ગુજરાતમાં આગ ઝરતી ગરમીના કારણે અગનગોળા વરસી રહ્યા છે. રાજ્યમાં બુધવારે 10 શહોરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યામાં બુધવારે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રી પર પહોંચી ગયો હતો. આ ઉપરાંત વડોદરા, વલ્લભવિદ્યાનગર અને ભુજમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તેમજ કંડલા એરપોર્ટ અને ડીસામાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જ્યારે કેશોદમાં 40 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આ વર્ષે ઉનાળામાં પ્રથમવાર સૌથી વધુ તાપમાન 43 ડીગ્રીને પાર પહોંચ્યું છે. ભારે તાપથી જનજીવન પર અસરો પડી હતી. શહેરના રાજમાર્ગો પર બપોરે ટ્રાફિક ઘટ્યો હતો. લોકોએ છાસ, લીંબુ સોડા, શરબત અને ઠંડાપીણાનો સૌથી વધુ સહારો લીધો હતો. રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે. તંત્ર દ્વારા યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ સિવાય કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે.