તેલંગણાના સૂર્યાપેટના તિરુમલગિરી વિસ્તારમાં દીકરાના અત્યાચારથી ત્રાસીને માતા-પિતાએ જ પોતાના પેટના જણ્યા દીકરાની હત્યા કરાવી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ માટે માતા-પિતાએ આઠ લાખ રૂપિયામાં પાંચ લોકોને હત્યાની સુપારી આપી હતી. એટલું જ નહીં હત્યા બાદ આરોપી માતા-પિતા પોલીસને પણ ભટકાવી રહ્યા હતાં.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ક્ષત્રિય સાઈનાથ (26) ની હત્યાના મામલે તેના માતા-પિતા અને કાકા સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાઈનાથ કથિત રીતે તેના માત-પિતાને ત્રાસ આપી રહ્યો હતો અને તેમની મારપીટ કરી રહ્યો હતો. તેનાથી પરેશાન થઈને સાઈનાથના માતા-પિતાએ તેની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. આ માટે તેમણે આઠ લાખ રૂપિયાની સુપારી આપી હતી. પાંચ લોકોએ રસ્સીની મદદથી ગળુ દબાવીને સાઈનાથની હત્યા કરી હતી અને મૃતદેહને મૂસી નદીમાં ફેંકી દીધું હતું. સ્થાનિક લોકોને જ્યારે મૃતદેહ મળ્યો ત્યારે તેની જાણકારી પોલીસને આપી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતદેહને ફેંકવા માટે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
10 દિવસ બાદ પોલીસે તેના માતા-પિતાને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. પોલીસે બાદમાં પુછપરછ માટે જ્યારે તેના માતા-પિતાને બોલાવ્યા ત્યારે તેઓ એ જ કાર લઈને પહોંચ્યા હતાં, જેનો ઉપયોગ તેમણે મૃતદેહને નદીમાં ફેંકવા માટે કર્યો હતો. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.