અમદાવાદમાં આજે સવારે આગ લાગવાની ગોઝારી ઘટનામાં એક કિશોરીનું મોત થયું છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા ઓર્ચિડ ગ્રીન અપાર્ટમેન્ટસના સાતમા માળે આગ લાગી હતી. આગ લાગતા ઘરના પાંચ સભ્યમાંથી ચાર સમયસર બહાર નીકળી ગયા હતા, જોકે એક કિશોરી અંદર ફસાઈ ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ તેને બાલકનીમાંથી બહાર કાઢી પરંતુ ગંભીર રીતે દાઝી જવાથી તેનું મોત નીપજ્યું હતું.
આ જે સવારે સાત વાગ્યાના આરસામાં ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે શાહીબાગ આવેલા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે મકાનમાં આગ લાગી છે. ઘટનાને પગલે એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 15 ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરિવારના ચાર લોકો તો ઘરની બહાર નીકળી ગયા હતા, પરંતુ 15 વર્ષીય કિશોરી અંદર જ ફસાઈ ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે કિશોરીને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઇ જવમાં આવી હતી, ગંભીર રીતે દાઝી ગઈ હોવાથી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
ફાયરબ્રિગેડની પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આગ કયા કારણસર લાગી એ હજુ સુધી જાણવા મળ્યું નથી.