વરલી સી ફેસ પાસે મોર્નિંગ વોક માટે ગયેલી એક મહિલાને ઝડપી કારે કચડી નાખવાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ અકસ્માતમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક મહિલાની ઓળખ રાજલક્ષ્મી રામ ક્રિષ્નન (42) તરીકે થઇ છે. આ અકસ્માતમાં કારના ડ્રાઇવરને પણ ઇજા થઇ હતી. રાજલક્ષ્મી એક ટેક્નોલોજી કંપનીની સીઈઓ હતી અને ઘણી વાર પોતાને ફિટનેસ ફ્રીક તરીકે ઓળખાવતી હતી. તે મુંબઈના શિવાજી પાર્કના જોગર્સ ગ્રુપનો ભાગ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલા કેટલાંક ફૂટ દૂર પડી ગઈ હતી અને માથામાં ગંભીર ઈજા થતાં તેને નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે કે અકસ્માત સમયે કારની ઝડપ 120 કિમી પ્રતિ કલાક હતી. મહિલાને કચડી નાખ્યા બાદ કાર રસ્તાના કિનારે આવેલા પાળા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો. કારની વિન્ડશિલ્ડ પણ તૂટી ગઈ હતી.
પ્રાથમિક અહેવાલો અનુસાર, ડ્રાઇવરે પીડિતાને નીચે પછાડ્યા બાદ કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. પોલીસે જણાવ્યું કે રાજલક્ષ્મીને માથા અને ખોપરીમાં ગંભીર ઈજાઓ થઈ હતી. વરલી પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે સવારે 6:30 વાગ્યે વર્લી સીફેસ પર વર્લી ડેરી પાસે બની હતી, જે વર્લી-બાંદ્રા સીલિંકથી થોડાક મીટર દૂર છે. પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરની ઓળખ 23 વર્ષીય સુમેર મર્ચન્ટ તરીકે થઈ છે. પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.