ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં આ સપ્તાહે પણ વૈશ્ર્વિક વલણોની અસર વધુ જોવા મળે એવા અણસાર છે. પોલેન્ડ પર રશિયન બનાવટની મિસાઇલના કથિત હુમલા બાદ ઇક્વિટી અને કિંમતી ધાતુઓની માર્કેટમાં સહેજ હલચલ વધી હતી અને એવું લાગ્યું કે થોડા દિવસ ફરી આ ઘટના ઇક્વિટી માર્કેટ પર અસર બતાવશે. જોકે રશિયાએ એ મિસાઇલ હુમલાની જવાબદારી ના લીધી, ખૂદ એમરિકાએ એ હુમલો રશિયાએ ન કર્યો હોવાનું જાહેર કર્યું! પોલેન્ડ જેનો સભ્ય છે એ નાટોએ એવો દાવો તો કર્યો કે હુમલો રશિયાનો જ હતો, પરંતુ અંતે આ બધી ચર્ચા બાજુએ રહી ગઇ અને ફરી મૂળ ફેડરલનો ભય જ સામે આવીને ઊબો રહ્યો. વૈશ્ર્વિક સ્તરે ઇન્ફ્લેશનનો હાઉ હજુ ઘટ્યો નથી, પરિણામે ફેડરલ રિઝર્વ અને અન્ય સેન્ટ્રલ બેન્કો વ્યાજદર વધારો અપનાવશે તેવા અહેવાલોના પગલે ઇક્વિટી માર્કેટની તેજીને બ્રેક લાગી છે. ફેડરલની આગામી બેઠકમાં કેટલો વ્યાજ વધારો આવે છે અને વિદેશી રોકાણકારોનો ટ્રેન્ડ કેવો રહે છે તેના આધારે બજારનું ચિત્ર સ્પષ્ટ થશે.
સેન્સેક્સે સાપ્તાહિક ધોરણે ૧૩૧.૫૬ પોઇન્ટ અથવા તો ૦.૨૧ ટકા ગુમાવ્યા છે, જ્યારે નિફ્ટીએ ૪૨.૦૫ પોઇન્ટ અથવા તો ૦.૨૨ ટકાની પીછેહઠ નોંધાવી છે. આગામી સપ્તાહે ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકની મિનિટ્સ બજારને દિશા આપશે. જોકે નિષ્ણાતો માને છે કે બજાર ઉછાળા માટે કેટલાક ટ્રિગર પોઈન્ટ્સની રાહ જોઈ રહ્યું છે એકાદ પોઝિટીવ સેન્ટીમેન્ટ આવતા નવી ઉંચાઇ સર કરશે.
નિફ્ટી પાછલા સપ્તાહે ભલે તેની ઓલટાઇમ ઊંચી સપાટીથી પાછો ફર્યો હોય પરંતુ આ સપ્તાહે તેમાં આગેકૂચ જોવા મળશે. વોલેટિલિટી ઇન્ડેક્સ પણ એક વર્ષની નીચી સપાટીએ અને અનુકૂળ સ્તરે હોવાથી બેન્ચમાર્કને આગળ વધવામાં મદદ મળશે એમ માનવામાં આવે છે.
વૈશ્ર્વિક બજારોના પગલે ભારતીય રિઝર્વ બેન્ક પણ ૦.૩૦-૦.૪૦ બેસિસ જેટલો વ્યાજ વધારો જાહેર કરે તો નવાઇ નહીં. કોર્પોરેટ કંપનીઓના ત્રિમાસીક પરિણામ અનુમાન કરતા સારા રહ્યાં હોવાને કારણે બજારને મજબૂત સપોર્ટ મળી ગયો. આ ઉપરાંત બેન્ક નિફ્ટી રેકોર્ડ સ્તરે પહોંચી હોવાથી રોકાણકારોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. આગામી સપ્તાહે વોલેટાલિટી ભર્યો માહોલ જોવા મળી શકે છે. નિફ્ટી નીચામાં ૧૮૧૦૦ પોઇન્ટ અને ઉપરમાં ૧૮૪૫૦ પહોંચે તેવો અંદાજ છે. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ ૧૬૧.૫૬ પોઇન્ટના નજીવા ઘટાડા સાથે ૬૧,૬૬૩.૪૮ પોઇન્ટ બંધ રહ્યો હતો જોકે, માર્કેટ ૬૧,૯૮૧ પોઇન્ટના રેકોર્ડ સ્તરે બંધ અથડાઇને ઘટ્યું છે. જ્યારે નિફ્ટી ૪૨.૦૫ પોઇન્ટ ઘટી ૧૮૩૦૭.૬૫ પોઇન્ટ બંધ રહ્યો હતો.
રોકાણકારોની મૂડી ૨૮૨.૩૩ લાખ કરોડની સપાટીએ પહોંચી છે. વિદેશી રોકાણકારોએ સરેરાશ સપ્તાહ દરમિયાન નજીવી ખરીદી હતી. આગળ જતા ખરીદી વધે તો બજારને સપોર્ટ મળી શકે છે. સ્થાનિક રોકાણકારો પણ દરેક ઉછાળે પ્રોફિટબુક કરી રહ્યાં છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ફરી નબળો પડી ૮૨ની સપાટી નજીક ૮૧.૭૪ બંધ રહ્યો છે. ૮૩ સુધી ઘટે તેવું અનુમાન છે.
એફઓએમસીના સભ્યોએ ફરી એકવાર હોકિશ ટોન જાળવી રાખતાં ઈક્વિટી માર્કેટ્સમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. ચાલુ સપ્તાહે બેંકિંગ શેર્સે આઉટપર્ફોર્મન્સ જાળવી રાખ્યું છે. જે ટ્રેન્ડ આગામી સપ્તાહે પણ જળવાયેલો જોવા મળી શકે છે. જ્યારે બીજી બાજુ ફાર્મા, એફએમસીજી અને આઈટીમાં પ્રોફિટ બુકિંગની શક્યતાં હોવાનું બજારના સાધનોએ જણાવ્યું હતું. ટોચના ટેક્નિકલ એનાલિસ્ટે એવી આગાહી કરી છે કે, ફેડરલ રિઝર્વ અને રિઝર્વ બેન્કના વલણની અટકળો અને વિદેશી સંસ્થાઓના ટ્રેડિંગ વલણ, ક્રૂડ ઓઇલના ભાવની વધઘટ, ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની વધઘટ વગેરે વચ્ચે બજારમાં અફડાતફડી સંભવ છે પરંતુ આગેકૂચની સંભાવના તેમ છતાં જણાય છે. તેમના મતે વોલેટાઇલ માર્કેટમાં નિફ્ટીની રેન્જ ૧૮૧૦૦-૧૮૪૫૦ વચ્ચે જોવા મળશે.