થાણે: થાણેના મેટ્રો 4ના ગર્ડરની લોખંડની પ્લેટ પડતા એક મહિલાનું મૃત્યુ થયું હતું. થાણેના કેડબરી જંક્શન ખાતે વિવીયાના મોલ નજીક આવેલી ઉત્સવ હોટેલ પાસે મેટ્રો 4નું કામ ચાલી રહ્યું છે. દરમિયાન ગુરૂવારે સવારે વાગ્યાની આસપાસ ગર્ડરની લોખંડની વજનદાર પ્લેટ રસ્તા પરથી પસાર થઈ રહેલી મહિલા પર પડી હતી. અકસ્માત જોતા જ નજીકના લોકો તાત્કાલિક મહિલાની મદદ માટે દોડી આવ્યા હતા.
તેમણે મહિલાને પ્લેટ નીચેથી ખેંચીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, પણ ઘટના સ્થળે જ મહિલાનું મૃત્યુ થયું હોવાનું ફરજ પર હાજર ડોક્ટરોએ જણાવ્યું હતું. સ્થાનિકોએ પોલીસને દુર્ઘટનાની જાણ કરતા રાબોડી પોલીસે તપાસ હાથ ધરી છે, પણ આ અકસ્માત કયા કારણસર થયો એનું સ્પષ્ટ કારણ હજી સુધી જાણી શકાયું નથી.