(અમારા પ્રતિનિધિ તરફથી)
રસીકરણ માટે કૉન્ટ્રેક્ટ પર સ્ટાફની કરશે નિમણૂક
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ઓરીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઓરીની સાથે જ અન્ય બીમારીઓને નિયંત્રણમાં રાખવા વૅક્સિનેશન વધારવાની છે, તે માટે પાલિકા કૉન્ટ્રેક્ટ પર સ્ટાફની નિમણૂક કરવાની છે.
પાલિકાના આરોગ્ય ખાતા દ્વારા નિયમિત વૅક્સિનેશન અને વૅક્સિનેશન માટે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવતી હોય છે. આ ઝુંબેશ માટે પાલિકા કૉન્ટ્રેક્ટ પર વૅક્સિન આપનારા કર્મચારીઓની ભરતી કરવાની છે, જેમાં નિવૃત્ત થયેલી નર્સ સહિતના લોકો જોડાઈ શકશે.
પાલિકા દ્વારા નિયમિત વૅક્સિનેશનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવતો હોય છે. જે હેઠળ ૦થી પાંચ વર્ષના તેમ જ ૧૦ વર્ષ, ૧૬ વર્ષ અને ગર્ભવતી મહિલાઓની રસીકરણ કરવામાં આવતું હોય છે.
ઑક્ટોબ, ૨૦૨૨થી ઓરીના કેસમાં મોટો વધારો થયો છે, તેને ધ્યાનમાં રાખીને વૅક્સિનેશન વધારવામાં આવ્યું છે. અત્યાર સુધી ઓરીની રસી નહીં લેનારાઓને શોધીને તેમને વૅક્સિન આપવામાં આવી રહી છે. મુંબઈના ૨૪ વોર્ડમાં આવેલા હેલ્થ સેંટરમાં કૉન્ટ્રેક્ટ પર કર્મચારીઓને નીમવામાં આવવાના છે.