મુંબઇ: મંદીની આશંકા અને અમેરિકાના નિાશાજનક ડેટાને કારણે વિશ્ર્વબજારમાં નિરસ હવામાન રહ્યું હોવા છતાં સ્થાનિક ધોરણે કોર્પોરેટ સેકટરના સારા પરિણામના ટેકા વચ્ચે બેન્ચમાર્કે સપ્તાહમાં સતત ત્રીજા અને સળંગ પાંચમા સત્રમાં આગેકૂચ ચાલુ રાખી હતી. જોકે, એફઆઇઆઇની સતત વેચવાલી અને વિશ્ર્વબજારના નિરસ હવામાનને કારણે આગેકૂચનું પ્રમાણ મર્યાદિત રહ્યું હતું. નિફ્ટી ૧૭,૮૦૦ની ઉપર રહ્યો હોવાથી હાલતુરત મોટી પીછેહઠની સંભાવના ઓછી હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યાં છે. આ સત્રમાં રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ, પાવર, આઈટી, ટેકનો અને ટેલીકોમ શેરોમાં સારી લેવાલી જોવા મળી હતી. પાવરગ્રીડના શેર બે ટકાથી વધુ વધીને બંધ રહ્યા હતા.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૦,૩૬૨.૭૯ અને નીચામાં ૫૯,૯૫૪.૯૧ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૧૬૯.૮૭ પોઈન્ટ્સ અથવા ૦.૨૮ ટકા વધીને ૬૦,૩૦૦.૫૮ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૮૨૭.૭૫ અને નીચામાં ૧૭,૭૧૧.૨૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૪૪.૩૫ પોઈન્ટ્સ અથવા ૦.૨૫ ટકાના સુધારા સાથે ૧૭,૮૧૩.૬૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
પાછલા અંકમાં જ આપણે વાત કરી હતી કે શેરબજારનું ફોકસ હાલ સંપૂર્ણપણે કંપની પરિણામ પર હોય એવો તાલ છે. બજારમાં શેરલક્ષી કામકાજમાં વધારો જોવા મળ્યો છે. ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ અને ઈન્ફોસિસ સહિતની મોટી કંપનીઓની નબળી કમાણી અને આઉટલૂકને કારણે ઘવાયેલા સેન્મિેન્ટને રિલાયન્સ અને આઈસીઆઈસીઆઈ બેન્કના મજબૂત પરિણામોથી ટેકો મળ્યો હતો. મારૂતિ સુઝુકીએ ચોથા ત્રિમાસિક ગાળામાં માટે ૪૨ ટકાના વધરા સાથે રૂ. ૨૬૭૧ કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. ૨,૬૨૩.૬ કરોડ હતો. ઓટોમેકરે રૂ. ૩૦,૦૬૦ કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું હતું. જે રૂ. ૨૬,૭૪૯ કરોડ હતું.
નાણાકીય પરિણામની જાહેરાત અગાઉ વિદેશ બજારમાં સારી માગ વચ્ચે કંપનીના વેચાણમાં સારા વધારાની ચર્ચાને વચ્ચે કિલિચ ડ્રગ્સના શેરમાં લેવાલીનો કરંટ જોવા મળ્યો હતો. કિલિચ ડ્રગ્સનો શેર સત્ર દરમિયાન ૧૭૫.૦૫ સુધી ઉછળ્યાં બાદ અંતે રૂ. ૧૭૨ના પાછલા બંધ સામે ૧.૭૪ ટકાના ઉછાળા સાથે રૂ. ૧૭૫ની સપાટીએ બંધ રહ્યો હતો. આ શેરની બાવન સપ્તાહની ઊંચી સપાટી રૂ. ૧૯૯ની છે. એચડીએફસી લાઇફ ઇન્સ્યરન્સ કંપનીએ તેનો ૩૦ ટકાનો ડિવિડંડ પે-આઉટ રેશિયો જાળવતા શેરદીઠ ૧.૯ ટકાના અંતિમ ડિવિડંડનો પ્રસ્તાવ કર્યો છે. કંપનીની વેલ્યુ ફોર ન્યૂ બિઝનેસ ૧૬.૫ ટકા અને એકંદર બિઝનેસ પ્રીમિયમનો બજાર હિસ્સો ૨૧.૨ ટકા રહ્યો છે. ઓપરેટીંગ રિટર્ન ૧૯.૭ ટકા અને સોલવન્સી રેશિયો ૨૦૩ ટકા રહ્યો છે. મેન્કાઇન્ડ ફાર્માનું ભરણું બીજા દિવસે ૮૭ ટકા ભરાઇ ગયું હતું.
આ સત્રમાં રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, પાવર, આઈટી, ટેકનો અને ટેલીકોમ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે મેટલ, ઓઈલ-ગેસ અને ફાર્મા શેરોમાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૨૭ ટકા અને ૦.૩૪ ટકા વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ પેકમાં સૌથી વધુ પાવરગ્રીડના શેરોમાં સૌથી વધુ ૨.૭૯ ટકા ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, નેસ્લે ઈન્ડિયા, એચસીએલ ટેકનો, હિન્દુસ્તાન યૂનિલિવર, ટાટા મોટર્સ, એસબીઆઈ અને એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે.
સેન્સેક્સ પેકમાં બજાજ ફિનસર્વના શેરોમાં સૌથી વધુ ૦.૯૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો.આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં રિલાયન્સ, એનટીપીસી, કોટક બેન્ક, બજાજ ફાઈનાન્સ, વિપ્રો, ટાટા સ્ટીલ અને સન ફાર્માનો સમાવેશ થાય છે
નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ પાવરગ્રીડના શેરોમાં સૌથી વધુ ૨.૬૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા ક્ધસ્યૂમર, નેસ્લે, ઈન્ડસઈન્ડ બેન્ક અને એસબીઆઈ લાઈફનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ હિન્દાલ્કોના શેરમાં ૧.૧૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી પોર્ટ, બજાજ ફિનસર્વ, બજાજ ઓટો અને એનટીપીસીનો સમાવેશ થાય છે.