એક દિવસ પહેલા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ખાતે શિક્ષકોનું સમાજમાં મહત્વ સમજાવતી ઘણી વાતો કહી હતી, પરંતુ શિક્ષકોનું મુખ્ય કામ શિક્ષણ આપવાનું હોય છે ત્યારે જો તેની પાત્રતા જ ન હોય તો તે વિદ્યાર્થીને કઈ રીતે જ્ઞાન અને કૌશલ્યો આપી શકશે ? ગુજરાતમાં લેવાયેલી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટનું પરિણામ આ સવાલ ઊભો કરે છે અને સાથે ચિંતા પણ.
રાજ્ય પરીક્ષા બોર્ડે ટેટ-1નું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષા માટે 86,028 ઉમેદવાર રજિસ્ટર્ડ થયા હતા, જેમાંથી 2,769 ઉમેદવાર જ ક્વોલિફાય થયા છે, જ્યારે 83,256 ઉમેદવાર ક્વોલિફાય થઈ શક્યા નથી. એકંદરે ટેટ-1નું પરિણામ 3.78 ટકા રહ્યું છે. આનો અર્થ એવો કે ડિગ્રી હોવા છતાં પણ 96.22 ટકા પરિક્ષાર્થીઓ પરીક્ષા પાસ કરી શક્યા નથી.
શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી પડે છે. શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી ટેટની પરીક્ષા એપ્રિલમાં યોજાઈ હતી. જેમાં ટેટ 1ની પરીક્ષા ગત 16 એપ્રિલ અને ટેટ 2ની પરીક્ષા 23 એપ્રિલે યોજાઈ હતી. અંદાજે 86 હજાર વિધાર્થીઓ TET-1ની પરીક્ષા અને TET-2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારોએ આપી હતી. નોંધાયેલી 83,386 ઉમેદવારોમાંથી 71,119એ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 2,697 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. તો 12,754 ઉમેદવારોએ પરીક્ષા આપી ન હતી. TET-1નું માત્ર 3.78 ટકા પરિણામ જાહેર થયું છે. 100 ઉમેદવારોમાંથી માત્ર 4 ઉમેદવારો જ TET-1ની પરીક્ષામાં પાસ થઈ શક્યા છે.
ધોરણ 1થી 5માં વિદ્યાસહાયકની ભરતી માટે ટેટ-1ની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. છેલ્લે વર્ષ 2018માં TET-1ની પરીક્ષા યોજાઈ હતી, જેનું પરિણામ 8.5 ટકા જેટલું આવ્યું હતું. જે પાંચ વર્ષ બાદ TET-1ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ 60 ટકા જેટલું ઘટ્યું છે. વર્ષ 2013માં 16 ટકા જેટલું TET-1નું પરિણામ આવ્યું હતું, જે 10 વર્ષ બાદ ગગડીને માત્ર 3.78 ટકા પર પહોંચ્યું છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં TET-1ની પરીક્ષા લેવાઈ હતી. ગુજરાતી માધ્યમનું પરિણામ માત્ર 3.79 ટકા જાહેર થયું છે. અનામત કેટેગેરીના ઉમેદવારોએ ક્વોલિફાય થવા માટે 82 ગુણ મેળવવા જરૂરી હતા, જ્યારે બાકીના ઉમેદવારોએ 90 ગુણ મેળવવા જરૂરી હતા.