Homeઆપણું ગુજરાતબુલેટ ટ્રેનના પ્રોજેક્ટને બુસ્ટરડોઝ

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને બુસ્ટરડોઝ

૧૩૫ કિલોમીટરના વાયાડક્ટ સાથે મુંબઈમાં ત્રણ સ્ટેશન નિર્માણ માટે બહાર પાડ્યાં ટેન્ડર:NHSRCL

ક્ષિતિજ નાયક

મુંબઈ: મુંબઈ-અમદાવાદ વચ્ચેની પ્રસ્તાવિત બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને વધુ ગતિ આપવાના ભાગરૂપે મહારાષ્ટ્ર સરકારની સાથે એજન્સીએ (પ્રકલ્પ માટે કામકાજ કરનારી) વધુ સક્રિયપણે કામગીરી હાથ ધરી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) દ્વારા ૧૩૫ કિલોમીટરના વાયાડક્ટ (ખાડી પરનો પુલ)નું નિર્માણ કરવા સહિત મુંબઈમાં ત્રણ સ્ટેશન નિર્માણની કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈમાં બીકેસી (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) ખાતે અંડરગ્રાઉન્ડ ટર્મિનલના નિર્માણ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા પછી મુંબઈમાં ત્રણ સ્ટેશનના નિર્માણ માટેની સૌથી મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. એક કરતા અનેક કામકાજ પૈકી ટેન્ડર બહાર પાડવાની કામગીરી પૂર ઝડપથી પાર પાડવાની યોજના છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રકલ્પમાં મહારાષ્ટ્રમાં ૧૫૬ કિલોમીટર મહારાષ્ટ્ર, ૩૪૮ કિલોમીટર ગુજરાત અને દાદરાનગર હવેલીમાં ચાર કિલોમીટર કોરિડોર છે, જ્યારે સમગ્ર કોરિડોર માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. મુંબઈમાં બીકેસીમાં અંડરગ્રાઉન્ડ ટર્મિનલ સહિત ૨૧ કિલોમીટરની ટનલ નિર્માણની કામગીરી સાથે થાણે, વિરાર અને બોઈસરમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન નિર્માણ કરવામાં આવશે. બીકેસી અને શિળફાટાને જોડતી ૨૧ કિલોમીટરની ટનલનું નિર્માણકાર્ય કરવામાં આવશે, જેમાં જરૂરી સિવિલ કામકાજ સહિત મેઈન્ટેનન્સ ડેપો વગેરે કામકાજનો સમાવેશ થાય છે, એમ એનએચએસઆરસીએલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ સિવાય શિળફાટા અને પાલઘરના ઝરોલી વિસ્તાર સુધીના ૧૩૫ કિલોમીટરના કોરિડોરમાં છ ટનલ સહિત નદી પર અગિયાર બ્રિજ સાથે કુલ ૩૬ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. મુંબઈથી અમદાવાદ વચ્ચે (૫૦૮ કિલોમીટરના અંતર) બુલેટ ટ્રેન દોડાવવાના પ્રકલ્પમાં ગુજરાતમાં લગભગ જમીન સંપાદનનું કામકાજ પૂરું થવા આવ્યું છે, જેમાં ૯૮.૮૭ ટકા કામ પૂરું થયું છે. દાદરા-નગર હવેલીમાં ૧૦૦ ટકા જમીન સંપાદન પૂરું થયું છે. પંદરમી નવેમ્બર સુધીમાં સાર્વત્રિક રીતે જોવામાં આવે તો મહારાષ્ટ્રમાં ૯૫.૪૫ ટકા થયું છે, જ્યારે ૭૪.૧૮ ટકા જમીનનો કબજો મળ્યો છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં બુલેટ ટ્રેનના પ્રકલ્પનું કામકાજ ઝડપથી હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પહેલા તબક્કામાં બિલિમોરાથી સુરત વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની યોજના છે. એના સિવાય ગુજરાતમાં ૩૪૮ કિલોમીટરના કોરિડોરમાં પીલર બનાવવાથી લઈને નવા બ્રિજ બનાવવાનાં કામકાજ માટે રાત-દિવસ હજારો કર્મચારીઓને જોતરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના શિંજો આબે સાથે બુલેટ ટ્રેનના પ્રકલ્પ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. બુલેટ ટ્રેનના પ્રકલ્પ માટે શિલાન્યાસ કરવામાં આવ્યા પછી આ પ્રકલ્પને ‘નવા ભારતનું પ્રતીક’ ગણાવ્યું હતું. આ પ્રોજેક્ટના શિલાન્યાસ પછી ‘ઈલેક્શન બુલેટ ટ્રેન’ ગણાવી હતી.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -