દિલ્હી પોલીસે દેશમાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું છે. દિલ્હી પોલીસે જહાંગીરપુરી વિસ્તારમાંથી બે શકમંદોની ધરપકડ કરી છે. પૂછપરછ બાદ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. બે શકમંદોની ઓળખ જગજીત અને નૌશાદ તરીકે થઈ છે. ગઈકાલે પટિયાલા હાઉસ કોર્ટે બંનેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જહાંગીરપુરીના એક ફ્લેટમાંથી નૌશાદ અને જગજીત સિંહ નામના શકમંદોની ધરપકડ કરી પૂછપરછ કર્યા બાદ, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મોડી રાત્રે ભલસ્વા ડેરી પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને એક ઘરમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. હાલ એફએસએલની ટીમ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ એફએસએલની ટીમે ભલસ્વા ડેરીના મકાનમાંથી કેટલાક લોહીના નમૂના લીધા છે. જગજીતે આ ઘરમાં હત્યા કરી અને તેનો વીડિયો પોતાના હેન્ડલરને મોકલ્યો હોવાની આશંકા છે. કોની હત્યા કરી છે તે અંગે તપાસ ચાલુ છે.
સૂત્રોએ એમ પણ જણાવ્યું કે ધરપકડ કરાયેલ જગજીત સિંહ વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ દલ્લાના સંપર્કમાં હતો. જ્યારે ધરપકડ કરાયેલ નૌશાદ આતંકવાદી સંગઠન હરકત-ઉલ-અંસાર સાથે સંકળાયેલો હતો અને ડબલ મર્ડર કેસમાં સજા કાપીને જેલમાંથી બહાર આવ્યો હતો.