અરવિંદ વેકરિયા
કિરણ સંપટ
પ્રભુની મહેરબાની અને રાજેન્દ્ર શુકલની ચપળતાએ કાસ્ટિંગ લગભગ પૂરું થઈ ગયું હતું. કુમુદ બોલે હવે ‘હા’ બોલે, એનો ‘હકાર’નો ફોન આવે તો સારું નહીં તો પાછું એ પાત્ર માટે વિચારવું પડશે એ નક્કી હતું. ‘ચોર’નાં પાત્ર માટે તકલીફ હતી. જો કે રોલ બહુ મોટો નહોતો… પછી પણ શોધી શકાય એવો હાથવગો હતો. “તકલીફ ના પહેલા બર અક્ષરોમાં જ ‘તક’ છુપાયેલી છે માટે “તકલીફ માંથી ‘તક’ શોધતા શીખી લઈએ તો કામની સફળતા નક્કી. ત્યાં સાંજે રાજેન્દ્રએ ખબર આપ્યા કે એની ઓફિસમાં કુમુદ બોલેનો ફોન આવી ગયો અને એમની હા’ આવી ગઈ છે, થોડી પૈસા બાબત રકઝક થઇ પણ સૌ સારું એનું છેલ્લે પણ સારું, એમ આપણા બજેટમાં એ માની ગયા.
ટૂંકમાં, પાત્રો બધા સારા નક્કી થઇ ગયા. રિહર્સલ શરૂ કરવા મેં રાજેન્દ્રને કહ્યું કે, અઠવાડિયા પછી શરુ કરીશું. સ્વાભાવિક એનો સવાલ સવાલ હતો કે ‘કેમ?.’ મારે કહેવું પડ્યું કે, શૈલેશ દવેના રિહર્સલમાં મારો સીન આજ-કાલમાં સેટ કરી પોલીશ્ડ પણ દવે કરી લેશે. ..પછી એમની જરૂરીયાત અને મારી અનુકૂળતા પ્રમાણે જવાની વાત પણ દવે સાથે થઇ ગઈ છે. “મને કહે, “વાહ, દાદુ…રસ્તો થઇ ગયો. મેં કહ્યું, દોસ્ત ! બધા રસ્તામાં ભલે પ્રોબ્લેમ હોય પણ બધા પ્રોબ્લેમના રસ્તા પણ હોય, એ યાદ રાખવું. પછી મેં જરા મારી મો-ફાડ ખોલી હળવું હાસ્ય વેર્યું. રાજેન્દ્ર કહે “અઠવાડિયા પછી જોજે કે આપણે વિલંબ ન થાય. આ નાટકની દુનિયાએ મને ઓછા વખતમાં ઝાઝી વાતો શીખવી દીધી છે. આપણા નાટકની રેલગાડી જેમ-જેમ ગતિ પકડશે ત્યારે જ કોઈ વિઘ્નસંતોષી સાંકળ ન ખેંચે એનું ધ્યાન રાખજે.
એની આ લેખનની જબાન પર હું ફરી હસી પડ્યો.
હવે પાત્રમાં ચોર’ બાકી રહ્યો હતો.રાજેન્દ્રનું કહેવું હતું કે નેપથ્યમાં કામ કરતા કોઈ કસબીને એ રોલ આપી શકાય. એ પાત્રની ગણીને બે એન્ટ્રી હતી.એક, રાત્રે અંધારામાં ઘરમાં ચોરી કરવા પ્રવેશે છે, અને બીજી, એ પકડાયા પછી ઇન્સ્પેક્ટર એને એ જ ઘરમાં કબૂલાત માટે લઈ આવે છે. સંવાદો કોઈ હતા નહિ એટલે બીજું કોઈ ટેન્સન નહોતું.
ત્યારે મને એક વ્યક્તિ રેલેવે સ્ટેશન કાંદિવલી ઉપર અચૂક મળી જતી જેણે પોતે લખેલો રોલ મારા નિર્દેશિત નાટક ‘અંજુ મંજુ મુંબઈમાં’- માં ભજવેલો. આ પ્રસંગની ચટપટી વાતો આ પહેલા આજ પ્લેટફોર્મ પરથી મેં આપ સુજ્ઞ વાંચકો સમક્ષ આલેખી દીધી છે. જી હા… એ વ્યક્તિ એટલે સુભાષ ઠાકર. આજે તો સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે એમની નામના છે.લગ્નસંધ્યા હોય કે પાર્થનાસભા હોય, જૈન આધ્યાત્મનો વિષય હોય કે કૃષ્ણમહિમા. બધા વિષયો ઉપર એ અસ્ખલિત બોલી શકે.એમની ઘણી કૃતિઓ ‘મનોરંજન થી મનોમંથન’ હેઠળ પબ્લિશ
પણ થઇ છે. હાલમાં એક જાણીતા અખબારની સાપ્તાહિકીમાં દર
રવિવારે એમની કૃતિ છપાય છે. મને ગર્વ છે કે આવી વ્યક્તિ મારી અંગત મિત્ર છે.
તો, ઉપર જણાવ્યું એમ, મને અવારનવાર કાંદિવલી રેલવે સ્ટેશન પર મળી જતા. ત્યારે એ નોકરી કરતા. પોતાની અંદરની આવડતને ઓળખી, એમના ફિલ્ડમાં નામ થતા, કાર્યક્રમો વધતા એમણે નોકરીને તિલાંજલિ આપી દીધી. ..અંજુ મંજુ..’ નાટક પછી મને કોઈ રોલ હોય તો કહેજો એમ કહ્યા કરતા કહેતા, ‘રોલ નાનો જ આપજો, કારણ હું નોકરીમાં અટવાય જાઉં અને મારી ગેરહાજરીની અસર નાટકને થાય એ મને ન ગમે મને એમની મારી અને નાટક માટેની ભાવના ગમી. રિવાજોથી તો સંબંધો ચાલે, મિત્રતા માટે તો આત્મીયતા હોવી જોઈએ જે સુભાષ ઠાકરમાં હતી અને છે. મેં ‘ચોર’નાં પાત્રની જેના મોઢે કોઈ સંવાદ નથી એની વાત કરી.સાથે કહ્યું કે પણ મિત્રભાવે ગ્રૂપમાં જોડાવું હોય તો આપ આવી શકો છો. એમણે બેધડક હા પાડી દીધી. માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે, પણ મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરી મહાનતા કહેવાય. આમ ‘ચોર’નાં પાત્ર માટે સુભાષ ઠાકર નક્કી થઇ ગયા. એમની સાથે આજે પણ પારિવારિક સંબંધ છે, પોતાના કાર્યક્રમોમાં આટલા બીઝી રહેવા છતાં… ઊંચાઈ અને ઉમર, એકવાર વધે પછી ઘટે નહિ,પણ લાગણી અને વિશ્ર્વાસ એકવાર ઘટે પછી વધે નહિ. મારા લાગણી અને વિશ્વાસ સુભાષ સાથે વણતૂટ્યા છે.
મેં સુભાષની વાત રાજેન્દ્રને કરી. એ ખુશ થઇ ગયો. આ બધામાં મારી સાથે મારા કાયમી નિર્માણનિયામક ધનવંત શાહ તો સાથે ખરા જ.એમણે રિહર્સલ માટે એ જ, ચર્નીરોડ સ્ટેશનની સામે ‘શાંતિ-નિવાસ’ હોલ બુક કરાવી લીધો. આ એ જ ‘શાંતિ-નિવાસ’, જ્યાંથી હું નયન ભટ્ટ સાથે રીહર્સલ કરતો હતો ત્યારે બંને કિશોરો’એ મને સખત શબ્દોમાં વઢી કાઢ્યો હતો, આજે એ જ બંને ‘કિશોરો’ને હું દિગ્દર્શિત કરી રહ્યો હતો. દેવયાનીબેનની વાત ઘણી વાર મોઢા પર આવી જતી પણ હું મારું મોઢું એ બાબત ખુલી ન જાય એની સતર્કતા જાળવતો. આમ પણ મૌન બહુ સારી વસ્તુ છે, ઘણા સંબંધોની આબરું ઢાંકી દે છે. રિહર્સલ દરમ્યાન એ લોકો તરફથી ‘કોઈ પણ બાબતે’ કઈ’ પણ બન્યું નહિ.
હા, રીહર્સલમાં નીલા પંડ્યાને ક્યારેક વાંધો પડતો. મેં કહ્યું એમ ‘રમતિયાળ’ અને થોડા ‘ગલગલીયા’ કરતા સંવાદો જે મને પણ ગમતા નહિ, વાંધો એનો પડતો. રાજેન્દ્રનો દાવો હતો કે પ્રેક્ષકોની માગ હવે થોડી પરિવર્તિત થતી જાય છે, માટે જે ‘વાનગી’ ચાલે એ જ આપણે ‘પીરસવી’ જોઈએ. નીલા પંડ્યા એવા અમુક સંવાદો બદલવા કહેતી, રાજેન્દ્ર એને સમજાવતો અથવા નીલાને અનુકૂળ લાગે એ પ્રમાણે બદલી પણ આપતો.
રાતે ફરી ઘરે પહોંચતા તુષાર શાહનો ફોન આવ્યો અને પોતે હજી મોડા આવશે એ બાબત વાત કરી.હું થોડો દ્વિધામાં હતો છતાં મેં સાચું હતું એ જણાવી દીધું કે, તમારી પસંદ કરેલી સ્ક્રિપ્ટ હું બીજા નિર્માતા માટે કરી રહ્યો છું. આ વાત સાંભળી એમણે મારી સાથે મીઠો ઝગડો પણ કર્યો. મને કહે, ‘ઠીક છે દાદુ, હું આવું ત્યાં સુધીમાં જો નાટક ન ચાલ્યું અને બંધ થઇ ગયું તો હું એ જ નાટક ફરી ‘રીવાઈવ’ કરીશ.’ મેં કહ્યું કે, તમે આવું ઈચ્છો છો કે મારું નાટક ન ચાલે?. જુઓ, રાજેન્દ્રએ તમારા માટે બીજા બે વિષયો શોધી રાખ્યા છે. તમે આવું… મારી વાત કાપતા, હસતા-હસતા મને કહે, ‘મજાક’ કરું છું યાર ! હું આવી જાઉં પછી વિચારીશું. આવતા પહેલા ફોન જરૂર કરીશ. કહી એમણે વાતનું સમાપન કર્યું.
મને સંતોષ થયો કે મેં તુષારભાઈને અંધારામાં રાખ્યા વગર સત્ય જણાવી દીધું. ઓળખાય જવાનો ડર અસત્યને હોય, સત્ય તો ઈચ્છે કે મને બધા ઓળખે.
બીજે દિવસે હું શૈલેશ દવેના રિહર્સલમાં પહોંચી ગયો.
માણસનો માણસ પર વિશ્ર્વાસ કેટલો?
વન-વે ક્રોસ કરતી વખતે પણ બંને સાઈડ જોવું પડે એટલો !
————-
ડૉક્ટર: રમેશભાઈ, દવાખાનામાં સીડી છે છતાં તમે પાઈપ પરથી કેમ આવ્યા?
રમેશ: મેં ક્યાંક વાંચ્યું હતું કે દવાખાનાના અને કોર્ટના પગથિયા ચઢવા નહિ.