મેલા રિતીક રોશનનો આજે ૪૯મો જન્મદિવસ છે. કહો ના પ્યાર હૈ…થી બોલીવૂડ પર છવાઈ ગયેલો રિતીક અપેક્ષા પ્રમાણે કાઠુ કાઢી શક્યો નથી, પરંતુ તેની ફિલ્મો દ્વારા તે એક સારો અભિનેતા અને ડાન્સર હોવાનું સૌએ માનવું જ પડે. પણ શું તમને ખબર છે રિતીક એક સમયે ચેઈન સ્મોકર હતો? હા, એક સમયે તે દિવસની કેટલીય સિગારેટ ફૂંકી મારતો. તે બાદ તેણે એક પુસ્તક વાચ્યું હાઉ ટુ સ્ટોપ સ્મોકિંગ. આ પુસ્તકથી તે ઘણો પ્રભાવિત થયો અને ધીમે ધીમે તેની આદત છૂટી ગઈ. હવે રીતિક જે પણ કોઈ સ્મોકિંગની આદતવાળું હોય તેને આ પુસ્તક વાંચવાની સલાહ આપે છે.
૨૦૦૦માં ધમાકેદાર એન્ટ્રી કરનાર રીતિક રોશન ફિલ્મ અભિનેતા અને નિર્માતા રાકેશ રોશનનો પુત્ર છે, પરંતુ પિતાએ પણ તેને લોંચ કરતા પહેલા ઘણી મહેનત કરાવી હતી. ડાન્સિંગમાં પરફેક્ટ રીતિકે પહેલી ફિલ્મ બાદ કરેલી ફિલ્મોને વધારે સફળતા મળી નહીં. ફરી પિતાના પ્રોડક્શનની ફિલ્મ કોઈ મિલ ગયા…થી તે છવાયો. ઓછા વિકસિત બાળકનો રોલ તેણે બખૂબી કર્યો. પણ પિતાની ફિલ્મો સિવાય તેને સારી ફિલ્મો ન મળતી હોવાનું લેબલ તેના પર લાગી ગયું. તાજેતરમાં જ સૈફ અલી ખાન સાથેની તેની ફિલ્મ વિક્રમ વેધામાં ફરી તેણે સારો અભિનય કર્યો.
સુપર-૩૦, જોધા અકબર, અગ્નિપથ જેવી તેની ફિલ્મો સફળ રહી. તો ફીઝા, મિશન કશ્મીર જેવી ફિલ્મોમાં તેના અભિનયે ઘણી વાહવાહી મેળવી હતી.
કહોના પ્યાર હૈ ની રીલિઝ બાદ ૩૦,૦૦૦ છોકરીએ તેને પ્રપોઝ કર્યું હોવાનું કહેવાય છે, પરંતુ તે બાળપણની મિત્ર સુઝેન ખાનને પરણ્યો. બે સંતાનના જન્મ બાદ બન્ને વચ્ચે મનમેળ ન હોવાથી તેઓ છૂટા પડ્યા. તે બાદ રિતીક કંગના રાણોટ સાથેના સંબંધો અને તે બાદ ઉભા થયેલા વિવાદને લીધે પણ ચર્ચામાં રહ્યો. હાલમાં તે શબા આઝાદ નામની યુવતી સાથે ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે. તેઓ સાથે પાર્ટીમાં પણ દેખાય છે. જોકે દર્શકોને તેના વ્યક્તિગત જીવન કરતા તેના અભિનયમાં વધારે રસ છે અને રીતિકનો જાદુ ફરી જોવા મળે તેવી ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ કલાકારને જન્મદિવસે શુભેચ્છા કે પ્રશંસકોની ઈચ્છાને સંતોષવાનો મોકો તેને બહુ જલદી મળે.