(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ગરમ પવનો ફૂંકાવાથી અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. મંગળવારે રાજ્યના છ શહેરમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર ગયો હતો. સૌથી વધુ તાપમાનમાં અમદાવાદમાં ૪૨.૭ જ્યારે સુરેન્દ્રનગરમાં ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તામપાનનો પારો ઊંચો જવાથી બપોરના સમયે રાજ્યના અનેક શહેરોમાં રસ્તાઓ સૂમસામ બન્યા હતા. બીજી બાજુ રાજ્ય હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનો પારો ૪૩થી ૪૫ ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં કોર્પોરેશને ઓરેન્જ ઍલર્ટ જાહેર કરી વૃદ્ધો, બાળકો અને સગર્ભાને કામવગર બપોરના સમયે બહાર ન જવાની સલાહ આપી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી બે દિવસમાં ત્રણ થી ચાર ડિગ્રી આસપાસ ગરમીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. મંગળવારે કંડલામાં ૪૧.૨, રાજકોટમાં ૪૧.૭ ડિગ્રી, ડીસા અને વલ્લભ વિદ્યાનગરમાં ૪૦.૫ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયુ હતું. અમદાવાદ સહિત રાજ્યના ૯ શહેરમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રી પાર કરી ગયો હતો. બીજી તરફ તાપમાન ૪૩થી ૪૫ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી હતી. મેની શરૂઆતથી જ ગરમીનો પારો ઊંચકાતાં બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે. પ્રથમ સપ્તાહમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ૪૬૫ લોકોને પેટના દુખાવા અને ૩૦૪ લોકોનો ચક્કર સાથે બેભાન થવાની તકલીફમાં સારવાર અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. ૧થી ૭ મે દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મળીને ગરમીને કારણે પેટમાં દુખાવો, ડાયેરીયા-વોમિટિંગ સહિતના ૧,૧૫૧ કોલ મળ્યા હતા.