પુન: પ્રજામત વિભાગ શરૂ કરવા બદલ ધન્યવાદ
મુંબઈ સમાચાર એટલે લાખો પરિવારનું માનીતું સમાચાર પત્ર. લોકશાહીને માન આપતું મું. સ. બે સદી વટાવી ત્રીજી સદીના આરે ઊભા રહેવાનું માન – સ્વમાન મેળવનાર મું. સ.નું સ્વાગત – અભિનંદન. આજે આપના તરફથી શ્રી નીલેશભાઈ દવેનો ખૂબ આભાર. પુન: પ્રજામત વિભાગ શરૂ થવા ધન્યવાદ.
મનન કમલેશ વોરા, ઘાટકોપર.
—
પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા અંગે કેન્દ્ર અને રાજ્યોની ‘બાઈ બાઈ ચારણી’ જેવી નીતિ
છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ – ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની વાતો થઈ રહી છે, પરંતુ કોઈ નિર્ણય કે પગલાં લેવાતાં નથી. તાજેતરમાં એક સમારંભમાં નાણાં મત્રીએ જણાવ્યું હતું કે પેટ્રોલ – ડીઝલને જીએસટી હેઠળ લાવતાં પહેલાં રાજ્યો અને જીએસટી કાઉન્સિલે તૈયારી બતાવવી પડશે. જો તેઓ તૈયારી બતાવશે અને ઈંધણનો દર નક્કી કરશે તો ઈંધણને જીએસટીના દાયરા હેઠળ લાવી દેવામાં આવશે. પરંતુ યક્ષ પ્રશ્ર્ન એ છે કે શું આ શક્ય બનશે ખરું? કેમ કે હકીકતમાં પેટ્રોલ – ડીઝલને જો જીએસટીના દાયરા હેઠળ લાવવામાં આવે તો રાજ્યોને સૌથી મોટી આવકનો સ્ત્રોત પેટ્રોલ – ડીઝલ ઉપરના ટેક્સનો રહ્યો છે તે ગુમાવવો પડે અને રાજ્યોને તે ગુમાવવો પોસાય તેમ નથી. એટલે પેટ્રોલ – ડીઝલને જીએસટીના દાયરા હેઠળ લાવવા માટે કેન્દ્ર અને રાજ્યો “બાઈ બાઈ ચારણી જેવી નીતિ અપનાવી રહ્યા છે! અર્થાત આ અંગેની જવાબદારી કેન્દ્ર અને રાજ્યો એકબીજા ઉપર ઢોળી રહ્યા છે! એમાં બિચારી દેશની સામાન્ય પ્રજા મોંઘવારીમાં પિસાઈ રહી છે! પણ પ્રજાની તો ક્યાં કોઈને પણ પડી છે?
મહેશ વી. વ્યાસ,
પાલનપુર-૩૮૫૦૦૧.
—
‘ગર્વ છે મને મારી માતૃભાષાનો’
હા! મને ગર્વ છે જિંદગીની પળે પળે…
મારી માતૃભાષા ગુજરાતીનો…
શબ્દે શબ્દોમાં ભરી છે…
અપાર દેશપ્રેમની ભાવનાઓ… સ્પંદનો…
હૈયાસરસી ચાંપી રાખી છે…
સ્વતંત્રતાની ખુશ્બુ આઝાદીની…
કવિઓ થઈ ગયા મહાન…
કાવ્ય રચનામાં વણી લેતા હતા દેશના પ્રેમને…
કહીશ જરૂરથી હું…
નશ્ર્વર દેહ ઘડી બે ઘડીમાં
અંતિમયાત્રા માટે ચિતા ઉપર મુકાઈ જશે
જાગી જાઉં જો… કોઈક જન્મે જન્મે તો…
પોકારી – પોકારીને કહીશ હું…
હું ગુજરાતી છું… સલામ કરું છું મારી માતૃભાષાને…
ગર્વ છે… મને મારી માતૃભાષા ‘ગુજરાતીને’
હર્ષદ દડિયા, ઘાટકોપર
—
વો ભી ક્યા દિન થે…?
જૂની નવી પેઢી વચ્ચેનો ભેદ અત્રે વ્યક્ત કરીએ! જમવામાં સાદી દાળ રોટલી બનતી… તેમ છતાં લોહીની કમી નહોતી, શાળામાં શિક્ષકો કાન બહુ ખેંચતા, લાકડીઓ વડે મારતા, પણ કોઈ બાળક શાળામાં હતાશાને કારણે આત્મહત્યા કરતો ન હતો! નાનપણમાં મોંઘાં રમકડાં નહોતાં મળતાં, પણ દરેક રમત ખૂબ જ મજેદાર બનતી! ઘરો કાચાં હતાં, રૂમ ઓછા હતા… પણ (માતાપિતા) ક્યારેય વૃદ્ધાશ્રમમાં નહોતા જતાં! ઘરમાં ગાય, કૂતરા, મહેમાનોની રોટલી બનતી… છતાં ઘરનું બજેટ સમતોલ રહેતું. આજે આપણા પરિવારની માત્ર રોટલી જ મોંઘી થઈ ગઈ છે! મહિલાઓ માટે વ્યાયામના કોઈ જિમ કે વિશેષ માધ્યમ નહોતાં, છતાં સ્ત્રીઓ સંપૂર્ણપણે સ્વસ્થ રહેતી હતી! ઘણી વખત ભાઈઓ, ભાઈઓ અને બહેનો વચ્ચે ખૂબ ઝઘડા થતા હતા, મારપીટ પણ થતી હતી પણ ક્યારેય અણબનાવ ન હતો કે, અબોલા બન્યા નો’તા! પરિવાર બહુ મોટા હતા, પાડોશીઓનાં બાળકો પણ આખો દિવસ રમતા અને માતાપિતા નાની-નાની વાત પર થપ્પડ મારતાં હતાં, પણ તેમનું માન કદી ઘટતું ન’હોતું! કદાચ ફરી એકવાર સૌહાર્દ, પરસ્પર પ્રેમ, એકતાનું વાતાવરણ થાય!
સુનીલ રાજેન્દ્ર બર્મન
સુરત.