અતીકના પુત્રનું એન્કાઉન્ટર
ડીજીપી પ્રશાંતકુમાર
ભોપાળ: ઉત્તર પ્રદેશ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ના જવાનોએ માફિયા અતીક અહમદના પુત્ર અને ઉમેશ પાલ હત્યાકાંડના વૉન્ટેડ અપરાધી અસદ અહમદ અને તેના જોડીદાર શૂટર ગુલામ મોહમ્મદનું મધ્ય પ્રદેશના ઝાંસીમાં એન્કાઉન્ટર કર્યું હતું. અસદ અને ગુલામને પકડવામાં મદદ કરનારને પાંચ પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસે બન્નેના તાબામાંથી વિદેશી હથિયારો હસ્તગત કર્યા હતા. ગુરુવારે બન્ને મોટર સાઇકલ પર નાસી જવાની પેરવીમાં હતા ત્યારે એસટીએફના સ્ટાફે તેમને ઝાંસીમાં આતર્યા હતા. બન્નેએ એસટીએફના સ્ટાફ પર ગોળીબાર કર્યો હતો. સ્ટાફના વળતા ગોળીબારમાં બન્ને માર્યા ગયા હતા. ગઈ ૨૪ ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કર્યા બાદ અસદ નાસી ગયો હતો. ઉત્તર પ્રદેશના એસટીએફના અધિકારીઓ તેમને શોધતા હતા. ઝાંસીમાં તેમનું લોકેશન મળ્યા પછી ગુરુવારે એસટીએફના સ્ટાફે તેમનું એન્કાઉન્ટર કર્યું હતું. આ સાથે ઉમેશ પાલ હત્યા કેસમાં અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ પોલીસે ચાર અપરાધીઓના એન્કાઉન્ટર કર્યા છે. પહેલું એન્કાઉન્ટર ૨૭ ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં અરબાઝ નામના ગુનેગારનું કરવામાં આવ્યું હતું. બીજું એન્કાઉન્ટર ૬ માર્ચે વિજય ચૌધરી ઉર્ફે ઉસમાનનું કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૦૫માં બહુજન સમાજ પક્ષના વિધાનસભ્ય રાજુ પાલ અને બે પોલીસ સિક્યોરિટી ગાર્ડ્સની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી ઉમેશ પાલની ૨૪ ફેબ્રુઆરીએ પ્રયાગરાજના ધૂમાનગંજ વિસ્તારમાં તેમના ઘરની પાસે હત્યા કરવામાં આવી હતી. ત્યારપછી ૨૫ ફેબ્રુઆરીએ ઉમેશની પત્ની જયા પાલે અતીક, તેના ભાઈ અશરફ, તેના પુત્ર અસદ, શૂટર ગુલામ તથા અન્યો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉમેશ પાલ કેસમાં પ્રયાગરાજની અદાલતમાં અતીક અહમદના રિમાન્ડની સુનાવણી ચાલતી હતી, એ જ વખતે અસદના એન્કાઉન્ટરના સમાચાર પણ આવતાં અતીક ભાંગી પડ્યો હતો. અતીકને સાબરમતી જેલમાંથી લાવીને પ્રયાગરાજની અદાલતમાં લાવવામાં આવ્યો હતો અને તેના ભાઈ અશરફને પણ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. અદાલતે તેને ૧૪ દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ બન્નેને પૂછપરછ કરશે. પૂછપરછ માટે ૨૦૦ સવાલોની યાદી તૈયાર કરવામાં આવી છે. ગુરુવારે પ્રયાગરાજના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. અદાલતે ચુકાદો અનામત રાખવાની જાહેરાત કર્યા બાદ અતીક ધ્રૂસકે ધ્રસકે રડી પડ્યો હતો અને મોટેથી બોલ્યો હતો કે ‘મૈં બરબાદ હો ગયા’. આ કેસમાં અસદ સામે જોખમ જણાતાં અતીક સામે તેની પત્નીએ ચિંતા વ્યક્ત કરી ત્યારે અતીકે કહ્યું હતું કે ‘બધું મેનેજ થઈ જશે, મારા દીકરાએ સિંહ જેવું કામ કર્યું છે’ ઉમેશ પાલની માતાએ કહ્યું હતું કે બે એન્કાઉન્ટરથી તેમને તેમના પાપોની સજા મળી છે. યોગીજીનો આભાર. (એજન્સી)