રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં થોડા સમય અગાઉ એક થેલેસેમિયા પીડિત મહિલા દર્દીનું (blood transfusion) લોહી ચડાવ્યા બાદ અચાનક અવસાન થતાં દરદીના પરિજનોએ સિવિલ હોસ્પિટલમાં તંત્ર સમક્ષ આક્ષેપો કર્યા અને બહુ મોટો હોબાળો થયો હતો. ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાને પણ તેમાં હસ્તક્ષેપ કરી અને સગા વહાલાઓને યોગ્ય તપાસ કરી કસુરવાન લોકો પ્રત્યે કાર્યવાહી થશે તેવું આશ્વાસન આપ્યું હતું અને રાજકોટ સિવિલ સર્જનની અધ્યક્ષતામાં એક ખાસ તપાસ સમિતિની રચના થઈ હતી. બનતી ત્વરાએ આ સમિતિ રિપોર્ટ જાહેર કરશે તેવું કહી અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન કરેલો હતો. આજરોજ અમારા પ્રતિનિધિએ સિવિલ સર્જન ડોક્ટર ત્રિવેદી સાહેબને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હજુ સુધી સમિતિ નો રિપોર્ટ આવ્યો નથી, પરંતુ અમે આજે જ એક મીટીંગ બોલાવી અને થેલેસેમિયાની સારવાર નિયમ અનુસાર થાય તથા જરૂરી સંભાળ રાખી અને સારવાર થાય તેવી સૂચનાઓ આપી છે. ભવિષ્યમાં એવી કોઈ ગંભીર ઘટના ન ઘટે તેની તકેદારી રાખવાની પણ સૂચનાઓ આપી છે. ત્યારે એક પ્રશ્ન થાય કે તો શું અત્યાર સુધી નિયમ અનુસાર સારવાર નહોતી થતી? મૃતકનાં સગા અને અન્ય દર્દીઓ પણ જાણવા ઉત્સુક છે કે એવી કઈ ચૂક રહી ગઈ કે દર્દીનું અવસાન થયું અને શું સિવિલ હોસ્પિટલ તંત્ર ખાતરી આપશે કે ભવિષ્યમાં તંત્રની બેદરકારી થી કોઈ દર્દીએ ભોગવવાનું નહીં રહે. ઘણા પ્રશ્નો છે પરંતુ આ સિવિલ હોસ્પિટલ છે. દરેક પ્રશ્નોના ઉત્તર મળવા શક્ય નથી.