મુંબઈઃ દુનિયાભરમાં અલગ અલગ પ્રકારની મેરેથોનનું આયોજન થતું જ રહે છે અને દુનિયાની શું વાત કરીએ આપણા ભારતની વાત કરીએ તો ભારતમાં પણ જાત જાતની મેરેથોનનું આયોજન કરવામાં આવે છે જેમાં વર્ષા મેરેથોન, પિંકેથોન વગેરે વગેરે… પણ આ બધામાં મુંબઈ મેરી જાનમાં દર વર્ષે જાન્યુઆરીમાં યોજાતી મુંબઈ મેરેથોનની વાત જ ન્યારી છે. આ મેરેથોન એટલા માટે પણ બાકીની મેરેથોન કરતાં અલગ પડે છે કારણ કે આમાં ભાગ લેનારા લોકો આ એક પંથને બે કાજ કરવામાં વિશ્વાસ રાખે છે. આવું એટલા માટે કે લોકો દોડવાની સાથે સાથે કોઈને કોઈ પ્રકારનો ખાસ સંદેશો આપે છે કે પછી કોઈ સામાજિક સમસ્યા અંગે જાગરુકતા લાવવા માટે દોડે છે. મુંબઈ સમાચારે આવા જ કેટલાક લોકો સાથે વાત કરી અને આવો જાણીએ તેમના વિચારોને-
પંખ સે નહીં હૌંસલો સે ઉડાન હોતી હૈ…: ખ્યાતિ મહેતા અને પ્રદીપ કુંભાર
મુંબઈના રહેવાસી ખ્યાતિ મહેતા અને પ્રદીપ કુંભાર પણ મેરેથોનમાં ભાગ લેનારા હજારો રનર્સમાંથી એક હતા. પણ તેઓ અન્ય મુંબઈગરા કરતાં જુદા એટલા માટે હતા કારણ કે તેમણે એક હેતુ, ધ્યેય લઈને ટાટા મુંબઈ મેરેથોનમાં ભાગ લીધો હતો. આ વિશે મુંબઈ સમાચાર સાથે વાત કરતાં ખ્યાતિ મહેતા જણાવે છે કે આ પહેલાં પણ હું અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છું. મને લોકો ગર્લ વિથ ધ પ્રોસ્થેસ્ટિક લેગ તરીકે ઓળખે છે. જીવનમાં ગમે એટલા દુઃખો આવે હાર માનવાને બદલે તેમનો હિંમતથી સામનો કરવો જોઈએ. તમે એક વખત કોઈ લક્ષ્ય નક્કી કરી લો છો તો પછી એને મેળવવા માટે તમારે પુષ્કળ પરિશ્રમ કરવો પડે છે. એમાં પણ જ્યારે વાત આરોગ્યની હોય ત્યારે તો કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ ના જ કરી શકાય. મેરેથોનમાં ભાગ લેવાનું આ એક મહત્ત્વનું કારણ છે. રહી વાત પ્રદીપ કુંભારની તો પ્રદીપ કુંભારે આયર્નમેનની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને દુર્ભાગ્યે આ જ હરિફાઈમાં જ તેમણે તેમનો પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમ છતાં તેમણે રવિવારે ઉત્સાહ અને ઉમંગથી 18મી ટાટા મુંબઈ મેરેથોનમાં ભાગ લીધો હતો. ખ્યાતિ અને પ્રદીપના જુસ્સાને જો બે જ લાઈનમાં વર્ણવવો હોય તો તે આ છે-
મંઝિલે ઉન્હીં કો મિલતી હૈ જિનકે સપનોં મેં જાન હોતી હૈ,
પંખ હોને સે કુછ નહીં હોતા, હૌંસલો સે ઉડાન હોતી હૈ…