(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારો તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી જળવાઈ રહી હોવા છતાં આજે એશિયન બજારમાં બૉન્ડમાં વેચવાલી અટકતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ગત નવેમ્બર પછીનો સૌથી ૬૦ પૈસાનો એક દિવસીય ઉછાળો આવ્યો હતો અને ૮૨ની સપાટીની અંદર ઊતરીને ૮૧.૭૪ના મથાળે બંધ રહ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૩૫ના બંધ સામે સુધારાના ટોને ૮૨.૨૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૩૧ અને ઉપરમાં ૮૧.૭૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૫૭ પૈસાના સુધારા સાથે ૮૧.૭૪ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે આજે એશિયન બજારમાં બૉન્ડમાં વેચવાલીનું દબાણ ઘટવાની સાથે વેચાણો કપાતા અન્ય ચલણોની સરખામણીમાં રૂપિયામાં મજબૂત વલણ રહેતાં સ્થાનિકમાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝના વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે આજે ટ્રેડરોએ તેની પોઝિશન સરભર કરતાં રૂપિયામાં ગત ૧૧ નવેમ્બર પછીનો સૌથી મોટો ઉછાળો આવ્યો હતો અને રૂપિયાએ ૮૨ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલની સ્થિતિ જોતા નજીકના ભવિષ્ય માટે ડૉલર સામે રૂપિયામાં ૮૧.૪૫થી ૮૧.૭૦ મહત્ત્વની ટેકાની સપાટી અને ૮૨.૧૦ની
પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૧૨ ટકા વધીને ૧૦૩.૧૨ આસપાસ અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧૩ ટકા વધીને બેરલદીઠ ૭૯.૭૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૬૩૧.૮૩ પૉઈન્ટનો અને ૧૮૭.૦૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૦૩.૧૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.