(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે શહેરમાં વધતી વસતિ સામે ફૂટપાથ પર થયેલા અતિક્રમણને કારણે લોકોને ચાલવું મુશ્કેલ થઈ ગયું છે ત્યારે થાણે મહાનગરપાલિકાએ ફૂટપાથ પર અતિક્રમણ કરનારા ફેરિયાઓ સામે કાર્યવાહી કરીને તેમનો માલસામાન જપ્ત કર્યો હતો. બાદમાં જપ્ત કરેલા આ માલસામાનને સેવાભાવી સંસ્થાને આપી દેવામાં આવ્યો હતો.
થાણે શહેરની ફૂટપાથ નાગરિકોને ચાલવા માટે ખુલ્લી રહે તે ઈરાદેેેે પાલિકાના અતિક્રમણ ખાતા દ્વારા દૈનિક સ્તરે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને થાણે સ્ટેશન પરિસરને અતિક્રમણ મુક્ત કરવા પાછળ ખાસ મહેનત કરી રહી છે, કારણકે સ્ટેશન બહારનો વિસ્તાર અત્યંત ભીડભાડવાળો હોય છે.
છેલ્લા થોડા દિવસથી નેતાજી સુભાષચંદ્ર રોડથી કોપીનેશ્ર્વર મંદિરના મુખ્ય રસ્તાને લાગીને રહેલા શાકભાજી માર્કેટ રોડ પર શાકભાજી અને ફળ વિક્રેતાઓની સંખ્યા વધી હોવાનું પાલિકાને જણાયું હતું. તેથી અહીંના અતિક્રમણને હટાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે મુજબ કાર્યવાહી કરીને જપ્ત કરવામાં આવેલા ફળ અને શાકભાજી વગેરેને સેવાભાવી સંસ્થાને આપી દેવામાં આવી હતી. ભવિષ્યમાં પણ આ કાર્યવાહી ચાલુ જ રહશે એવું થાણે પાલિકા કમિશનર અભિજીત બાંગરે કહ્યું હતું.
નોંધનીય છે કે થાણે પરિસરમાં ગયા છેલ્લા અઠવાડિયાભરથી સવારના ૬.૩૦ વાગ્યાથી દૈનિક કાર્યવાહીની ઝુંબેશ ચાલુ કરવામાં આવી રહી છે. સુભાષ રોડ પરના મુખ્ય રસ્તાને લાગીને આવેલી ગેરકાયદે શાકભાજી માર્કેટ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જપ્ત થયેલી શાકભાજી અને ફળ છત્રપતિ શિવાજી કલવા હૉસ્પિટલ સહિત અનેક મહિલા અને અનાથ આશ્રમમાં આપી દેવામાં આવ્યા હતા.