દિલ કી બાતેં આહિસ્તા આહિસ્તા કરવામાં આજના આપણા બર્થડે બોયનો કોઈ જવાબ જ નથી અને આ એક જ વાક્ય વાંચીને ઘણા લોકોને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા કોની વાત થઈ રહી છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ છે, તેમનો જન્મ 17મી મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં ખાતે થયો હતો. પંકજ ઉધાસની ગઝલો જેટલી મોહક છે, એનાથી વધારે તો એમની લવસ્ટોરી સુંદર અને મોહક છે.
વાત જાણે એમ છે કે કરોડો લોકોના દિલના તાર છેડનારા પંકજના દિલના તાર તેમની પાડોશણે છેડ્યા હતા અને પોતાના પ્રેમને પૂર્ણ કરવા માટે ધર્મની દિવાલ પણ તોડી દીધી હતી.
આ એ સમયની વાત છે કે જ્યારે પંકજ ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા અને એ સમયે જ તેની નજર તેના પડોશમાં રહેતી એર હોસ્ટેસ ફરીદા સાથે મળી ગઈ અને તેમને પહેલી નઝર કા પહેલાં પ્યાર થઈ ગયો. ખરેખર, પંકજ અને ફરીદાને મળાવવામાં એક બીજા પડોશીએ મહત્ત્વનો રોલ પ્લે કર્યો હતો. બાદમાં બંનેની મીટિંગનો સિલસિલો ધીરે ધીરે વધવા લાગ્યો અને બંને એકબીજાની વધુને વધુ નજીક આવતા ગયા.
એકબીજા સાથે જીવવા અને મરવાના સોગંદ લીધા બાદ પંકજ અને ફરીદાએ તેમના પરિવારના સભ્યોને તેમના પ્રેમની જાણ કરી હતી. પંકજનો પરિવાર તરત જ આ સંબંધ માટે તૈયાર થઈ ગયો હતો, પરંતુ ફરીદાના પરિવારના સભ્યો આ સંબંધ માટે જરાય તૈયાર નહોતા.
વાત જાણે એમ છે કે ફરીદા પારસી સમુદાયની હતી અને તે પોતાના સમુદાયની બહાર લગ્ન કરવા તૈયાર નહોતી. ફરીદાના પિતા નિવૃત્ત પોલીસ અધિકારી હતા, જ્યારે તેમને સમજાવવામાં આવ્યા ત્યારે તેઓ પંકજને મળવા માટે રાજી થયા. તેણે પંકજને કહ્યું કે જો તને લાગે છે કે તું સાથે ખુશ રહીશ તો આગળ વધો અને લગ્ન કરી લો.
અત્રે ઉલ્લેખનીય છે કે પંકજ ઉધાસ ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે. તેમના બંને ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ સંગીતની દુનિયા સાથે જોડાયેલા હતા, જેના કારણે પંકજ પણ સંગીત તરફ વળ્યા હતા. તેમણે ગઝલ ગાયકીની દુનિયામાં પગ મૂક્યો અને 1980માં તેમનું પહેલું આલ્બમ ‘આહત’ લોન્ચ કર્યું. પહેલું આલ્બમ લૉન્ચ થયા પછી તેમને બૉલીવુડમાંથી સિંગિંગ ઑફર્સ મળવા લાગી અને તેઓ ધીરે ધીરે ઘર-ઘરમાં જાણીતા બની ગયા.