ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
સોળમી સદીના કવિ શ્રીકંઠ સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. નવાનગરના રાજા જામ સત્તરસાલ(શત્રુશલ્યસિંહજી)ના રાજદરબારમાં કવિ અને પંડિત તરીકે બેસતા હતા. કવિએ સૌરાષ્ટ્રના જૂના રજવાડાની પ્રશંસા કરી દરબારી ડાયરાઓમાં થતી સાહિત્ય ગોષ્ઠિમાં સામસામા સવાલ જવાબ સ્વરૂપે રજૂ કરવામાં આવતા દુહા વિશે કવિશ્રીને ટાંકી લોકસંસ્કૃતિ અને લોક સાહિત્યના પ્રખર અભ્યાસુ જોરાવરસિંહ જાદવે બહુ જ સુંદર અને માર્મિક લખાણ કર્યા છે. સમસ્યા પ્રધાન દુહાની વાત જાણવા – સમજવા જેવી છે. દુહામાં બાબીનો જે ઉલ્લેખ છે એ મુસ્લિમ શાસક હતા , સાહિત્ય અને કલાના પારખુ હતા અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિને તેમણે વહાલ કર્યું હતું. દરબારમાં ગોષ્ઠિ શરૂ થાય અને પહેલો દુહો લલકારવામાં આવે કે મંગલજી મહારાજકું, બાબી પૂછે વાત, ઢાંકે આખી જગતકું, કાલા કયું કહેવાત? જોરાવરસિંહ જાદવની ભાષાનું માધુર્ય વાચકને તરબોળ કરી દે છે. આ દુહો ટાંકી તેમણે લખ્યું છે કે વગડા વચ્ચે જેમ આવળ્ય (પીળા ફૂલનો વગડાઉ છોડ) ઊગી નીકળી હોય એમ ડાયરા વચ્ચે બેઠેલા મંગળજી મહારાજને બાબી શાખના નવાબ પૂછે છે કે જગત આખાના અંગને ઢાંકનારા કપાસના સુકાયેલાં જીંડવાં અર્થાત કાલાંને સૌ કાલાં – કાલાં (મૂર્ખા – ગાંડા) શું લેવા કહેતા હશે? આ સમસ્યા પ્રધાન દુહાનો જવાબ પણ સામે દુહા દ્વારા જ આપવામાં આવે છે. જોરાવરસિંહ લખે છે કે ‘તા પર કાથડ કહત હૈ, સુનિયે બાબી બાત, છત દેખાવે આપ કી, કાલાં યું કહેવાત. કાથડજી દરબાર નવાબને જવાબ આપતા કહે છે કે હજૂર, કપાસનાં જીંડવાં પાકીને સુકાઈ જાય ત્યારે ફાટી જાય છે એમ માનવી પોતાની માયા, છત, સંપત્તિ કે ત્રેવડનો દેખાડો કરે એ કાલાં કે મૂર્ખ જ કહેવાય ને!’ ડાયરામાં ચાલતી આવી રસિક ચર્ચાને કારણે આનંદ મળવાની સાથે જીવનની ફિલસૂફી પણ સમજાય. કાલાં ભાષામાં કેવું સ્થાન ધરાવે છે એ જાણવા જેવું છે. કાલાં એટલે કપાસનાં ડોડવાં સુકાઈ જવાથી ફાટી ગયેલાં જીંડવાં. ત્રણ અથવા તેથી વધારે ફાડોનું કપાસનું એક જીંડવું બને છે. જ્યારે તે પરિપક્વ થાય ત્યારે રૂના સુકાવાથી જેમ ફૂલ ખીલે તેમ તે ફાટીને રૂના ડૂચા બહાર નીકળે છે. આમ ખીલીને ફાટેલાં જીંડવાંને કાલાં કહેવામાં આવે છે. એમાંથી કપાસ નીકળે. કાલાં કપાઇ જવાં એટલે નુકસાન થવું અથવા બગાડ થવો એવો અર્થ છે અને હિંમત હારી જવી એ સુધ્ધાં અર્થ છે. કાલાંનો બીજો અર્થ ગાંડાઘેલાંનો પણ છે જેને માટે કાલાં કાઢવાં રૂઢિપ્રયોગ જાણીતો છે જેનો અર્થ માવતર પાસે નાના છોકરા જેમ બોલવું એવો થાય છે. નાના છોકરા કાલું કાલું બોલે એમ કહેવાતું હોય છે.
———-
MATH IDIOMS AND PROVERBS
અંગ્રેજી ભાષા ક્યાંક વિચિત્ર લાગે એ વાત સાચી, પણ એ મંત્રમુગ્ધ કરતી ભાષા સુધ્ધાં છે. એના વિશિષ્ટ પ્રયોગ તમને અનેરો અહેસાસ કરાવે છે. અનેક લેખકો રૂઢિપ્રયોગ અને કહેવતની મદદથી પોતાના લખાણને સોહામણું બનાવતા હોય છે. નિબંધ કે વાર્તા અથવા લેખમાં રૂઢિપ્રયોગ અને કહેવતના અનેક ઉદાહરણ તમે જોયા જાણ્યા હશે અને ક્યારેક વાપર્યા હશે, પણ ગણિતનો સુધ્ધાં એમાં પગપેસારો થયો છે એની કદાચ જાણ નહીં હોય. આજે એની જાણકારી મેળવીએ. અત્યંત પ્રચલિત કહેવતથી શરૂ કરીએ. A stitch in time saves nine. સમસ્યા નજીવા સ્વરૂપની હોય ત્યારે જો એનો ઉપાય કરી લેવામાં આવે તો ભવિષ્યમાં મોટી તકલીફ આવતા રોકી શકાય એ એનો ભાવાર્થ છે. અહીં એ એટલે એક નાની તકલીફ અને નવ (સૌથી મોટી એક અંકની સંખ્યા) વિશાળ સ્વરૂપની સમસ્યા સૂચવે છે. પાણી પહેલા પાળ બાંધવી એ એને સમકક્ષ ગુજરાતી કહેવત છે. If a seamstress is working on a garment and notices a hole, she should know that a stitch in time saves nine as it prevents the hole from growing and will save her trouble in the future. કપડા સીવતી વખતે નાનકડું કાણું જો ધ્યાનમાં આવી જાય તો એ મોટું થતા અટકાવવાનો સમય મળી રહે અને ભવિષ્યમાં આવનારી મુશ્કેલી નિવારી શકાય. Look like a million bucks એટલે દીપી ઉઠવું કે સોહામણા લાગવું અને મોટેભાગે એ ડ્રેસ કે સાડી અત્યંત મોંઘી હોવાને કારણે પૈસાની ચમક એને રૂપાળું બનાવી દે છે. Everyone looked like a million bucks at the wedding party. લગ્ન સમારોહમાં દરેક જણનો ભપકો જોવા જેવો હતો. Six of one and half a dozen of the other કહેવત દ્વિધા સૂચવે છે. તમારી સમક્ષ રહેલા બે વિકલ્પમાંથી એક બીજા કરતાં બહેતર ન હોય ત્યારે અવઢવમાં મુકાઈ જવાય છે અને એ માનસિક સ્થિતિ આ કહેવતમાં વ્યક્ત થાય છે.Shall we give her chocolates or flowers? I don’t know; it’s six of one and half a dozen of the other. એને ચોકલેટ આપવી કે ફૂલનો બુકે આપવો એ નક્કી નથી થઈ શકતું.Five-finger discount એટલે દુકાન – મોલમાંથી નાનકડી વસ્તુની ચોરી – ઉઠાંતરી થવી. Security cameras are essential in the store as too many shoppers get a five-finger discount સ્ટોરમાં સિક્યોરિટી કેમેરા બેસાડવા જરૂરી છે, કારણ કે ઘણા લોકો ચીજવસ્તુ ઉઠાવી જાય છે. પાંચે આંગળી ઘીમાં એ કહેવતનું નકારાત્મક સ્વરૂપ લાગે છે ને!
——–
अर्थपूर्ण म्हणी
એક તસવીર ૧૦૦ વાક્ય કરતા વધુ બોલકી હોઈ શકે એમ ક્યારેક બે શબ્દ બાવીસ અનુભવ કરતા ચડિયાતા હોય છે. રૂઢિપ્રયોગ અને કહેવતોની દુનિયામાં આ વાત સુપેરે સમજાય છે. જૂજ શબ્દોમાં ઝાઝી સમજણ આપતી મરાઠી ભાષાના રૂઢિપ્રયોગ – કહેવતનો આનંદ લઈ સમજણ વિકસાવીએ. अंगावरचे लेणे जन्मभर देणे સામાજિક વ્યવહાર પર કટાક્ષ કરે છે. પાતળી આવક હોવા છતાં દેખાદેખીમાં કે પછી દંભ આચરવા ઘણી વાર દેવું કરીને દાગીના ખરીદી પહેરવાની વિચિત્રતા આપણા સમાજમાં જોવા મળે છે. કરજ કરી ઘરેણાં ખરીદી લીધા પછી એની ભરપાઈ લાંબો સમય કરતા રહેવું પડે છે અને એમાં જીવનના બહુમૂલ્ય વર્ષ પસાર થઈ જાય છે. બીજી કહેવત છે कांदा पडला पेबात पिसा हिंडे गाबात. અહીં મરાઠી શબ્દ પેવ એટલે અનાજનો કોઠાર અને પિસા એટલે ગાંડો ઘેલો કે સૂઝબૂઝ ગુમાવી બેઠેલી વ્યક્તિ. કાંદા (અથવા ખોરાકની કોઈ વસ્તુ) કોઠારમાં પડી હોય અને એ લેવા માટે ગામમાં દોડાદોડ થતી હોય એવો ઘાટ ઘણીવાર થતો હોય છે. ખોટે રસ્તે કે ખોટી જગ્યાએ વસ્તુ શોધવાની મૂર્ખાઈ કરવી એ એનો ભાવાર્થ છે. આટલું વાંચ્યા પછી તમને કાખમાં છોકરું ને ગામમાં ધમાધમ ગુજરાતી કહેવતનું ચોક્કસ સ્મરણ થયું હશે. अंगी उणा तर जाणे खाणाखुणाકહેવતમાં ઊણા એટલે ઓછપ અથવા કમી અને ખૂણા એટલે ઈશારો. પોતાનામાં જો કોઈ વાતની કમતરતા કે ઓછપ હોય ત્યારે કોઈ ખામી કે દોષની વાત નીકળે કે ચર્ચા થાય ત્યારે પોતાની વિશે જ વાત ચાલી રહી છે એવું લાગે એ આ કહેવતનો ભાવાર્થ છે. આજની અંતિમ કહેવત છે जीत्या हुळहुळे आणि मेल्या कानवले કહેવતમાં જીવનનું કડવું સત્ય વ્યક્ત થાય છે. જીવતા હોય ત્યારે સારું ભોજન ન આપવું અને મૃત્યુ પછી કાનવલા (ગળી વાનગી) બનાવવા જેવી ઊંધો હિસાબ. ટૂંકમાં કહીએ તો જીવતેજીવત ઉપેક્ષા કરવી અને મૃત્યુ પછી મીઠા મીઠા શબ્દોમાં પ્રશંસા કરવી.
———-
कहावतों में सामजिक यथार्थ
આપણા દેશમાં અને વિશેષ કરી હિન્દુ સમાજમાં ગાયને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે. માતાની સમકક્ષ ગણવામાં આવે છે અને એનો આદર કરવામાં આવે છે, એની પૂજા કરવામાં આવે છે.कि पालत माय, कि पालत गाय. यह मुहावरा गाय का महत्त्व प्रतिपादन करता है. જે રીતે માતા પોતાનું દૂધ પીવડાવી પોતાના બાળકનું પાલનપોષણ કરે છે એ જ રીતે ગાય માતાના દૂધ ઉપરાંત ગોબર અને ગોમૂત્ર સમાજના પાલનમાં ઉપયોગી નીવડે છે. આ સમજણને આધારે આ કહેવત અસ્તિત્વમાં આવી છે કે માતા અને ગાય એ પાલનકર્તા છે. આ કહેવત વૈદિક સંસ્કૃતિના પાયા મજબૂત કરવાનું કામ કરે છે. હવે બીજી અર્થપૂર્ણ કહેવત જાણીએ – સમજીએ.गढे कुम्हार, भरे संसार मुहावरा में भी सामजिक यथार्थ स्पष्ट होता है. કુંભાર માટીનો ઘડો ચાકડા પર તૈયાર કરે છે એ આપણે જાણીએ છીએ. જોકે, એ ઘડામાં પાણી તો જગત આખું ભરે છે. કુંભારનું આ સર્જન વરદાનથી ઓછું નથી, કારણ કે જો એ ઘડો તૈયાર ન થાય તો પાણીના સંચય વિના અનેક લોકો જળથી વંચિત રહી જાય અને પાણી વિના જીવવું દુષ્કર છે. આ કહેવતમાં કુંભારના યોગદાનને સ્વીકારવામાં આવ્યું છે, પણ વ્યાવહારિક જીવનમાં કુંભારને ઉચિત સન્માન નથી મળતું અને એના શ્રમની પણ યોગ્ય કિંમત નથી આંકવામાં આવતી. માટીના ઘડાનું મૂલ્ય અન્ય વાસણની સરખામણીએ નજીવું હોય છે. ભારતીય સમાજની આ વિચિત્રતા છે કે અહીં શ્રમ નહીં, જાતિનું મહત્ત્વ વધારે છે. કહેવતની દુનિયા આ તત્ત્વજ્ઞાન સરળ ભાષામાં સમજાવે છે.