મેટા, એમેઝોન અને માઈક્રોસોફ્ટ સહિત ટેકનોલોજી કંપનીએ કરી તૈયારી
નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે મંદી અને કોરોના મહામારીના વધતા સંક્રમણની શંકાને લઈ આંતરરાષ્ટ્રીય કંપનીઓ પોતાના ખર્ચમાં કાપ મૂકવાની સાથે કર્મચારીઓની છટણી કરવા સક્રિય થઈ છે, જેમાં આ વર્ષે રોજના 1,600થી વધુ કર્મચારીની છટણી કરશે. એટલું જ નહીં, એની સંખ્યા તબક્કાવાર વધારવામાં આવશે, એવું સત્તાવાર જણાવાયું હતું.
ગયા વર્ષની માફક આ વર્ષની શરુઆતથી ટેકનોલોજી અગ્રણી કંપનીઓ ધીમે ધીમે કર્મચારીઓની છટણી કરવાની જાહેરાતો કરી રહી છે, જેમાં મેટા, એમેઝોન, માઈક્રોસોફ્ટ, ટિવટર, બેટર ડોટ કોમ, અલિબાબા અને સેલફોર્સનો સમાવેશ થાય છે.
2022માં ટેકનોલોજી અગ્રણી કંપનીએ 80,978 કર્મચારીની છટણી કરી હતી, જેમાં નવેમ્બર મહિનામાં એકલા 52,771 લોકોને ઘરે મોકલ્યા હતા, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધારે સંખ્યા છે. એટલું જ નહીં, આ વર્ષે પણ માઈક્રોસોફ્ટ કંપનીએ પણ 10,000થી વધુ લોકોની છટણી કરવાની જાહેરાત કરી છે. કહેવાય છે આ વર્ષે રોજના સરેરાશ 1,600થી વધુ કર્મચારીને કંપનીઓ ઘરભેગા કરી શકે છે, જ્યારે તેની સંખ્યા પણ તબક્કવાર વધારવામાં આવે તો નવાઈ રહેશે નહીં. કહેવાય છે કે છેલ્લા પંદર મહિનામાં 91 જેટલી કંપનીએ 24,000થી વધુ કર્મચારીની છટણી કરી છે. અન્ય એક અહેવાલ અનુસાર 2022માં 1,000થી વધુ કંપનીએ 1.5 લાખ લોકોને ઘરે મોકલ્યા હતા. ઈ કોમર્સ વેબસાઈટ કંપની એમેઝોન વૈશ્વિક સ્તરે 18,000 કર્મચારી અને સેલફોર્સે 8,000 કંપનીની છટણી કરી છે. એ જ રીતે એચપી 6,000, ટિવટર 6,700 અને સીગેટ 3,000 કર્મચારી કાઢવાની તૈયારીમાં છે.