શૉટ: બંગલાદેશના ઢાકા ખાતે ભારત અને બંગલાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મૅચના બીજા દિવસે બૉલને ફટકારી રહેલો ભારતની ટીમનો ખેલાડી ઉમેશ યાદવ. (એજન્સી)
ઢાકા: બંગલાદેશ સામેની બીજી ટેસ્ટનો બીજો દિવસ ટીમ ઇન્ડિયાના બૅટ્સમેનોના નામે રહ્યો હતો. ટીમ ઇન્ડિયા પ્રથમ દાવમાં ૩૧૪ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. રિષભ પંતે ૯૩ અને શ્રેયસ અય્યરે ૮૭ રન બનાવ્યા હતા. બંગલાદેશ તરફથી શાકિબ અલ હસન અને તૈજુલ ઈસ્લામે ચાર-ચાર વિકેટ લીધી હતી. આ સાથે ટીમ ઇન્ડિયાએ ૮૭ રનની લીડ મેળવી હતી. બીજા દિવસના અંતે બંગલાદેશે તેના બીજા દાવમાં કોઈ પણ નુકસાન વિના સાત રન બનાવી લીધા છે. નજમુલ હુસૈન પાંચ અને ઝાકિર હસન બે રને અણનમ છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં ૩૧૪ રન બનાવ્યા હતા અને ૮૭ રનની લીડ મેળવી હતી.
બીજા દાવમાં બંગલાદેશે એકપણ વિકેટ ગુમાવ્યા વિના સાત રન બનાવ્યા હતા. ભારત પાસે ૮૦ રનની લીડ છે. મેચના ત્રીજા દિવસે બંગલાદેશની ટીમ ભારતની લીડને ખતમ કરીને ટીમ ઈન્ડિયાની સામે મોટો સ્કોર રાખવા ઈચ્છશે.
બંગલાદેશના ૨૨૭ રનના જવાબમાં ભારતની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. કેપ્ટન લોકેશ રાહુલ ૧૦ રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ ૨૦ રન બનાવી આઉટ થયો હતો. ચેતેશ્ર્વર પુજારા અને વિરાટ કોહલી ૨૪-૨૪ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ભારતની ચાર વિકેટ ૯૪ રનમાં પડી ગઈ હતી.
આ પછી શ્રેયસ અય્યર અને રિષભ પંતે ભારતીય દાવને સંભાળ્યો હતો. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે ૧૫૯ રનની ભાગીદારી થઈ. જોકે, બંને ખેલાડીઓ સદી ચૂકી ગયા હતા. પંતે ૧૦૫ બૉલમાં ૯૩ અને અય્યરે ૧૦૫ બૉલમાં ૮૭ રન બનાવ્યા હતા. જોકે, પંતના આઉટ થતા જ ભારતીય ઇનિંગ્સ વિખેરાઇ ગઇ હતી. ભારતે તેની છેલ્લી છ વિકેટ ૬૨ રનમાં ગુમાવી દીધી હતી. આ મેચમાં ભારતના પૂંછડિયા બૅટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા. બંગલાદેશ તરફથી શાકિબ અલ હસન અને તૈજુલ ઈસ્લામે ચાર-ચાર વિકેટ લીધી હતી. તસ્કીન અહેમદ અને મહેદી હસન મિરાજને એક-એક વિકેટ મળી હતી.