તાજેતરમાં જ છઠ્ઠી ટર્મ માટે બનેલી ભાજપની સરકારની ટીકા વિરોધપક્ષ તરીકે કોંગ્રેસ કરે તે સ્વાભાવિક છે, પરંતુ કોંગ્રેસે કરેલા એક દાવાને ગંભીરતાથી જોઈએ તો ગુજરાતમાં સબ સલામત હોવાના દાવ ખરેખર પોકળ પુરવાર થઈ રહ્યા છે. આનું કારણ એ છે કે ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં દસ હત્યા થઈ છે. જેને લીધે કોંગ્રેસે ટીકાનો મારો ચલાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે. વધતી જતી ગુન્હાખોરી અને કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો-ગુંડાઓ બેકાબુ-બેખોફ રીતે કાયદો વ્યવસ્થાના લીરા ઉડાડી રહ્યા છે. છેલ્લાં ૨૪ કલાકમાં ગુજરાત રક્તરંજિત બન્યુ છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ નિર્મમ હત્યાઓની ઘટના બની છે. જેમાં અમદાવાદમાં ૨, સુરતમાં ૩ અને જામનગરમાં ૨, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં ૧-૧ નિર્મમ હત્યાના બનાવો બન્યા છે. ગૃહ રાજ્ય પ્રધાનના વિસ્તાર-શહેર સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ હત્યાની ઘટના બની છે. સુરતમાં હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. બે હત્યા ડીંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બની છે. જયારે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ ખાતે એક યુવકની સરા જાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવી છે.
રાજ્યમાં નશા બંધીનો કાયદો હોવા છતાં બેરોકટોક કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય, અબજો રૂપિયાની ડ્રગ્સની હેરાફેરી થાય, બેફામ વ્યાજ ખોરોનો ત્રાસ, નકલી નોટો, ચીટ ફંડ સહીત આર્થિક ગુન્હાખોરી આસમાને હોય, ત્યારે ભાજપ સરકાર – ગૃહ વિભાગ-પોલીસ તંત્ર જાગે અને ગુન્હેગારને જેલ ભેગા કરે તો જ ગુજરાત સાચા અર્થમાં સલામત બનશે અને ગુજરાત – ગુજરાતીઓ શાંતિથી જીવન જીવી શકશે, તેમ તેમણે જણાવ્યું હતું.