મુંબઈઃ કોંકણના રાજાપુરમાં આવેલ બારસુ ખાતેની પ્રસ્તાવિત રિફાઈનરી પર મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રોડજેક્ટના માટી પરીક્ષણ માટે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધના વંટોળ વચ્ચે જે લોકો આંદોલનમાં જોડાયા છે તેમના પર પોલીસ બળનો ઉપયોગ કરી ગ્રામજનોને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે સ્થાનિકોના વિરોધનો અંત આવ્યો નથી, પરંતુ શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ વિનાયક રાઉત પણ આ આંદોલન સાથે જોડાયા હતાં. ત્યારે હવે પોલીસે વિનાયક રાઉતની અટક કરવામાં આવી હતી અને આ અંગે જાતે વિનાયક રાઉતે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. વિનાયક રાઉતની અટક કરવામાં આવ્યા પછી વાતાવરણમાં તંગદિલી વ્યાપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બારસુમાં તેલ શુદ્ધિકરણ પ્રોજેક્ટનો વિરોધ કરનારા લોકો પર પોલીસ દ્વારા અમાનવીય અત્યાચાર થઇ રહ્યાં છે એવા આક્ષેપ સાથે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ વિનાયક રાઉત પોલીસની કાર્યવાહી રોકવાની માંગણી બુધવારે કરી હતી. ત્યાર બાદ તેઓ જાતે આ આંદોલન સાથે જોડાયા હતાં. ત્યારે આજે પોલીસ દ્વારા વિનાયક રાઉતની આ આંદોલન દરમિયાન અટક કરવામાં આવી હતી.
બારસુ પરિસરમાં પરપ્રાંતિયોએ જમીન ખરીદી કરી છે, તેથી આ પ્રોજેક્ટને કારણે ભૂમિપુત્રોનું નહીં પણ આ પરપ્રાંતિઓને ફાયદો થશે એવું વિનાયક રાઉતે કહ્યું હતું. ત્યારે આ પ્રોજેક્ટના વિરોધમાં આજે આંદોલન કરવામાં આવ્યું હતું . આ આંદોલન દરમિયાન જ વિનાયક રાઉતની અટક કરવામાં આવી હતી. તેમની અટક કરવામાં આવ્યા પછી અહીંયા પરિસ્થિતિમાં તંગદિલી વ્યાપી ગઈ છે, જ્યારે પ્રશાસન દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તેના માટે એડિશનલ ફોર્સને તહેનાત કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
દરમિયાન ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મે મહિનાના પહેલા અઠવાડિયામાં બારસુ પરિસરમાં આવેલ પાંચ ગામમાં જઇને સ્થાનિકો સાથે સંવાદ કરશે તેવી જાહેરાત પણ વિનાયક રાઉતે ગઇ કાલે જાહેરાત કરી હતી.