પ્રેમ એ લાગણી છે….જે માત્ર થાય છે. જેમાં ઊંચ-નીચ, અમીર-ગરીબ કે અન્ય કોઈને કોઈ સ્થાન નથી, અહીં જો કંઈ હોય તો માત્ર પ્રેમ… આવો જ પ્રેમ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ આર્મી ચીફ પરવેઝ મુશર્રફને થયો હતો . મુશર્રફના જીવનમાં એક એવો પ્રસંગ હતો જ્યારે તેઓ પ્રેમમાં પડ્યા હતા. તેમનું દિલ એક બંગાળી છોકરી પર આવી ગયું હતું. મુશર્રફે પોતે પોતાની આત્મકથા ‘ઈન ધ લાઈન ઓફ ફાયરઃ અ મેમોયર’માં તેમના પ્રેમ વિશે લખ્યું છે.
મુશર્રફે પોતાની આત્મકથામાં ઉલ્લેખ કર્યો છે કે તેમને તે છોકરી સાથે એટલો બધો પ્રેમ થઈ ગયો હતો કે તેમણે તેની સાથે સમય પસાર કરવા માટે બંગાળી છોકરીના ઘરની નજીક પોતાનું ઘર પણ લઈ લીધું હતું. યુવતી પૂર્વ પાકિસ્તાનની રહેવાસી હતી. તે ખૂબ જ સુંદર હતી. જો કે આ પહેલા પણ મુશર્રફનું એક યુવતી સાથે અફેર હતું. પરંતુ, જ્યારે તેમણે તે બંગાળી છોકરીને જોઈ ત્યારે તેમને એક અલગ જ અનુભૂતિ થઈ હતી. તેમના હોશ ઉડી ગયા હતા.
મુશર્રફના જણાવ્યા અનુસાર તેઓ પાકિસ્તાન આર્મીમાં સેકન્ડ લેફ્ટનન્ટ બન્યા હતા. એમ છતા તેમનો તે છોકરી પ્રત્યેનો પ્રેમ ઓછો નહોતો થયો. આર્મીમાં નોકરી કરતી વખતે પણ તેઓ તેના પ્રેમમાં જ રહ્યા. મુશર્રફ લખે છે કે તે સમયે તેમને કરાચી સાથે બહુ લગાવ ન હતો. પરંતુ તેમની ગર્લફ્રેન્ડ ત્યાં રહેતી હતી. એટલા માટે તેઓ અવારનવાર કરાચી જતા હતા. પરંતુ, આ પ્રેમ લાંબો સમય ટકી શક્યો નહીં. યુવતીનો પરિવાર એક દિવસ અચાનક બાંગ્લાદેશ ચાલ્યો ગયો. ત્યારપછી તે છોકરીને ફરી ક્યારેય મુશર્રફે જોઈ ન હતી. પરંતુ, મુશર્રફ તેમના જીવનની અંતિમ ક્ષણોમાં પણ એ બંગાળી છોકરીને ભૂલી શક્યા નહીં. જોકે, આ અફેર હોવા છતાં, મુશર્રફે એરેન્જ્ડ મેરેજ કર્યા હતા. પરવેઝે 1968માં સેહબા મુશર્રફ સાથે લગ્ન કર્યા હતા. પરવેઝ મુશર્રફ એક પાકિસ્તાની રાજકારણી અને નિવૃત્ત જનરલ હતા, જેઓ પાછળથી પાકિસ્તાનના દસમા રાષ્ટ્રપતિ બન્યા હતા. ભૂતપૂર્વ લશ્કરી સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફે 1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું.