ચોક્કસ તારીખ અને સમય ની તો કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ સૂત્રોનું માનીએ તો ગુજરાત રાજ્યમાં લેવાયેલી બારમાના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા નું પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર થાય તેવી સંભાવના છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ હતી. હવે ડેટા એન્ટ્રીની કામગીરી પૂરી થતા આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થવાની સંભાવના હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન તથા 12 સામાન્ય પ્રવાહ તેમ જ ધોરણ 10માં 15 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થતાં ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી પણ હવે પૂરી થઈ હતી. અત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહી અને ડેટા એન્ટ્રીની કામગીરી પણ પૂર્ણ થવાના આરે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં, જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થવાની સંભાવના છે. તમામ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.