મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાને વારંવાર ફોન પર ધમકી આપવાના આરોપમાં બિહારની એક વ્યક્તિને ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું. ગામદેવી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે એન. સોનીને મુંબઈ પોલીસની એક ટીમે પટનાથી ધરપકડ કરી છે અને તેને ટૂંક સમયમાં મુંબઈ લાવવામાં આવશે.
છેલ્લા ત્રણથી ચાર મહિનામાં પવારના સિલ્વર ઓક નામના બંગલા ખાતે આ શખસ કથિત રીતે ફોન કરતો હતો. આ આરોપી અસભ્ય ભાષામાં વાતચીત કરતો હતો એટલું જ નહીં, ફરજ પરના હાજર કોન્સ્ટેબલને મુંબઈ આવીને દેશી બંદૂકથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું કહેવાય છે. પોલીસે તેના મોબાઈલ નંબર પરથી તેની ઓળખ કરી હતી અને તેને ચેતવણી પણ આપી હતી. આરોપીની સામે આઈપીસી 294 અને 506 અન્વયે એફઆઈઆર નોંધવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.