પાકિસ્તાનમાં આતંકી હુમલાની ઘટનાઓ વધી રહી છે. હવે વસ્તી ગણતરી માટે પહોંચેલી ટીમ પર હુમલો થયો છે. આ આતંકી હુમલામાં બે પોલીસકર્મીના મોત થયા છે. આતંકવાદીઓએ વસ્તી ગણતરી કરવા ગયેલી બે અલગ-અલગ ટીમો પર હુમલો કર્યો હતો.
આતંકવાદીઓએ બે ટીમને નિશાન બનાવી હતી. પહેલો હુમલો ટાંક જિલ્લાના કોટ આઝમમાં થયો હતો, જ્યારે બીજો હુમલો લક્કી મારવત જિલ્લામાં વસ્તી ગણતરી ટીમ પર થયો હતો. ટાંક જિલ્લાના કોટ આઝમમાં આતંકવાદીઓએ વસ્તીગણતરી ટીમની સુરક્ષામાં તૈનાત પોલીસ વાનને નિશાન બનાવી હતી. આતંકવાદીઓના અંધાધૂંધ ગોળીબારમાં કોન્સ્ટેબલ એકનું મોત નીપજ્યું જતું અને કેટલાક ઘાયલ થયા હતા. પોલીસકર્મીઓએ આતંકીઓ સામે જવાબી કાર્યવાહી કરી હતી, ત્યારબાદ હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
બીજો હુમલો લકી મારવત વિસ્તારના પરવાલા ગામમાં થયો હતો. અહીં ગોળી વાગતાં કોન્સ્ટેબલ દિલ જાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
હાલ પાકિસ્તાન સરકાર જ માત્ર આર્થિક સંકટનો જ સામનો નથી કરી રહી, પરંતુ આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પણ તેના માટે માથાનો દુખાવો બની ગયું છે. પ્રતિબંધિત સંગઠન TTP પાકિસ્તાનમાં સક્રિય થઈ ગયું છે. નવેમ્બર 2022માં પાકિસ્તાન સરકારની TTP સાથેની વાતચીત બંધ થઈ ગઈ હતી. આ પછી TTP એ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તે અફઘાનિસ્તાનની જેમ પાકિસ્તાનમાં પણ તાલિબાનનું શાસન ઈચ્છે છે. તાજેતરના સમયમાં આ સંગઠને ઘણી આતંકી ઘટનાઓને અંજામ આપ્યો છે.