Homeઆમચી મુંબઈસતત બીજા દિવસે મુંબઈના આ વિસ્તારમાં ભયંકર ટ્રાફિકજામ

સતત બીજા દિવસે મુંબઈના આ વિસ્તારમાં ભયંકર ટ્રાફિકજામ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગોખલે પુલ સોમવાર સાત નવેમ્બરથી રાહદારીઓ તથા વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પુલ બંધ કરવાના પહેલા જ દિવસે પર્યાયી માર્ગો પર ભયાનક ટ્રાફિકજામ થયા બાદ સતત બીજા દિવસે પણ મુંબઈગરા બેહાલ થઈ ગયા હતાં. મંગળવારે સાર્વજનિક રજા હોવા છતાં ગોખલે રોડ બંધ થવાથી પર્યાયી રસ્તા પર વાહનોની લાંબી લાઈન લાગી હતી.

અંધેરીનો ગોખલે પુલ સોમવારથી બંધ કરવાના પહેલા જ દિવસે મોટા ભાગના વાહનચાલકોને રડવાનો વખત આવ્યો હતો. આ પુલ અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમનેે જોડનારો અત્યંત મહત્ત્વનો ગણાય છે. આ પુલ બંધ કરી દેવાને કારણે વાહનચાલકોને જે અંતર પસાર કરવા માટે ૧૫ મિનિટનો સમય લાગતો હતો તે હવે બેથી ત્રણ કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો.

રાહદારીઓની સાથે જ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોટા ભાગના વાહનચાલકોએ રેલવે પ્રશાસન અને પાલિકા પ્રશાસનના કારભારની ભારે ટીકા કરી હતી. રેલવે, પાલિકા પ્રશાસન અને ટ્રાફિક પોલીસના આયોજનમાં રહેલી બેદરકારીને કારણે નાગરિકોને કલાકો સુધી હાડમારી વેઠવી પડી હતી અને હવે જ્યાં સુધી નવો પુલ બંધાશે નહીં ત્યાં સુધી લોકોને આવી જ હાલાકી વેઠવી પડશે એનાથી નાગરિકોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે.

 

ગોખલે રોડ બંધ થવાથી પર્યાયી રસ્તા પર વાહનોની લાંબી લાઈન લાગી હતી. અંધેરી સબવે અને વિલે પાર્લેમાં આવેલી પાર્લે જી ફેકટરી પાસેના ફ્લાયઓવર પર લાંબી લાઈન લાગી હતી. એસ.વી. રોડ પર ઈર્લા પાસે પણ ભારે ટ્રાફિકજામ થયો હતો. વાહનોની લાંબી લાઈનો લાગી હતી.

વેસ્ટર્ન સ્થાનિક નાગરિકોના કહેવા મુજબ ગોખલે પુલ બનવામાં ઓછામાં ઓછાં બે વર્ષ લાગવાના છે. આ દરમિયાન ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન અંધેરી સબ-વે, ખાર સબ-વે બંધ થઈ જશે ત્યારે પ્રશાસન શું કરશે એવા સવાલો પણ નાગરિકોએ કરી રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે ૨૦૧૮માં આ પુલનો ઉત્તર તરફનો અમુક હિસ્સો તૂટી પડતાં બેનાં મોત થયાં હતાં. ત્યાર બાદ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું અને હળવાં વાહનો માટે તે ફરી ચાલુ કરવામાં આવ્યો હતો. હાલ પુલનો ઉત્તર તરફનો ભાગ તોડી પાડીને ત્યાંનું બાંધકામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

આ દરમિયાન પુલનો બાકીનો હિસ્સો હળવા વાહનો માટે ખુલ્લો હતો. જોકે પુલને ઑક્ટોબર મહિનામાં ઈન્સ્પેક્શન બાદ જોખમી જાહેર કરવામાં આવતા દુર્ઘટના ટાળવા માટે આ પુલને સોમવાર સાત નવેમ્બરથી ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

 

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -