Homeઈન્ટરવલમહાભારતના અનેકવિધ સંસ્કરણોમાં જોવા મળતી આશ્ર્ચર્યજનક કથાઓ

મહાભારતના અનેકવિધ સંસ્કરણોમાં જોવા મળતી આશ્ર્ચર્યજનક કથાઓ

તર્કથી અર્ક સુધી – જિજ્ઞેશ અધ્યારુ

ઋષિ મૈત્રેયનો દુર્યોધનને શ્રાપ
દ્યુત હાર્યા પછી પાંડવો વનવાસમાં હતાં ત્યારે અનેક ઋષિમુનિઓ તેમને આશીર્વાદ આપવા જતા, દુર્વાસા ઋષિ પાંડવો પાસે ગયા હતા એ પ્રસંગ તો જાણીતો છે, પરંતુ એક ઓછો જાણીતો પ્રસંગ છે મૈત્રેય ઋષિનો. પાંડવો પાસેથી વનમાં આદરસત્કાર પામી, સંતુષ્ટ થઇ મૈત્રેય ઋષિ જયારે હસ્તિનાપુર પહોંચ્યા ત્યારે કુરુસભામાં તેમનું સ્વાગત થયું અને મહારાજ ધૃતરાષ્ટ્રે તેમને પાંડવોના ખબરઅંતર પૂછ્યા.
મૈત્રેય ઋષિએ કહ્યું કે પાંડવો સુખી અને સંતુષ્ટ છે, મહારાજ સંતુષ્ટ થયા પણ શંકાના પ્રભાવમાં તેમણે મૈત્રેય ઋષિને પૂછ્યું, તમને શું લાગે છે, પાંડવો વનવાસ પૂર્ણ કરશે કે અધવચ્ચેથી જ પાછા આવી જશે? ઋષિએ તેમને કહ્યું કે પાંડવો તેમના ભાઈના પુત્રો જ છે, મહારાજે તેમને પાછા બોલાવી લેવા જોઈએ.
ક્રોધિત થયેલો દુર્યોધન પોતાના સિંહાસન પરથી ઊભો થઇ ગયો અને પોતાની જાંઘ પર હાથ વડે એણે જોરથી થાપટ મારી. આ મૈત્રેય ઋષિનું અપમાન હતું, ક્રોધિત થઇ તેમણે દુર્યોધનને શ્રાપ આપ્યો કે જે જાંઘ પર આજે અભિમાનથી તાલ આપે છે એ જ જાંઘ ભીમની ગદા તોડશે. દુર્યોધન જતો રહ્યો, મહારાજ ધૃતરાષ્ટ્રે એના વતી ક્ષમા માગતા ઋષિને શ્રાપ પાછો લેવા વિનંતી કરી, ઋષિએ કહ્યું, જો યુદ્ધ ન થાય તો જ આ શ્રાપ વિફળ થશે.
દુર્યોધનનો સંતાપ
કહેવાય છે કે પૃથ્વી પર ભાર વધી જવાથી, કલિના અંશથી દુર્યોધનનો જન્મ થયો હતો. આમ તો એનું નામ સુયોધન હતું, પરંતુ એને યુદ્ધમાં જીતવો અશક્ય હતો એટલે એનું નામ દુર્યોધન એવું પડ્યું.
યુદ્ધને અઢારમે દિવસે બે પહોર પછી ભીમ અને દુર્યોધનનું ભયાનક ગદાયુદ્ધ આરંભાયું અને લાંબો સમય ચાલ્યું. એ યુદ્ધમાં દુર્યોધનનો પરાભવ થયો. ભીમે એની જાંઘ પર ગદા પ્રહાર કર્યો હતો. આ જોઈને બળરામને બહુ ક્રોધ આવ્યો કારણ કે ભીમ તથા દુર્યોધન બંને તેમના શિષ્યો હતા અને જાંઘ પર ગદાપ્રહાર ગદાયુદ્ધના નિયમોથી વિરુદ્ધ હતું. શ્રીકૃષ્ણે તેમને શાંત પાડ્યા, તેમને સમજાવ્યું કે મૈત્રેય ઋષિનો દુર્યોધનને શ્રાપ હતો જેના અનુસાર તેની જાંઘ ઉપર ગદા પ્રહારથી જ તે મરણ પામવાનો હતો. બળરામ શાંત પડ્યા. દુર્યોધન એક તરફ પડ્યો તરફડતો હાંફી રહ્યો હતો, એના ચહેરા પર પારાવાર પીડા દેખાઈ રહી. પોતાનો અંતિમ સમય એને નિકટ દેખાઈ રહ્યો.
મૃત્યુશૈય્યા પર પડેલા દુર્યોધનને પોતાના કેટલાક નિર્ણય પર પશ્ર્ચાતાપ થઇ રહ્યો હતો. એણે કંઈક કહેવા ત્રણ આંગળી ઊંચી કરી, પરંતુ ભયાનક પીડાને લીધે એક પણ શબ્દ ન નીકળી શક્યો.
શ્રીકૃષ્ણ એની પીડા સમજી ગયા, એની પાસે આવી વાત્સલ્યથી એનું મસ્તક પોતાના ખોળામાં મૂક્યું અને એને કહ્યું, મને તારા ત્રણેય સંતાપ ખબર છે. અને એનો ઉત્તર પણ તને અવશ્ય મળશે.
તારો પહેલો સંતાપ હતો કે તેં નારાયણી સેનાને બદલે મને પસંદ કર્યો હોત તો આજે યુદ્ધનું પરિણામ તારા હકમાં હોત. પણ યાદ કર દુર્યોધન, તું થોડીવાર વહેલો આવ્યો હતો, વિચારવાનો પૂરતો સમય તારી પાસે હતો. પણ તારું અભિમાન, તારો ગર્વ તારી સાથે જ હતો. એટલે જ તો તું મારા મસ્તક પાસે ઊભો રહ્યો. અર્જુન ભલે તારા પછી આવ્યો પણ નમ્રતા અને સમર્પણ ભાવથી આવ્યો હતો. એ મારા પગ પાસે ઊભો રહ્યો. દરેક રીતે તને અવસર મળ્યો, કોણ પહેલા આવ્યું અને કોણ પહેલા માગે એ મુદ્દો ઊભો કરી તેં પોતે જ તારા વિચારની દિશા બદલી દીધી. મારે તો એમાં કઈ કરવું જ ન પડ્યું. અર્જુને જ્યારે નારાયણી સેનાએ ન માંગી મને એકલાને એ પણ નિ:શસ્ત્ર માંગ્યો ત્યારે તું સંખ્યાબળ ગણવામાં નહોતો પડ્યો? મને વિશ્ર્વાસ હતો કે તું મને એકલાને એ પણ નિ:શસ્ત્ર નહિ જ સ્વીકારી શકે. શિશુપાલના વધ વખતે, હસ્તિનાપુર હું દૂત બની ને આવ્યો ત્યારે.. કેટકેટલા અવસરે તેં મને જોયો હતો તો પણ તું મારા પર શ્રદ્ધા ન મૂકી શક્યો. અર્જુને ભલે પહેલા માંગ્યું પણ એણે મને, એ પણ નિ:શસ્ત્ર સ્વીકાર્યો એથી તને હાશ નહોતી થઇ?
તારો બીજો સંતાપ છે કે વિદુરને તેં સાથે ન રાખ્યા, તું વિચારે છે કે જો એ યુદ્ધમાં તારી પડખે હોત તો તને સાચી દોરવણી આપી શક્યા હોત! તો કદાચ આજે તું યુદ્ધ જીતી રહ્યો હોત. તું જ વિચાર, કેટકેટલી વખત એ વિદ્વાન વડીલે તને સાચો માર્ગ દેખાડ્યો, પરંતુ એના પર ચાલવાની તારી કદી ઈચ્છા નહોતી. લાક્ષાગૃહ હોય કે જુગટું કે દ્રૌપદી વસ્ત્રહરણ કે પછી આ યુદ્ધ, તેં કદી એમની વાત કાને ધરી જ નહિ. તો આ યુદ્ધમાં એ હોત તો પણ તેં એમની વાત કાને ધરી હોત એમ હું વિચારી શકતો નથી. અને જો એ કદાચ યુદ્ધમાં જોડાયા હોત તો હું નિ:શસ્ત્ર ન હોત, મારે જ એમનો વધ કરવો પડ્યો હોત.
તારો ત્રીજો સંતાપ એ છે કે તેં હસ્તિનાપુરની ફરતે કિલ્લો કેમ ન બાંધ્યો; જો એ બંધાવ્યો હોત તો… તારા મનમાં એ વિષે અનેક વિચાર છે, પણ જો તેં કિલ્લો બંધાવ્યો હોત તો મેં નકુલને મોકલીને એ કિલ્લાનો ધૂળની ઢગલીની જેમ નાશ કરાવ્યો હોત. તને ખબર જ છે કે નકુલ એવી સરસ ઘોડેસવારી કરે છે કે વરસાદનાં બે ટીપા વચ્ચે પણ એ કોરો નીકળી શકે એવી એની ગતિ છે, અશ્ર્વો પર એનો એવો પ્રભાવ છે. એટલે તારો કિલ્લો બનતા પહેલા જ ભગ્ન થયો હોત.
અમુક કથાઓમાં એક ચોથો સંતાપ પણ મળે છે, જેમાં દુર્યોધનને ગુરુ દ્રોણાચાર્ય પછી અશ્ર્વત્થામાને સેનાપતિ ન બનાવ્યો એ સંતાપ છે. એના ઉત્તરમાં શ્રીકૃષ્ણ કહે છે, યુધિષ્ઠિરે આખા યુદ્ધ દરમ્યાન ક્રોધ કર્યો નથી, અર્જુને યુધિષ્ઠિર સામે અસંતોષ વ્યક્ત કર્યો ત્યારે પણ એ યુદ્ધે સ્થિર જ રહ્યા છે પણ જો દુર્યોધને અશ્ર્વત્થામા ને સેનાપતિ બનાવ્યો હોત તો તેમણે યુધિષ્ઠિરને ક્રોધિત કર્યા હોત, યુધિષ્ઠિરના ક્રોધથી એમની દ્રષ્ટિસીમામાં હોય એ બધું – સમગ્ર સેના ભસ્મ થઇ જાત.
શ્રીકૃષ્ણ દુર્યોધનને કહે છે, તારું આ પરિણામ નિશ્ર્ચિત જ હતું અને એ તારાં કર્મો મુજબ યથાર્થ જ છે. એક ક્ષત્રિયની રીતે તું વીરગતિ પામી સ્વર્ગ પ્રતિ પ્રયાણ જ કરવાનો છે. જો આમ હોત તો તેમ હોત એવું વિચારવાનું છોડી ને સઘળી શંકાઓનો ત્યાગ કર! જે થયું એ જ થવાનું હતું, ગમે તે માર્ગે અંત તો આ જ હોત. હવે તારા અહં ને લીધે જે પરાજય મળ્યો છે એનો સ્વીકાર કર અને મુક્ત થા! અને કૃષ્ણની આ આજ્ઞા શિરોધાર્ય કરી દુર્યોધન પોતાનો
દેહ ત્યાગે છે.
રૂક્મી મહાભારત યુદ્ધમાં જોડાઈ શક્યો નહીં
ભીષ્મક નામે વિદર્ભના વીર અને સદ્ગુણી રાજા, એમને પાંચ દીકરા અને એક દીકરી હતાં. રુુક્મિણી પરણવા લાયક થઈ ત્યારે પિતા ભીષ્મકને તેનાં લગ્નની ચિંતા થઈ. તેમના પુત્ર રુક્મીએ મહારાજ ભીષ્મકને પોતાનો વિચાર કહ્યો, અને રુક્મણિનાં લગ્ન શિશુપાલ સાથે નક્કી થયા. રુુક્મિણીએ મનોમન શ્રીકૃષ્ણ સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, શ્રીકૃષ્ણે રૂક્મીને હરાવ્યો અને રુુક્મિણીની ઈચ્છા અનુસાર તેમને ત્યાંથી લઇ જઈ લગ્ન કર્યા, રૂક્મી ત્યારથી શ્રીકૃષ્ણ પ્રત્યે વેર રાખતો હતો.
મહાભારતનું યુદ્ધ આરંભાઈ રહ્યું હતું ત્યારે રુક્મી પાંડવો પાસે પહોંચ્યો અને તેમને કહ્યું, “ભલે મને કૃષ્ણ પ્રત્યે વેર છે, પરંતુ મને લાગે છે કે યુદ્ધ તમે જ જીતશો; કૌરવો હારશે એટલે હું તમારા પક્ષે યુદ્ધ કરવા ઈચ્છું છું. યુધિષ્ઠિરે વિનમ્રતાપૂર્વક તેનો અસ્વીકાર કર્યો. રૂક્મી ત્યાંથી કૌરવો પાસે ગયો અને તેમનો સાથ આપવાનો પ્રસ્તાવ મૂક્યો. દુર્યોધને કહ્યું કે એ પહેલા પાંડવો પાસે જઈ આવ્યો છે, પાંડવોએ તેને કે તેની સેનાને ન સ્વીકાર્યા એટલે કૌરવો પણ તેને ન સ્વીકારી શકે. એ પહેલા દુર્યોધન પાસે આવ્યો હોત તો તેને અવશ્ય સ્વીકાર્યો હોત. આમ રૂક્મી મહાભારત યુદ્ધમાં જોડાઈ શક્યો નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -