(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રસ્તાઓ પરના ખાડાથી પરેશાન થઈ ગયેલા મુંબઈગરાને બહુ જલદી ટકાઉ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા રસ્તા મળવાના છે. ૪૦૦ કિલોમીટરના સિમેન્ટ-કૉંક્રીટના રસ્તા માટે નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. મુંબઈમાં સિમેન્ટ-કાંૅંક્રીટના રસ્તાના કામનો ખર્ચ લગભગ ૨૦૦ કરોડથી વધી ગયો છે. ઑગસ્ટમાં કાઢવામાં આવેલા ટેન્ડર પ્રક્રિયાને મોળો પ્રતિસાદ મળ્યો હતો. તેથી પાલિકાએ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકી હતી.
મુંબઈના રસ્તા ખાડા મુક્ત કરવા માટે સિમેન્ટ-કૉંક્રીટના રસ્તા પર પાલિકા ભાર આપી રહી છે. શહેર અને બંને ઉપનગરમાં ૪૦૦ કિલોમીટરના રસ્તા સિમેન્ટ-કૉંક્રીટના કરવા માટે લગભગ ૬ હજાર ૭૯ કરોડ ૫૧ લાખ ૭૪ હજાર ૫૦૨ રૂપિયાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ ટેન્ડરમાં વિદેશમાં વાપરવામાં આવતી પોરસ સિમેન્ટ વાપરવાની શરત મુકવામાં આવી હતી.
સિમેન્ટ-કૉંક્રીટના રસ્તા માટે થનારા ખર્ચમાં શહેર વિભાગ માટે ૧૩૩ કરોડ ૧૧ લાખ ૧૯ હજાર ૦૨૧ રૂપિયા અને પૂર્વ ઉપનગરમાં ૮૪૬ કરોડ ૧૭ લાખ ૬૧ હજાર ૨૯૯ રૂપિયાનો સમાવેશ થાય છે. જ્યારે પશ્ર્ચિમ ઉપનગરમાં ઝોન ૩ માટે ૧૨૨૩ કરોડ ૮૪ લાખ ૮૩ હજાર ૨૩૦ રૂપિયા, ઝોન-ચાર માટે ૧૬૩૧ કરોડ ૧૯ લાખ ૧૮ હજાર ૫૬૫ રૂપિયા અને ઝોન સાતમાં ૧૧૪૫ કરોડ ૧૮ લાખ ૯૨ હજાર ૩૮૮ રૂપિયા છે.
પાલિકાના રોડ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ પશ્ર્ચિમ ઉપનગર ૨૫૩. ૬૫ કિલોમીટર, પૂર્વ ઉપનગરમાં ૭૦ કિલોમીટર, શહેર વિભાગમાં ૭૨ કિલોમીટરના રસ્તાનો સમાવેશ થાય છે.
મુંબઈમાં ૪૦૦ કિલોમીટર રસ્તાના કૉંક્રીટાઈઝેશનના કામ માટે પાલિકાએ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી છે. આ ટેન્ડર માટે શરત અને નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે નવા દરને કારણે આ ટેન્ડર પ્રક્રિયામાં રસ્તાના ખર્ચમાં ૧૭ ટકાનો વધારો થશે એવો અંદાજો છે. તેથી સંપૂર્ણ કામનો ખર્ચ ૨૦૦ કરોડથી વધવાની શક્યતા છે.
આ અગાઉ ઑગસ્ટમાં કાઢેલા ટેન્ડર પ્રક્રિયામાં એકદમ મોળો પ્રતિસાદ મળ્યો હતો. તેથી પાલિકાએ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો.
પાલિકા તરફથી અત્યંત આકરી શરતો અને નિયમો રાખવાને કારણે ટેન્ડર પ્રક્રિયામાં માત્ર સાત કંપનીઓ સહભાગી થઈ હતી. તેથી ટેન્ડર પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.