આવતી કાલે ઉત્તરાયણની ઉમંગભેર ઉજવણી કરવાની તૈયારી ગુજરાતીઓ કરી રહ્યા છે એવામાં પતંગને કારણે થતા અકસ્માતોના અનેક કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. સુરત અને ઉંઝામાંથી વાલીઓને ચેતવણી સમાન કિસ્સાઓ સામે આવ્યા છે. સુરતમાં પતંગ ચગાવતા 5માં માળેથી નીચે પટકાતા એક કિશોરનું મોત નિપજ્યું છે. એક ધાબા પરથી બીજા ધાબા પર જવા જતાં બાળક નીચે પટકાયો હતો, જયારે ઊંઝામાં પતંગ લુંટવા જતા એક કિશોર કુવામાં ખાબક્યો હતો.
સુરત પાસેના વાંકાનેડા ગામના શિવ શક્તિ કોમ્પ્લેક્ષના પાંચમા માળ પર 12 વર્ષીય કિશોર પતંગ ચગાવી રહ્યો હતો. એવામાં ફસાયેલી પતંગ કાઢવા કિશોર એક ધાબા પરથી બીજા ધાબા પર જવાનો પ્રયાસ કરતા નીચે પટકાયો હતો. બાળકનું મોત નિપજતાં પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહેસાણાના ઊંઝામાં એક બાળક પતંગ લુંટવાની લાલચે કુવામાં ખાબક્યો હતો. ઊંઝા શહેરમાં રીંગ રોડ પાસેની રામનગર રેસિડેન્સી નજીક કિશોર કુવામાં ખાબક્યો હતો. આ ઘટનાની જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કિશોરને બહાર કાઢ્યો હતો.
પતંગ ચગાવતી વખતે અને કપાયેલી પતંગ પકડવા જતા કિશોરો અને યુવાનો બેદરકારીને કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે. આવામાં વાલીઓએ પણ પોતાના બાળકોનું ધ્યાન રાખવાની અને સાવચેત રહેવાની જરૂર છે.