નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિક ચેમ્પિયન પ્રમોદ ભગતે રવિવારે થાઈલેન્ડ પેરા બેડમિન્ટન ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રમોદે મેન્સ સિંગલ્સની ‘એસએલ ૩’ ફાઇનલમાં ઇંગ્લેન્ડના ડેનિયલ બેથેલને હરાવ્યો હતો. તેમણે મેન્સ ડબલ્સ એસએલ ૩-એસએલ ચાર વર્ગમાં સાથી ખેલાડી સુકાંત કદમ સાથે મળીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.સુહાસ એલ યથિરાજ મેન્સ સિંગલ્સની ફાઇનલમાં સાથી ભારતીય સુકાંતને ૨૧-૧૪, ૧૭-૨૧, ૨૧-૧૧થી હરાવીને ‘એસએલ ફોર’ કેટેગરીમાં ચેમ્પિયન બન્યા હતા.
સિંગલ્સ ‘એસએલ ૩’ ફાઇનલમાં પ્રમોદે પ્રારંભિક ગેમ ૨૧-૧૮થી જીતી લીધી તે પહેલા ડેનિયલ ઈજાને કારણે ટાઈમાંથી બહાર થઈ ગયો હતો. તેઓએ ડબલ્સની ફાઇનલમાં રોમાંચક મુકાબલામાં નિતેશ કુમાર અને તરુણની ભારતીય જોડીને ૧૮-૨૧, ૨૧-૧૪, ૨૧-૧૯થી હરાવી હતી.
વુમન્સ સિંગલ્સમાં નિત્યા શ્રી સુમથી સિવન અને થુલસિમતિ મુરુગેસને અનુક્રમે ‘એસએચ ૬’ અને ‘એસયુ ફાઈવ’ કેટેગરીમાં સિલ્વર મેડલ સાથે તેમના અભિયાનનો અંત કર્યો હતો. (પીટીઆઈ)ઉ