Homeમેટિનીટેસ્ટફુલ ટ્રેલર ઓફ ધ યર ૨૦૨૩

ટેસ્ટફુલ ટ્રેલર ઓફ ધ યર ૨૦૨૩

નવા વર્ષના મનોરંજનની માલગાડીનું એડવાન્સ બુકિંગ

શો-શરાબા-દિવ્યકાંત પંડ્યા

વેલકમ ૨૦૨૩! મનોરંજન દેવને નમન કરીને આ વર્ષની શરૂઆતમાં પ્રાર્થના કરીએ કે ગયા વર્ષે ફિલ્મમેકર્સ અને દર્શકોને તમે જેવા ફળ્યા તેના કરતાં પણ વધુ આ વર્ષે ફળજો. વિશ્ર્વ સિનેમાએ ગયા વર્ષે ઘણી મજાની ફિલ્મ્સ આપી છે. ગયા વર્ષની શરૂઆતમાં આપણે વર્ષ દરમિયાન રિલીઝ થનારી ફિલ્મ્સની અહીં વાત કરી હતી. સફળતાને બાજુમાં રાખીને દર્શકોને રસપ્રદ લાગે તેવી મહત્ત્વકાંક્ષી ફિલ્મ્સની સંભવિત યાદીમાંથી મોટા ભાગની ફિલ્મ્સમાં આપણી ધારણા સાચી પડી હતી. આ વર્ષે પણ મનોરંજનની માલગાડી આપણા સૌ માટે તૈયાર છે જ. ચાલો જરા સફર શરૂ થાય એ સાથે નજર કરી લઈએ પહેલા છ મહિનાના ગમી જાય તેવા સ્ટેશન્સ પર!
—————–
કુત્તે (૧૩ જાન્યુઆરી)
આ વિચિત્ર નામવાળી ફિલ્મ મંજાયેલા દિગ્દર્શક વિશાલ ભારદ્વાજના કુળની છે. જોનરા અને લિટરલ બંને અર્થમાં. હા, તેના દીકરાની આ ફિલ્મનું થોડા દિવસ અગાઉ રિલીઝ થયેલું ટ્રેલર પોલીસ, ક્રિમિનલ્સ અને ગુનાખોરીની દુનિયામાં બ્લેક કોમેડીનો તડકો મારીને મજા કરાવે છે!
ડિરેક્ટર: આસમાન ભારદ્વાજ
કાસ્ટ: અર્જુન કપૂર, નસીરુદ્દીન શાહ, તબુ, કોંકણા સેન શર્મા
————————
એન્ટ મેન એન્ડ ધ વાસ્પ: ક્વાન્ટમેનિયા
(૧૭ ફેબ્રુઆરી)
માર્વેલ સિનેમેટિક યુનિવર્સ આ ફિલ્મ સાથે ફેઝ ફાઈવમાં પ્રવેશી રહ્યું છે. માર્વેલની દરેક ફિલ્મ માટે તેના લોયલ દર્શકો રાહ જોતા જ હોય છે, જયારે આ ફિલ્મથી તો ઇન્ફિનીટી સાગા પછીના મલ્ટિવર્સ સાગાના મુખ્ય વિલન કેન્ગની ફૂલ ફ્લેજ્ડ એન્ટ્રી થવાની છે, એટલે તો વહેલી આવે રિલીઝ ડેટ!
ડિરેક્ટર: પેટન રીડ
કાસ્ટ: પોલ રડ, એવેન્જલીન લીલી, જોનાથન મેજર્સ
————————–
શઝેમ! ફ્યુરી ઓફ ધ ગોડ્સ (૧૭ માર્ચ)
માર્વેલના રાઈવલ ડીસી યુનિવર્સ માટે ૨૦૨૨નું વર્ષ ઠીકઠાક ગયું છે. સુપરહીરો શઝેમની પહેલી ફિલ્મ દર્શકોને ગમી હતી. આ બીજી ફિલ્મ પણ સફળ રહેશે એવું લાગી રહ્યું છે કેમ કે દર્શકોને ડીસીની આ સુપરહીરોની કોમેડી ટ્રીટમેન્ટમાં બીજા કરતાં નાવીન્ય મળે છે!
ડિરેક્ટર: ડેવિડ એફ. સેન્ડબર્ગ
કાસ્ટ: ઝેકરી લિવાય, એશર એન્જલ, જેક ડિલન ગ્રેઝર
————————
પઠાન
(૨૫ જાન્યુઆરી)
ચાર વર્ષે કમબેક કરી રહેલા શાહરુખ ખાનની આ ફિલ્મની દર્શકોને ઉત્સુકતા તો છે જ પણ સાથે ‘બેશરમ રંગ’ જેવી ધડમાથા વગરની કોન્ટ્રોવર્સી પણ જોડાઈ છે. શાહરૂખના ચાર્મના જાદુ અને ગુણવત્તાને જોરે ફિલ્મ ચાલે છે કે પછી ટ્રેલર જેટલી મજેદાર નથી નીવડતી એ જોવું રહ્યું!
ડિરેક્ટર: સિદ્ધાર્થ આનંદ
કાસ્ટ: શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ
————————
તું જુઠ્ઠી મૈં મક્કાર
(૮ માર્ચ)
સારી રોમેન્ટિક કોમેડી ફિલ્મ્સની ઘણા સમયની દર્શકોની રાહ કદાચ આ ફિલ્મથી પૂરી થાય તેમ લાગે છે. ફિલ્મનો ટાઈટલ સાથેનો ફર્સ્ટ લૂક એનાઉન્સમેન્ટ વિડિયો રિલીઝ થયો છે. એ વિડિયો અને ડિરેક્ટર-કાસ્ટ પરથી એવું લાગે છે કે ફિલ્મમાં મસ્તમજાનું મનોરંજન હશે જ!
ડિરેક્ટર: લવ રંજન
કાસ્ટ: રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, ડિમ્પલ કાપડિયા
————————
નોક એટ ધ કેબિન (૩ ફેબ્રુઆરી)
બે પુરુષ અને એક નાની બાળકી જંગલમાં એક કેબિનમાં પિકનિક માટે ગયા હોય છે, પણ ત્યાં જ એક વિચિત્ર અને રહસ્યભરી ટોળકી આવે છે અને તેમના પર હુમલો કરે છે. એ ટોળકીનો ઉદ્દેશ્ય એટલે ફિલ્મમાં ટિવસ્ટ્સની મજા. જેમને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ્સ ગમતી હોય તેમણે આ ફિલ્મ પર નજર રાખવી રહી!
ડિરેક્ટર: એમ. નાઈટ શ્યામલન
કાસ્ટ: ડેવ બટિસ્ટા, જોનાથન ગ્રોફ, બેન ઓલ્ડ્રીજ, રૂપર્ટ ગ્રિન્ટ
———————-
જ્હોન વીક: ચેપ્ટર ૪ (૨૪ માર્ચ)
જ્હોન વીક ફ્રેન્ચાઈઝનો એક અલગ જ ફેનબેઝ છે. આ સિરીઝનું વાર્તાવિશ્ર્વ એટલે ક્રાઈમ અને એક્શનમાં નવા નિયમોનું ભાથું. ફિલ્મના ટિઝર ને ટ્રેલર ઘણા સમયથી આવી ચૂક્યા છે અને દર્શકો ફિલ્મ જોવા જશે જ એ પાક્કી વાત છે. શું ફિલ્મ તેમના ભરોસા પર ખરી ઊતરશે? વી વીલ સી!
ડિરેક્ટર: ચેડ સ્ટહેલ્સ્કી
કાસ્ટ: કીઆનુ રિવ્ઝ, ડોની યેન, લોરેન્સ ફિશબર્ન
——————-
અ ગુડ પર્સન
(૨૪ માર્ચ)
એક છોકરીની જિંદગી ખૂબ સારી વીતી રહી છે. તેના લગ્ન થવાના છે પણ અચાનક જ તેની આસપાસની વ્યક્તિમાં કોઈનો અકસ્માત થાય છે અને તેની જિંદગી બદલી જાય છે. સ્લાઈસ ઓફ લાઈફ પ્રકારની આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ શાતા આપનારું છે!
ડિરેક્ટર: ઝેક બ્રાફ
કાસ્ટ: ફ્લોરેન્સ પ્યુ, મોર્ગન ફ્રીમેન, મોલી શેનન
——————-
પોન્નીયીન સેલ્વન: ૨ (૨૮ એપ્રિલ)
કલ્કી કૃષ્ણમૂર્તિ દ્વારા ૧૯૫૦ થી ૧૯૫૪ના સમયગાળામાં લખાયેલી આ જ નામની અતિ પ્રચલિત નવલકથા પરથી ગયા વર્ષે રિલીઝ થયેલી આ ફિલ્મનો પ્રથમ ભાગ બ્લોકબસ્ટર સાબિત થયો છે. ચોલા સામ્રાજ્યના ઈતિહાસની આ ભવ્ય એક્શન ફિલ્મના બીજા ભાગ માટે સૌ આતુર છે!
ડિરેક્ટર: મણિરત્નમ
કાસ્ટ: વિક્રમ, ઐશ્ર્વર્યા રાય બચ્ચન, જયમ રવિ, ત્રિશા
—————————-
ફાસ્ટ ટેન (૧૯ મે)
સ્ટ્રીટ કાર રેસથી શરૂ થઈને રોડ ચેઝ અને એક્શન માટે જાણીતી આ બિગ બજેટ ફ્રેન્ચાઈઝ પૂરી થવાનું નામ જ નથી લેતી. ક્રિટીક્સ વખોડે પણ લોકો માટે એડ્રિનલીન રશ ધરાવતી આ ફિલ્મ્સ એન્ટરટેઇન્મેન્ટનું મહા પેકેજ હોય છે. દસમો ભાગ આવી રહ્યો છે!
ડિરેક્ટર: લુઈસ લેટરીયર
કાસ્ટ: વિન ડીઝલ, મિશેલ રોડ્રિગઝ, જેસન સ્ટેથમ
———————–
એસ્ટ્રોઇડ સીટી (૧૬ જૂન)
‘એસ્ટ્રોઇડ સીટી’ એટલે હોલીવૂડની વધુ એક મોટી સ્ટારકાસ્ટ ધરાવતી રોમેન્ટિક કોમેડી ફિલ્મ. એકસાથે એક્ટિંગના અનેક ગમતા મહારથીઓ ધરાવતી; ૧૯૫૫ના સમયગાળામાં આકાર લેતી આ ફિલ્મ ફેસ્ટિવલ્સ અને એવૉર્ડ્ઝ માટે પણ પરફેક્ટ પ્લેટફોર્મ ધરાવે છે!
ડિરેક્ટર: વેસ એન્ડરસન
કાસ્ટ: ટોમ હેન્કસ, સ્ટીવ કરેલ, માર્ગો રોબી, સ્કારલેટ જોહાન્સન
———————
આવી રીતે તો સિનેરસિકો સાથે આવનારી ફિલ્મ્સની ચર્ચા વર્ષ પૂરું થયે પણ પૂરી નહીં થાય. તો ચાલો બાકીની મજેદાર લાગતી ફિલ્મ્સની એક ટૂંકી યાદી જોઈ લઈએ.
ભારતીય ફિલ્મ્સ:
રાજ શાંડિલ્ય-આયુષ્માન ખુરાનાની કોમેડી સિક્વલ ‘ડ્રિમ ગર્લ ૨’, કાર્તિક-કિયારાની મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ‘સત્યપ્રેમ કી કથા’, જાણીતા તમિલ ડિરેક્ટર એટલીની શાહરુખ ખાન સાથેની એક્શન થ્રિલર ‘જવાન’, કરણ જોહરની રોમેન્ટિક કોમેડી ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, સાચી ઘટના પર આધારિત ડ્રામા ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે’, મોડર્ન ઇન્ડિયન ફૂટબોલના પિતામહ સૈયદ અબ્દુલ રહીમની બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા મૈદાન’.

અમેરિકન ફિલ્મ્સ:
લગ્નમાં ગોળીબારવાળી કોમેડી ‘શોટગન વેડિંગ’, ઉંમરના અંતરે પ્રેમ અને ડાન્સથી ભરપૂર મેજીક ‘માઈક્સ લાસ્ટ ડાન્સ’, પ્રિયંકા ચોપરાની રોમેન્ટિક કોમેડી લવ અગેઈન’, અને સફળ ફ્રેન્ચાઈઝના આગામી પાર્ટ્સ જેમ કે ઈવિલ ડેડ રાઈઝ’, ‘ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી વોલ્યુમ ૩’, ‘સ્પાઈડરમેન: અક્રોસ ધ સ્પાઈડર-વર્સ’, ટ્રાન્સફોર્મર્સ: ‘રાઈઝ ઓફ ધ બીસ્ટ્સ’, ‘ધ ફ્લેશ‘ (ડીસી યુનિવર્સ), ‘ઈન્ડિયાના જોન્સ એન્ડ ધ ડાયલ ઓફ ડેસ્ટીની’.
લાસ્ટ શોટ
અવેઈટેડ ગુજરાતી ફિલ્મ્સ: ગુજરાતી સુપરસ્ટાર હિતેન કુમાર અને જાનકી બોડીવાલાની હોરર ફિલ્મ ‘વશ’ અને મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીની લોકપ્રિય ત્રિપુટીની ‘૩ એક્કા’!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -