Homeઈન્ટરવલતેજાવતની તટસ્થતા-નિર્ભિકતા દિલ જીતતી ગઇ

તેજાવતની તટસ્થતા-નિર્ભિકતા દિલ જીતતી ગઇ

જોકે સદીઓથી અત્યાચાર અને ગુલામીની અદૃશ્ય બેડીઓમાં જકડાઇ ગયેલી પ્રજાને રાજમહેલની આટલી બધી નજીક આંદોલન માટે એકઠા કરવાનું એલાન નહોતું

ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ

(પ્રકરણ-૧૨)
મેવાડના મહારાણાને મળીને આવેદનપત્ર રજૂ કરવા આડે ઝાઝા દિવસો નહોતા. આ મુલાકાતનું જે પરિણામ આવે એ પણ મોતીલાલ તેજાવતે ‘એકી’ આંદોલનના પ્રચાર-પ્રસારમાં લેશમાત્ર ઓટ આવવા ન દીધી. આને લીધે ‘એકી’ આંદોલન માટે જનાધાર સતત વધતો રહ્યો. જે જે
ગામ ગયા અને જેને જેને મળ્યા એ સૌ આંદોલન સાથે તેજાવતના વ્યક્તિત્વ
અને તેમની નિસ્વાર્થ ભાવનાથી ખૂબ પ્રભાવિત થયા.
મોટાભાગના લોકો દેખાડા ખાતર નહીં પણ સાચા દિલથી તેજાવત સાથે જોડાતા ગયા. આ એક આંદોલનની એના નેતાની મોટી સફળતા હતી. એમાંય આજના આધુનિક પ્રસાર માધ્યમો અને અખબારો, ટીવી અને સોશિયલ મીડિયા વગર
પોત મેળે ગામે ગામ પહોંચીને સૌના મનમાં સ્થાન મેળવવું એ નાની સુની સિદ્ધિ ન કહેવાય.
ઉદયપુર પહોંચવા અગાઉ તેજાવત અને સાથીઓએ કૈલાશપુરીમાં રોકાણ કર્યું. આ સ્થળ એકલિંગજી તરીકે ય ઓળખાય. બધા ધર્મશાળામાં ઊતર્યા. બાજુમાં પૂર્વ દિશાના પહાડ પર આનન્દા માતાજીનું બહુ પ્રાચીન મંદિર હતું. જ્યાં પૂનમ નિમિત્તે ભક્તજનો ઊમટી પડે.
ભગવાન એકલિંગજી મંદિરના ગોસ્વામી કૈલાશાનન્દ પુરીજીને તેજાવત સાથીઓ સહિત કૈલાશપુરી આવ્યાની ખબર પડી, તો તેમણે આ આગેવાનોને માતાજીના દર્શનાર્થે પધારવાનું આમંત્રણ આપ્યું.
‘એકી’ આંદોલનના આગેવાનો માટે તો ભાવતું તું, ને માતાજીએ પીરસ્યું એવો ઘાટ થઇ ગયો.
આનન્દા માતાજીની પૂજા અને ભક્તિ બાદ એક સભા યોજાઇ જેમાં તેજાવતે સદીઓથી રજવાડા અને જાગીરદારો પર થતા અન્યાયની બેડી તોડી ફેંકવાની
હાકલ કરી.
આ સભામાં ઉપલબ્ધ દરેક ગામના પંચોએ ‘એકી’ આંદોલનમાં જોડાવાની
ઇચ્છા વ્યક્ત કરી. ગોસ્વામી મહારાજે ય તેજાવત અને સાથીઓને આશીર્વાદ આપ્યા અને ભગવાનની પ્રેરણાથી થઇ રહેલા
કામમાં આગળ ધપવાની શુભેચ્છા પણ આપી.
તેજાવતે નતમસ્તકે જાહેરાત કરી કે હું જે માલિકો માટે કામ કરતો હતો એ અત્યાચારી અને મદાંધ નીકળ્યા. હવે ભગવાન એકલિંગજી અને પ્રજા જ મારી માલિક.
અહીં તેજાવતે એક સરસ ઘોષણા કરી. “હું મહારાણાને મળવા અગાઉ ખાસ એકલિંગજી દાદાના દર્શને આવ્યો છું. મહારાણા અને હું પણ એકલિંગજી મહાદેવના ભક્ત છે. મને મહાદેવજી પર શ્રદ્ધા છે કે આપણા પ્રયાસનું કંઇક સારું પરિણામ આવશે જ.
હકીકતમાં તેજાવત તો ‘એકી’ આંદોલનની દરેક સભાનો આરંભ એકલિંગજી મહાદેવને અર્પણ કરાયેલાં પુષ્પોમાંથી એક પુષ્પ લઇને એની સાક્ષીએ પોતાની વાત કરતા હતા, વચન આપતા હતા, ને વચન લેતા હતા.
રાજસ્થાનમાં એકલિંગજી મહાદેવ પ્રત્યે કાયમ અખૂટ શ્રદ્ધા રહી છે. પ્રજાજનોમાં એકલિંગજી જેટલી જ શ્રદ્ધા મહારાણામાં ય ખરી.
માન્યતા એવી કે મહારાણાના જાગીરદારો, અમલદારો અને બ્રિટિશરોના મળતિયાઓ જે અત્યાચાર આચરે છે. એની મહારાણાને ખબર નથી. એટલે ગુસ્સો ય મહારાણા સામે નહીં, એમના માણસો
સામે હતો. આ આક્રોશ પાછો પૂરેપૂરો અહિંસક હતો.
અલબત્ત, એકતા, સત્ય અને અહિંસાના આગ્રહ અને અક્ષરસ પાલન સાથે આંદોલનને આગળ ધપાવવું એટલે લોઢાના ચણા ચાવવાથી ય વિકટ કામ. એમાંય પોતાને કે સાથીઓને કાણી કોડીનો ય ફાયદો ન હોય અને માત્ર પ્રજાની સેવા, ભલાઇ અને ન્યાય માટે લડવાનું હોય એટલે સામા પ્રવાહે તરવાનું જ આવે.
ઉદયપુર નજીક આયડ ગામ પાસે ગંગુ ભૈ તરીકે ઓળખાતા પવિત્ર સ્થળે પહોંચ્યા. અહીં ગિરવા જિલ્લાના ૧૨૫-૧૫૦ ડાગી આવીને રોકાયા હતા. આ સૌ પણ ‘એકી’ આંદોલનમાં સામેલ થવા આવ્યા હતા. પણ મનમાં ફફડાટ કે ઉદયપુરમાં મહારાણાના મહેલ નજીક જયાથી કોઇ ઊંધુંચત્તું થઇ ગયું તો? આ લોકોનો ડર વાજબી ય હતો. એટલે મનાવવાનું ય એટલું જ મુશ્કેલ.
તેજાવતે પ્રેમથી સમજાવવા માંડ્યા કે ઉદયપુરથી આટલા દૂર બેસીને આપણી વાત યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી નહીં શકે. ભલે ઉદયપુરના મહેલની એકદમ નજીક જઇને ન બેસીએ પણ રાજમહેલની પાસે જ પીપળાના અને વડના ઘણાં ઘટાદાર વૃક્ષો છે. ત્યાં જઇને આપણે બેસીએ તો? વાતમાં સચ્ચાઇ લાગી. અહીંથી પડાવ ઉપાડીને આગળ વધ્યા.
જોકે સદીઓથી અત્યાચાર અને ગુલામીની અદૃશ્ય બેડીઓમાં જકડાઇ ગયેલી પ્રજાને રાજમહેલની આટલી બધી નજીક આંદોલન માટે એકઠા કરવાનું એલાન નહોતું.
જે મહારાજાને પોતે પૂજે છે. એની સામે અવાજ ઉઠાવવાં સહમત કરવા, એક કરવા અને મહેલ પાસે લઇ આવવા. એ બહુ મોટી માનસિક લડાઇ હતી. જેમાં મોતીલાલ તેજાવત સફળ રહ્યા.
આ સાથે તેજાવતે સૌને સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે આપણી માગણી મનાવતા પહેલા તો ઠીક પણ એ મહારાજાને સુપરત કરવામાં ય અનેક અડચણ
આવશે. આપણે બધી મુશ્કેલી માટે તૈયાર રહેવાનું છે.
ઉદયપુરમાં રાજમહેલોના પછવાડે પીછોલા તળાવની પાળ પર આંદોલનકારીઓ અચકાટ સાથે પહોંચવા માંડ્યા. સૌના મનમાં ભયંકર ફફડાટ હતો. કારણ કે પહેલીવાર રાજ અને શાસકો સામે પડ્યા હતા, પરંતુ સંજોગોને જોયા અને તેજાવતને સાંભળ્યા બાદ સૌને ધરપત આવી અને હિંમત મળવા માંડી. ત્યારે રાજમહેલમાં કંઇક અલગ જ ખીચડી પકાવવાની મથામણ ચાલતી હતી. (ક્રમશ:)

 

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -