Homeઉત્સવકહો દુશ્મનને, દરિયા જેમ હું પાછો જરૂર આવીશ કે મારી ઓટ જોઇને...

કહો દુશ્મનને, દરિયા જેમ હું પાછો જરૂર આવીશ કે મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે?

કેશુભાઈની વિદાય પછી મોદી જેવા મુખ્ય પ્રધાન બન્યા કે એમણે અમિત શાહને ગૃહ પ્રધાન બનાવી દીધા. ત્યાર પછી જેટલી ચૂંટણીઓ આવી એના સફળ સંચાલનની જવાબદારી અમિત શાહ પાસે જ રહેતી હતી. ચૂંટણીની સ્ટ્રેટેજી બનાવવામાં અમિત શાહ પહેલેથી જ એક્કા ગણાય છે

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

આજથી લગભગ તેર વર્ષ પહેલાંની વાત છે. ટી.વી. ન્યૂઝ ચેનલ પર સમાચાર આવી રહ્યા હતા કે, આતંકવાદી શોહરાબુદ્દીનનાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ અમિત શાહની ધરપકડ કરી છે.
હાલના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એ વખતે ગુજરાતના ગૃહપ્રધાન હતા. ધરપકડ થોડી મિનિટો પછી થવાની હતી આમ છતાં મોઢા પર ભારે સ્વસ્થતા રાખીને અમિત શાહે જાણે એમના દુશ્મનોને ચેલેન્જ આપતા હોય એ રીતે આ શેર ટાંક્યો :
કહો દુશ્મનને, દરિયા જેમ હું પાછો જરૂર આવીશ
કે મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે?
૨૫ જુલાઇ, ૨૦૧૦ના એ દિવસે કદાચ મોટા ભાગનાઓને અમિત શાહના આ આત્મવિશ્ર્વાસમાં વધુ પડતી ખૂમારીના દર્શન થયા હશે, પરંતુ આજે તેર વર્ષ પછી તેઓ ભારતના બીજા નંબરના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે એ બાબતમાં કોઈને શંકા હોવી જોઇએ નહીં.
ફક્ત ૨૦૧૪ કે ૨૦૧૯ની લોકસભામાં મેળવેલી જ્વલંત જીત જ નહીં, પરંતુ ટ્રીપલ તલાક વિધાયક પાસ કરાવવાથી માંડીને જમ્મુ-કાશ્મીરના ઐતિહાસિક નિર્ણય સુધીમાં અમિત શાહનો સૌથી મોટો રોલ રહ્યો છે, એ વિશે કોઈ દલીલ રહેતી નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચેનું જે ટ્યુનિંગ છે એવું ટ્યુનિંગ ભૂતકાળમાં કોઈપણ સત્તાધારી પક્ષના બે ટોચના રાજકારણીઓમાં જોવા મળ્યું નથી. ભાજપના કેટલાક મિત્રો મોદી શાહની જોડીને ફિલ્મ શોલેના જય-વિરુની જોડી સાથે સરખાવે તો એમાં કોઈ નવાઈ નથી. નરેન્દ્ર મોદી માટે એમ કહેવાય છે કે તેઓ ખૂબ અતડા અને જિદ્દી છે. પ્રધાન મંડળના એમના સાથીદારો હોય કે આરએસએસના હોદ્દેદારો, મોદી દરેકથી થોડું અંતર રાખતા હોવાનું કહેવાય છે. એક અમિત શાહને બાદ કરતાં. લોકસભા કે વિધાનસભાની ચૂંટણીની સ્ટ્રેટેજી બનાવવાની હોય કે પૂલવામાંના આતંકવાદી હુમલાનો પાકિસ્તાનને પ્રતિ જવાબ આપવાનો હોય, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાની હોય… દરેક વ્યૂહરચના મોદી-શાહ સાથે મળીને ઘડે છે. રાજકીય વર્તુળોમાં એમ કહેવાય છે કે નૉટબંધીનો જે નિર્ણય લેવાયો એની ખબર અમિત શાહ સિવાય પ્રધાન મંડળમાં પણ કોઈને નહોતી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચેની આ અંગતતા જોકે આજકાલની નથી. ૯૦ના દાયકાના અંતમાં જ્યારે ભાજપના આંતરિક રાજકારણને કારણે નરેન્દ્ર મોદીને ગુજરાત બહાર મોકલી આપવામાં આવ્યા હતા ત્યારે મોદીના જૂના વફાદારોમાંથી મોટા ભાગનાઓએ એમનો સાથ છોડી દીધો હતો. એ વખતે પણ અમિત શાહ મોદીને સંપૂર્ણ વફાદાર રહ્યા હતા.
નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં રહેવા માટે જોકે ફક્ત વફાદારી શબ્દ પૂરતો નથી, પરંતુ એમને માટે જે તે વ્યક્તિની રાજકીય આવડત પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. અમિત શાહ માટે પહેલેથી જ કહેવાય છે કે તેઓ ચેસના માહેર ખેલાડીની માફક સામેનો પ્રતિસ્પર્ધી જે ચાલ ચાલે એની આગળની ચાર ચાલ વિચારી રાખે છે. ૨૦૦૧ની સાલમાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એ પહેલાં અમદાવાદ સિવાય ગુજરાતના બીજા ભાગોમાં ભાગ્યે જ કોઈએ અમિત શાહનું નામ સાંભળ્યું હતું. કેશુભાઈની વિદાય પછી મોદી જેવા મુખ્ય પ્રધાન બન્યા કે એમણે અમિત શાહને ગૃહ પ્રધાન બનાવી દીધા. ત્યાર પછી જેટલી ચૂંટણીઓ આવી એના સફળ સંચાલનની જવાબદારી અમિત શાહ પાસે જ રહેતી હતી. ચૂંટણીની સ્ટ્રેટેજી બનાવવામાં અમિત શાહ પહેલેથી જ એક્કાગણાય છે.
૨૨ ઓક્ટોબર, ૧૯૬૪ના રોજ મુંબઈમાં જન્મેલા અમિત શાહનું મૂળ વતન ઉત્તર ગુજરાતનું માણસા ગામ. અમિતભાઈના પિતા અનિલચંદ્ર શાહ પીવીસી પાઇપનો બિઝનેસ કરતા હતા. સ્કૂલનો અભ્યાસ મહેસાણામાં કર્યા પછી અમિતભાઈ અમદાવાદ શિફ્ટ થયા અને અમદાવાદની સીયુ શાહ સાયન્સ એન્જિનિયરિંગ કૉલેજમાં ભણતા હતા ત્યારે પિતાના ધંધામાં મદદગાર થવા ઉપરાંત ‘એબીવીપી’ તરફથી રાજકીય રીતે પણ સક્રિય થયા હતા. નાનપણથી જ તેઓ આરએસએસની શાખામાં જતા હતા. ૧૯૮૨માં પહેલી વખત એમની ઓળખાણ નરેન્દ્ર મોદીની સાથે આરએસએસની શાખામાં થઈ હતી, એ વખતે મોદી આરએસએસ પ્રચારક હતા. ૧૯૮૭માં અમિતભાઈ ભાજપમાં જોડાયા. ભાજપ યુવા મોરચામાં તેઓ ઉપપ્રમુખ અને મહામંત્રી પણ રહી ચૂક્યા છે. ૧૯૯૧ની લોકસભાની ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ચૂંટણી સંચાલનની જવાબદારી અમિતભાઈને મળી અને તેઓ પ્રકાશમાં આવ્યા. એ વખતે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ કરતા કૉંગ્રેસની પકડ ઘણી વધુ હતી. મોદી અને શાહે મળીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પુષ્કળ કામ કરીને ભાજપની સફળતાનો પાયો નાંખ્યો. ૧૯૯૮માં ‘અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપ બેન્ક’ના પ્રમુખ પદની ચૂંટણી જીતીને અમિત શાહે બધાને આશ્ર્ચર્યમાં નાખી દીધા હતા, કારણ કે મોટે ભાગે આ ચૂંટણી જાતિ આધારે જીતાતી હતી અને અમિતભાઈ વૈષ્ણવ વાણિયા હોવાથી એમના માટે આ ચૂંટણી જીતવી અઘરી હતી.
૨૦૧૦માં જ્યારે એમની ધરપકડ થઈ અને એમણે જેલમાં જવું પડ્યું ત્યારે એમના વિરોધીઓ માનવા લાગ્યા કે અમિત શાહની કારકિર્દી હવે પૂરી થઈ ગઈ. અકલ્પિય લડાયક ક્ષમતા ધરાવતા અમિત શાહ જોકે જેલમાં રહીને પણ નિરાશ થયા નહીં અને એમણે એમના શોખના ઘણા પુસ્તકો વાંચ્યા. મહાશ્ર્વૈતા દેવીએ લખેલા ‘હજાર ચોર્યાસીકી માં’ અને ‘અર્ણય અધિકાર’ એમના માનીતા પુસ્તકો છે. જ્યારે મહાશ્ર્વૈતા દેવીનું અવસાન થયું ત્યારે એમને શ્રદ્ધાંજલિ આપવામાં અમિત શાહ પ્રથમ હતા. એમના માતા સંપૂર્ણપણે ગાંધીવાદી હોવાથી અમિત શાહે ગાંધી સાહિત્યનો પણ અભ્યાસ કર્યો છે. જોકે એમના પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોની સૌથી વધુ અસર રહી છે અને એ બાબત તેઓ છુપાવતા પણ નથી.
અમિત શાહ જ્યારે જામીન પર છૂટ્યા ત્યારે એમને ગુજરાત પ્રવેશ માટે કોર્ટે મનાઇ ફરમાવી હતી. અમિતભાઇએ દિલ્હી રહેવાનું નક્કી કર્યું અને ઘણા લાંબા સમય સુધી તેઓ અરુણ જેટલીના ઘરે તેમજ ગુજરાત ભવનમાં રહ્યા અને ત્યારથી જ એમની સફળતાની બીજી ઇનિંગ શરૂ થઈ એમ કહી શકાય.
ગુજરાતમાં ઘણાએ અમિત શાહના નામનું નાહી નાખ્યું હતું ત્યારે બીજી તરફ તેઓ દિલ્હીમાં પોતાનો પાયો મજબૂત કરી રહ્યા હતા. ભાજપના સિનિયર રાજકારણીઓ ઉપરાંત મીડિયા સાથે પણ સતત સંપર્કમાં રહીને નવા સંપર્કો વિકસાવતા હતા. નરેન્દ્ર મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા પછી અમિત શાહને ભાજપના મહામંત્રી બનાવવાની સાથે જ ઉત્તર પ્રદેશનો હવાલો સોંપવામાં આવ્યો. પક્ષમાં કેટલાક માનતા હતા કે ઉત્તર પ્રદેશના રાજકારણને સમજવુ શાહ માટે સહેલું નથી.
જોકે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકોમાંથી ૭૩ બેઠકો જીતાડીને અમિત શાહ રાષ્ટ્રીય ફલક પર છવાઈ ગયા. ત્યાર પછીનો ઇતિહાસ તો જાણીતો જ છે. બંગાળ એક એવું રાજ્ય હતું કે વાજપેયી અને અડવાણીએ પણ ત્યાંથી વધુ બેઠકો મેળવવાની આશા છોડી દીધી હતી. આ જ બંગાળમાં અમિત શાહ ૫૦થી વધુ રેલીઓ કરી અને છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો શ્રેષ્ઠ દેખાવ કર્યો. ૨૦૧૯ સુધીમાં અમિત શાહ એટલા શક્તિશાળી બની ગયા કે તેઓ રાષ્ટ્રીય પ્રમુખ નહીં હોય તો પણ સંગઠનમાં એમનું જ વજન રહે, ઉપરાંત પ્રધાન મંડળમાં પણ તેઓ જ સર્વે સર્વા ગણાય.
આજે ભલે તેઓ ટેકનિકલી કેન્દ્રીય ગૃહ પ્રધાન છે, પરંતુ ભાજપ શાસિત દરેક રાજ્યમાં તેમનો બોલ જ છેલ્લો બોલ ગણાય છે. સતત સફળતાને કારણે મેળવેલા આત્મવિશ્ર્વાસની ઝલક એમના લોકસભાના ભાષણો દરમિયાન પણ દેખાઈ રહી છે. એમ લાગે છે કે નરેન્દ્ર મોદીએ એમનો ભાવિ વારસદાર શોધી કાઠ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -